મ્હાડાના ઘર પર લાગશે સર્વિસ અને સેલ્સ-ટૅક્સ

14 October, 2012 03:06 AM IST  | 

મ્હાડાના ઘર પર લાગશે સર્વિસ અને સેલ્સ-ટૅક્સ



વરુણ સિંહ

મુંબઈ, તા. ૧૪

આગામી લૉટરીથી મ્હાડાનાં ઘર ૧૫ ટકા મોંઘાં બની જશે, કારણ કે ઑથોરિટીએ હવે એના પર સર્વિસ અને સેલ્સ-ટૅક્સ લેવાનું નક્કી કર્યું છે જે ૧૫ ટકા જેટલો વધારે છે. આને કારણે ફ્લૅટની ખરીદી વખતે દર લાખ રૂપિયાએ પંદર હજાર રૂપિયા વધારે આપવા પડશે અને દસ લાખ રૂપિયાનો ફ્લૅટ ખરીદતી વખતે દોઢ લાખ રૂપિયા એક્સ્ટ્રા આપવા પડશે.

મુંબઈગરાને પરવડે એવા ભાવમાં ઘર આપવા માટે લોકપ્રિય મ્હાડાએ ભાવવધારાનો આ નિર્ણય લેવો પડ્યો છે, કારણ કે ફાઇનૅન્સ ડિપાર્ટમેન્ટના લેટેસ્ટ સક્યુર્લર પ્રમાણે હવે દરેક ઘરે ૧૨ ટકા કરતાં વધારે સર્વિસ-ટૅક્સ અને ત્રણ ટકા સેલ્સ-ટૅક્સ ભરવો પડશે. આનો સીધો મતલબ એ થશે કે જગયાના ભાવમાં ૧૫ ટકા જેટલો વધારો થશે જેને કારણે હવે એ સામાન્ય માણસને નહીં પરવડે. આ નવા ફેરફારને કારણે હવે મ્હાડાનાં ઘરો પણ સામાન્ય માણસ માટે મોંઘાંદાટ બની જશે.

આ મુદ્દે વાત કરતા સ્ટેટ હાઉસિંગ મિનિસ્ટર સચિન આહિરે કહ્યું હતું કે ‘પહેલાં આ ટૅક્સમાંથી મુક્તિ મળતી હતી, પણ હવે એ ફરજિયાત થઈ ગયો છે જેને કારણે એનો બોજ ખરીદદાર પર પડે એ સ્વાભાવિક છે. આને કારણે ફ્લૅટની કિંમતમાં ચોક્કસ વધારો થશે. જોકે અમારો વિભાગ આ સંજોગોમાં સામાન્ય માણસને રાહત મળે એવા વિકલ્પોની શોધ કરી રહ્યો છે. અમે સેન્ટ્રલ ફાઇનૅન્સ મિનિસ્ટ્રી પાસેથી આ ટૅક્સમાં રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’

નામ ન આપવાની શરતે વાત કરતાં મ્હાડાના એક સિનિયર અધિકારીએ આ પરિસ્થિતિ વિશે કહ્યું હતું કે ‘ટોચની ફાઇનૅન્સ ઑથોરિટીના ઇશારે અમને કિંમતોમાં વધારો કરવાની ફરજ પાડવામાં આવી છે. આ સંજોગોમાં એમાં ફેરબદલ કે કોઈ સમાધાન થાય એવી શક્યતા નથી.’

મ્હાડા = મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી