હોટેલમાં સર્વિસ-ચાર્જ ફરજિયાત નથી

22 April, 2017 04:56 AM IST  | 

હોટેલમાં સર્વિસ-ચાર્જ ફરજિયાત નથી



હોટેલો અને રેસ્ટોરાંનાં બિલોમાં સર્વિસ-ચાર્જ ફરજિયાત નહીં પણ સંપૂર્ણ સ્વૈચ્છિક હોવાનું અન્ન તથા ગ્રાહક સમસ્યા વિભાગના પ્રધાન રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું. ગઈ કાલે દિલ્હીમાં સરકારે સર્વિસ-ચાર્જ વિશેની ગાઇડલાઇન્સને મંજૂરી આપ્યા પછી પાસવાને જણાવ્યું હતું કે ગાઇડલાઇન્સ પ્રમાણે લાગુ કરવાના સર્વિસ-ચાર્જના પ્રમાણનો નિર્ણય હોટેલો અને રેસ્ટોરાંએ નહીં, ગ્રાહકે લેવાનો રહેશે. આ ગાઇડલાઇન્સ વધુ કાર્યવાહી માટે રાજ્યોને મોકલવામાં આવશે.’

ગાઇડલાઇન્સ પ્રમાણે બિલમાં સર્વિસ-ચાર્જની કૉલમ ખાલી રાખવી પડશે. એ કૉલમમાં ગ્રાહકોએ ફાઇનલ બિલ ચૂકવતાં પહેલાં રકમ લખવાની રહેશે. જો સર્વિસ-ચાર્જ ફરજિયાત વસૂલ કરવામાં આવે તો ગ્રાહકો કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી શકે છે. સર્વિસ-ચાર્જ સંબંધી કાનૂની જોગવાઈઓનો ભંગ કરવા બદલ ભારે દંડ અને કડક કાર્યવાહીનું પગલું લઈ શકાય એમ નથી, કારણ કે હાલના ગ્રાહક સુરક્ષા કાયદામાં કન્ઝ્યુમર અર્ફેસ મિનિસ્ટ્રીને એવી સત્તા આપવામાં આવી નથી.

હોટેલો અને રેસ્ટોરાંમાં ટિપ્સની જગ્યાએ પાંચ ટકાથી વીસ ટકા જેટલો સર્વિસ-ચાર્જ વસૂલ કરવામાં આવતો હોવાની ફરિયાદો મળી હોવાનું અગાઉ કન્ઝ્યુમર અર્ફેસ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું.