શિવસેનાના વરિષ્ઠ નેતાએ વધારી દીધી મહાવિકાસ આઘાડી સરકારની તિરાડ?

22 September, 2021 08:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક પછી એક વાદવિવાદ બાદ ગઈ કાલે તો શિવસેનાના વરિષ્ઠ નેતા અનંત ગીતેએ શિવસૈનિકોને ત્યાં સુધી કહી દીધું કે આપણા નેતા શરદ પવાર નહીં પણ બાળાસાહેબ ઠાકરે છે

શિવસેનાના વરિષ્ઠ નેતાએ વધારી દીધી મહાવિકાસ આઘાડી સરકારની તિરાડ?

બીજેપીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાની કરાડમાં અટક કરવાની ઘટનામાં શિવસેનાએ પોતાની કોઈ ભૂમિકા ન હોવાનું કહીને દોષનો ટોપલો એનસીપી પર ઢોળ્યો છે. આથી મહાવિકાસ આઘાડી સરકારના આ બન્ને મુખ્ય પક્ષો વચ્ચે થોડી મુશ્કેલી ઊભી થઈ હોવાનું કહેવાય છે. આવી સ્થિતિ વચ્ચે ગઈ કાલે શિવસેનાના વરિષ્ઠ નેતા અને અનેક વખત લોકસભાના સંસદસભ્ય રહી ચૂકેલા અનંત ગીતેએ બળતામાં ઘી હોમતાં નિવેદન આપ્યું હતું કે કૉન્ગ્રેસની પીઠમાં ખંજર ભોંકીને એનસીપીની સ્થાપના કરનારા શરદ પવાર નહીં, પણ અમારા નેતા બાળાસાહેબ ઠાકરે છે.
અનંત ગીતેએ ગઈ કાલે શ્રીવર્ધન તાલુકામાં સરપંચ અને ઉપસરપંચના પક્ષપ્રવેશના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સમયે તેમણે કાર્યકરોને સંબોધીને કૉન્ગ્રેસ અને એનસીપી વિશે નિવેદન આપતાં કહ્યું હતું કે ‘હું શિવસેનાના નેતા તરીકે બોલી રહ્યો છું. શિવસેના શું છે માત્ર તે જ કહીશ. રાજ્યમાં આપણી સરકાર છે. મુખ્ય પ્રધાન આપણા પક્ષના છે એટલે આપણી સરકાર હોવાનું કહું છું. જોકે કૉન્ગ્રેસ અને એનસીપી આપણા નથી. આઘાડીની સરકાર છે. સત્તા આઘાડીના નેતા સંભાળશે. તમારી-મારી જવાબદારી ગામ સંભાળવાની છે. આપણું ગામ સંભાળતી વખતે આઘાડીનો વિચાર કરવો નહીં. આપણે માત્ર શિવસેનાનો વિચાર કરવો જોઈએ. બન્ને કૉન્ગ્રેસ એક સમયે એકબીજાનું મોં નહોતા જોતા. તેમના વિચાર પણ મળતા નહોતા. બન્ને કૉન્ગ્રેસ ક્યારેય એક વિચારની થઈ પણ ન શકે, કારણ કે એનસીપીનો જન્મ જ કૉન્ગ્રેસની પીઠમાં ખંજર ભોંકીને થયો છે. આથી બન્ને કૉન્ગ્રેસ ક્યારેય સાથે ન આવી શકે. આથી શરદ પવાર નહીં, પણ આપણા નેતા બાળાસાહેબ ઠાકરે છે.’
સંજય રાઉત્ત વારંવાર શરદ પવારના વખાણ કરતા હોય છે અને તેમના હાથમાં દેશનું સુકાન સોંપવું જોઈએ એવા સ્ટેટમેન્ટ આપતા હોવાથી ગઈ કાલે અનંત ગીતેએ કહેલા વાક્યનું મહત્વ વધી જાય છે. જોકે, નવાઈની વાત એ છે કે તેમણે ઉદ્ધવ ઠાકરેને બદલે બાળાસાહેબ ઠાકરેને પોતાના નેતા ગણાવ્યા હતા.
અનંત ગીતેએ બરાબર કહ્યું : નાના પટોલે
કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ અનંત ગીતેના નિવેદન વિશે ગઈ કાલે કહ્યું હતું કે ‘ખંજર ભોંકવાના નિવેદન બાબતે અમે કંઈ કહીશું નહીં, પરંતુ અમે (કૉન્ગ્રેસ અને એનસીપી) એક સમયે સાથે હતા તેમની એ વાત બરાબર છે. શિવસેના-કૉન્ગ્રેસની ક્યારેય યુતિ થઈ ન શકે એવું કહેવાતું હતું. મહાવિકાસ આઘાડી એ સમયની રાજકીય પરિસ્થિતિ મુજબ તૈયાર થઈ. આથી અનંત ગીતેના નિવેદનનું અમે સમર્થન કરીએ છીએ. તેમણે કંઈ ખોટું નથી કહ્યું.’
રિસૉર્ટ અને કિરીટ સોમૈયાનો દાવો
કિરીટ સોમૈયાએ દાવો કર્યો છે કે પરિવહનપ્રધાન અનિલ પરબે દાપોલીના સમુદ્રકિનારે બે ગેરકાયદે રિસૉર્ટ બાંધ્યા છે. એની તપાસ થઈ છે અને એના પર કાર્યવાહીનો નિર્ણય પણ થઈ ચૂક્યો છે. સાઈ રિસૉર્ટ ઍનેક્સ અને સી-કોન્ચ રિસૉર્ટ પોતાની માલિકીના હોવાનું અનિલ પરબ નકારી રહ્યા છે. આ બન્ને રિસૉર્ટ સીઆરઝેડનો ભંગ કરીને બાંધવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય ટીમે કહ્યું છે, પરંતુ રાજ્ય સરકારે માત્ર સાઈ રિસૉર્ટ તોડવાનો આદેશ આપ્યો છે. બીજા રિસૉર્ટને બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનો આરોપ કિરીટ સોમૈયાએ કર્યો છે.
અનિલ પરબે કર્યો ૧૦૦ કરોડનો માનહાનિનો કેસ
બીજેપીના નેતા કિરીટ સોમૈયા સામે રાજ્યના પરિવહનપ્રધાન અનિલ પરબે ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટમાં ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પોતાના પરના ભ્રષ્ટાચારના આરોપથી બદનામી થઈ હોવાથી દાખલ કરેલી અરજીમાં અનિલ પરબે કિરીટ સોમૈયાને બિનશરતી માફીની માગણી કરી છે. કિરીટ સોમૈયાએ અનિલ પરબે દાપોલીમાં ગેરકાયદે રિસૉર્ટ બાંધ્યો હોવાનો આરોપ કરવાની સામે પોતાને કોઈ લેવાદેવા ન હોવાનું તેમણે પોતાની અરજીમાં કહ્યું છે.

ફરી મુખ્ય પ્રધાન અને રાજ્યપાલ સામસામે

સાકીનાકામાં મહિલા પર કરાયેલા બળાત્કારથી રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. ગણેશોત્સવમાં જ બનેલી આવી ઘટનાથી ચિંતા વ્યક્ત કરીને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને રાજ્યમાં મહિલાઓની સુરક્ષા બાબતે ચર્ચા કરવા માટે બે દિવસનું સ્પેશ્યલ અધિવેશન બોલાવવાનો નિર્દેશ કર્યો છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને પત્ર દ્વારા જ આપેલા જવાબમાં લખ્યું હતું કે ‘મહિલા પરના અત્યાચારની ઘટના સાકીનાકા પૂરતી મર્યાદિત નથી, રાષ્ટ્રવ્યાપી છે. આથી આખા દેશની મહિલાઓ આપણી સામે મોટી આશાથી જોઈ રહી છે. આથી દેશના મહિલા અત્યાચારની ચર્ચા કરવા માટે સંસદે ચાર દિવસનું વિશેષ સત્ર બોલાવવાની માગણી તમારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને કરવી જોઈએ. સંસદના આ સત્રમાં જ સાકીનાકાની ઘટના પણ આવી જશે.’

Mumbai mumbai news shiv sena