સેવાગ્રામ આશ્રમને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળવો જોઈએ : ઉદ્ધવ ઠાકરે

03 October, 2020 10:42 AM IST  |  Mumbai | Agencies

સેવાગ્રામ આશ્રમને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળવો જોઈએ : ઉદ્ધવ ઠાકરે

સેવાગ્રામ આશ્રમને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળવો જોઈએ : ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે જણાવ્યું હતું કે આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધી જ્યાં રોકાયા હતા, તે રાજ્યના વર્ધા જિલ્લાના સેવાગ્રામ આશ્રમને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળવો જોઈએ.
મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતી પ્રસંગે સેવાગ્રામમાં કેટલાંક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યા બાદ ઠાકરેએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું.
મહાત્મા ગાંધી એક વિચાર છે અને આપણે એ વિચારને યાદ રાખ્યા વિના આગળ વધી શકીએ નહીં. ગાંધીજીના વિચારો આઝાદીના તેમના વિચારનો અમલ કરવા માટેનું પ્રેરણા બળ છે એમ તેમણે જણાવ્યું હતું.
સેવાગ્રામ આશ્રમને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળવો જોઈએ. ગાંધીજીએ વિશ્વને બતાવ્યું હતું કે શસ્ત્રો વિના પણ યુદ્ધ જીતી શકાય છે. માત્ર મહાત્મા જ અનેક નિયંત્રણો હોવા છતાં અને જાગૃતિ અભિયાન માટેનાં સંસાધનોનો અભાવ હોવા છતાં આઝાદીની ચળવળને સામૂહિક ચળવળમાં પરિવર્તિત કરી શકે છે એમ તેમણે જણાવ્યું હતું.
સેવાગ્રામ આઝાદીની ચળવળનું કેન્દ્ર હતું અને આ ધરોહરનું સંરક્ષણ કરવાની તમામ લોકોની જવાબદારી છે એમ તેમણે જણાવ્યું હતું. આપણી પેઢીનું દુર્ભાગ્ય છે કે આપણે બાપુને જોઈ ન શક્યા. પરંતુ બાપુ સાથે સંકળાયેલા અને તેમની સાથેનો પ્રત્યક્ષ અનુભવ ધરાવનારા લોકો પાસેથી આપણે બાપુના વિચારો સમજવાની જરૂર છે એમ ઠાકરેએ જણાવ્યું હતું.
સાથે જ તેમણે જણાવ્યું હતું કે સેવાગ્રામ આશ્રમ ખાતે સ્થાપિત કરાયેલી મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેની પ્રતિમાઓ તેમની શાળા જે. જે. સ્કૂલ ઑફ આર્ટ દ્વારા તૈયાર કરવામાં આવી હતી એનો તેમને ગર્વ છે.

mumbai mumbai news uddhav thackeray