સયાજીનગરી ટ્રેનમાં આવી રહેલાં સિનિયર સિટિઝનની સૂતાં હતાં ત્યારે ચોરાઈ ચેઇન

30 November, 2022 11:08 AM IST  |  Mumbai | Mehul Jethva

કચ્છમાં માતાજીનો પ્રસંગ પતાવીને ઘાટકોપર પાછાં ફરી રહેલાં ૭૦ વર્ષનાં તારાબહેન સાવલાની બે તોલાની ચેઇન અમદાવાદ નજીક ખેંચાઈ

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપરમાં રહેતાં ૭૦ વર્ષનાં સિનિયર સિટિઝન મહિલા માતાજીના પ્રસંગ નિમિત્તે કચ્છ ગયાં હતાં. ત્યાં પ્રોગ્રામ પૂરો થયા બાદ ઘરે પાછા ફરતી વખતે તેઓ સૂતાં હતાં ત્યારે અમદાવાદ સ્ટેશન નજીક ચાલુ ટ્રેને એક માણસ બારીમાંથી અંદર હાથ નાખીને તેમની બે તોલાની ચેઇન ચોરીને નાસી ગયો હતો. એકાએક થયેલી આ ઘટનાથી ડરી ગયેલાં એ મહિલાએ બૂમ પાડી લોકોને જગાડ્યા હતા. આ ઘટનાની ફરિયાદ નોંધીને અમદાવાદ રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘાટકોપર-ઈસ્ટની વલ્લભબાગ લેનમાં આવેલી એક સોસાયટીમાં રહેતાં ૭૦ વર્ષનાં તારાબહેન વિનોદ સાવલાએ કરેલી ફરિયાદ અનુસાર નવેમ્બરના બીજા અઠવાડિયામાં તેઓ કચ્છમાં માતાજીના પ્રસંગ નિમિત્તે ગયાં હતાં. આઠ દિવસ ત્યાં રોકાયા પછી મોટાં નણંદ સાથે તેઓ સયાજીનગરી એક્સપ્રેસના એસ-વન ડબામાં મુંબઈ આવવા માટે પ્રવાસ કરી રહ્યાં હતાં ત્યારે રાતે સાડાચાર વાગ્યા દરમ્યાન અમદાવાદના કાલુપુર યાર્ડ પાસે ટ્રેન ધીમી થતાં એકાએક એક યુવાને બારીમાંથી અંદર હાથ નાખી તારાબહેનની ચેઇન ખેંચીને ત્યાંથી નાસી ગયો હતો. એકાએક થયેલી આ ઘટનાથી ગભરાઈ ગયેલાં તારાબહેને મદદ માટે બૂમાબૂમ કરી હતી. જોકે ચોર એ પહેલાં ત્યાંથી નાસી ગયો હતો. તેમણે રેલવે પોલીસને આ ઘટનાની જાણ કરતાં પોલીસે તેમનું સ્ટેટમેન્ટ લઈને ૨૮ નવેમ્બરે ફરિયાદ નોંધી હતી.

તારાબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એકાએક થયેલી ઝપાઝપીમાં હું એકદમ ગભરાઈ ગઈ હતી. એ પછી પણ મેં બૂમાબૂમ કરી નાગરિકોની મદદ લઈને ચોરને પકડવાની કોશિશ કરી હતી. જોકે લોકો ઊઠે એ પહેલાં ચોર ત્યાંથી નાસી ગયો હતો. મેં મારી ફરિયાદ પોલીસ પાસે નોંધાવી હતી, પણ અત્યાર સુધી તેમણે મારી ચેઇન શોધી નથી.’

અમદાવાદ રેલવે પોલીસનો આ બાબતે સંપર્ક કરતાં ફરિયાદ નોંધનાર મહિલા પોલીસ-કૉન્સ્ટેબલ ગીતા ખરાડીએ તપાસ ચાલી રહી હોવાનું કહ્યું હતું.

mumbai mumbai news Crime News mumbai crime news kutch ghatkopar indian railways mehul jethva