કામવાળી બાઈને એન્ટ્રી કે નો-એન્ટ્રી?

09 June, 2020 12:18 PM IST  |  Mumbai | Urvi Shah Mestry

કામવાળી બાઈને એન્ટ્રી કે નો-એન્ટ્રી?

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સોસાયટી વેલ્ફેર અસોસિએશન તેમ જ અન્ય હાઉસિંગ ફેડરેશન તથા કેટલાક સોસાયટી-મેમ્બર્સ દ્વારા શનિવારે રાતે ૮ વાગ્યે ઝૂમ દ્વારા મીટિંગ યોજાઈ હતી, જેમાં ૬૫૦થી પણ વધુ લોકો જોડાયા હતા. એમાંના ૪૦૦ જેટલા લોકો હાઉસમેડને સોસાયટીની અંદર આવવા દેવા માટે સહમત થયા હતા, જ્યારે ૧૦૦ લોકોએ અન્ય સર્વિસ-પ્રોવાઇડરને સોસાયટીની અંદર આવવા માટે સહમતી દર્શાવી હતી. ૧૫૦ જેટલા લોકો આઉટસાઇડરને સોસાયટીની અંદર આવવા દેવા માટે સહમત નહોતા થયા. મહારાષ્ટ્ર સોસાયટી વેલ્ફેર અસોસિએશન દ્વારા ગવર્નમેન્ટને ટ્વીટ કરાય છે, પરંતુ તેઓ તરફથી યોગ્ય પ્રતિસાદ મળતો નથી ત્યારે હવે સોસાયટી પર બધું ડિપેન્ડ છે એવું સૂચન કરવામાં આવ્યું હતું.

આ બાબતે મહારાષ્ટ્ર સોસાયટી વેલ્ફેર અસોસિએશનના ચૅરમૅન રમેશ પ્રભુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં એક લાખથી વધુ રજિસ્ટર્ડ કો-ઑ. હાઉસિંગ સોસાયટી છે જેમાંથી અનેક સોસાયટી ગવર્નમેન્ટના ક્લેરિફિકેશન માટે રાહ જોઈ રહી છે, પરંતુ સરકાર દ્વારા કોઈ યોગ્ય પ્રતિસાદ નથી મળી રહ્યો. સોસાયટીવાળા KDMC દ્વારા રજૂ કરાયેલા બ્રૉશર અથવા તો પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના SOPને ફૉલો કરીને સોસાયટીના મેમ્બર્સ સાથે ચર્ચા કરીને હાઉસમેડ કે સર્વિસ-પ્રોવાઇડરને સોસાયટીની અંદર આવવા પરમિશન આપી શકે છે અને જે સોસાયટીને હાઉસમેડ કે અન્ય સર્વિસ-પ્રોવાઇડરને અંદર આવવા દેવાં ન હોય તો એ સોસાયટી જ્યાં સુધી ગવર્નમેન્ટનો કોઈ આદેશ આવે ન આવે ત્યાં સુધી રાહ જોઈ શકે છે. અમે પણ ગવર્નમેન્ટને લખીશું કે લોકોને ગાઇડલાઇન જોઈએ છે તો તમે વહેલી તકે એ આપો.’

સોસાયટીના સેક્રેટરીઓનું શું કહેવું છે?

વિલે પાર્લે-વેસ્ટમાં આવેલી માતૃછાયા કો-ઑ. હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી કેતન ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૌથી પહેલાં તો એ જોવું જોઈએ કે હાઉસમેડ કયા ઝોનમાંથી આવી રહી છે. જો તે કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી આવતી હોય તો તેને સોસાયટીની અંદર આવવા દેવી જોઈએ નહીં. હાઉસમેડની ફિઝિકલ ફિટનેસ પણ જોવી જોઈએ. હાઉસમેડ ઘરની અંદર આવતાં જ સૌથી પહેલાં તેના હાથ-પગ ચોખ્ખા કરવા કહેવું અને તેને હૅન્ડ-ગ્લવ્ઝ અને માસ્ક પહેરવા આપવાં. અત્યાર સુધી તો અમે હાઉસમેડને સોસાયટીની અંદર આવવા માટે પરમિશન આપી નથી, પરંતુ બે-ચાર દિવસમાં અમે સોસાયટીના મેમ્બર્સને બોલાવીને ચર્ચા કરીશું અને જે બહુમતી હશે એ નિર્ણય લઈશું. જો હાઉસમેડ સોસાયટીની અંદર આવશે અને કોઈને કોરોના થશે તો એની જવાબદારી ચૅરમૅન કે સેક્રેટરીની નહીં, પરંતુ જે-તે ઘરના ઓનરની રહેશે.’

અંધેરી-ઈસ્ટમાં આવેલી વસંતવિહાર કો-ઑ. હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી ચંદ્રકાન્ત ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાઉસમેડને ૧૫ જૂનથી સોસાયટીની અંદર આવવાની પરમિશન આપીશું, કેમ કે ૮ જૂનથી વર્કરોને તો કામ કરવાની છૂટ મળી જ છે તો પછી હાઉસમેડ પણ એક પ્રકારે તો વર્કર જ છે. હાઉસમેડ માટે પણ સરકારે ગાઇડલાઇન આપવી જોઈએ જેથી તેઓને પણ રોજીરોટી મળી રહે.’

મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ સિંહ ચહલ શું કહે છે?

મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ સિંહ ચહલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે સોસાયટી કોરોનાને કારણે સીલ નથી કરાઈ અને જ્યાં કોરોનાના કેસ નથી એ સોસાયટીવાળા હાઉસમેડને અલાઉ કરી શકે છે અને સોસાયટીવાળા વધારે સાવધાની રાખવા માટે જો હાઉસમેડ કે અન્ય સર્વિસ-પ્રોવાઇડરને સોસાયટીની અંદર આવવા માટે મનાઈ કરે તો પણ ઠીક છે. જોકે અમે અનલૉક માટેની ગાઇડલાઇન બહાર પાડી જ છે. લોકો એને ફૉલો કરી શકે છે.’  

હાઉસમેડ, કુક અને બાળકોની સંભાળ લેનારાઓ માટે KDMC દ્વારા રજૂ કરાયેલી ગાઇડલાઇન આ રહી...

૧. ઘરની અંદર આવતાં જ સૌથી પહેલાં તેણે હાથ-પગ ચોખ્ખા કરવા.

૨. પર્સ કે બૅગ્સ રાખવા માટે એક જગ્યા ફિક્સ રાખવી.

૩. માસ્ક પહેરી રાખવો.

૪. રસોઈ કરનારી બાઈએ એપ્રન અને માથે ટોપી પહેરવી તેમ જ સ્વચ્છતા જાળવવી.

૫. કૅરટેકર કે બાળકોને સંભાળનારી બાઈએ ઘરમાં રહેતાં ચોખ્ખાઈની વિશેષ કાળજી લેવી.

૬. હાઉસમેડ ચારથી પાંચ ઘરનાં કામ કરતા હોવાથી તેઓને જો કોરોનાનાં લક્ષણ દેખાઈ આવે તો તેમને ૧૪ દિવસન રજા આપી દેવી. સારવાર થઈ ગયા બાદ પાછા આવવા દેવા. જો કોઈ કોરોના-દરદીના સંપર્કમાં આવ્યું હોય તો તેમને ૭ દિવસની રજા આપવી.

૭. પ્લમ્બર, ઇલેક્ટ્રિશ્યન, મેકૅનિક વગેરેએ કામ કરતાં માસ્ક પહેરવો, હાથ સ્વચ્છ ધોવા તેમ જ ઘરની વસ્તુઓને હાથ લગાવવા દેવો નહીં. તેઓને કામ કરવાના રૂપિયા શક્ય હોય તો ઑનલાઇન પેમેન્ટ કરવું.

coronavirus covid19 lockdown mumbai mumbai news urvi shah-mestry