દેરાસર ગયેલાં કમળાબહેન શાહની બૉડી ગટરમાંથી મળી

08 November, 2022 08:45 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

વિરારના જૈન વયોવૃદ્ધ ગુમ નહોતાં થયાં, ગટરમાં પડી જતાં મૃત્યુ પામ્યાં હતાં

કમળાબહેન ગુલાબચંદ શાહ

વિરાર-વેસ્ટમાં એમબી એસ્ટેટમાં રહેતાં ૬૮ વર્ષનાં જૈન સિનિયર સિટિઝન કમળાબહેન ગુલાબચંદ શાહ ગઈ કાલે ઘર નજીક આવેલા જૈન દેરાસરમાં વિવિધ કાર્યક્રમ હોવાથી સવારે ૫.૩૦ વાગ્યે ઘરેથી નીકળ્યાં હતાં. તેઓ દેરાસરમાં મહારાજસાહેબનું પ્રવચન હોવાથી એમાં હાજર રહ્યાં અને ૬.૩૦ વાગ્યે ત્યાંથી નીકળી ગયાં હતાં. તેઓ ઘરે પાછાં ન આવતાં પરિવારજનો તેમને શોધવા નીકળ્યા હતા. સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને તેઓ ગુમ થયાં હોવાના મેસેજ પણ કર્યા હતા. અંતે ગઈ કાલે સાંજે ૬.૩૦ વાગ્યે તેમની ડેડ-બૉડી ગટરમાંથી મળી હતી. પોલીસે કેસ નોંધીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

આ બનાવ વિશે માહિતી આપતાં કમળાબહેનના પતિ ગુલાબચંદ શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારી પત્ની દરરોજ સવારે પૂજા કરવા દેરાસર જાય છે. તેનું કમરનું ઑપરેશન કરાવ્યું હોવાથી ડૉક્ટરે આરામ કરવાનું કહેતાં તે જતી નહોતી. હાલમાં તે પાંચેક દિવસથી જઈ રહી હતી. ગઈ કાલે વિમલનાથ જૈન દેરાસરમાં કાર્યક્ર્મ હતા એથી તે સવારે ૫.૩૦ વાગ્યે ગઈ હતી. બપોરે પણ ઘરે ન આવતાં અમે તપાસ કરાવી, પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી. પોલીસમાં પણ ૨૪ કલાક પૂરા થયા બાદ જ ફરિયાદ કરી શકાય એમ હતી એથી અમે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને મેસેજ કર્યા હતા. લોકોના ફોન પર ફોન આવી રહ્યા હતા, પરંતુ કોઈ માહિતી મળી નહોતી. અંતે ઘરની પાસે એક ગટર છે ત્યાં કોઈક પડ્યું હોવાનું ત્યાંથી પસાર થનારનું ધ્યાન ગયું હતું એટલે તરત જ ત્યાં તપાસ કરીને ડેડ-બૉડીને બહાર કાઢી તો એ કમળાની હોવાનું સમજાયું હતું. પોલીસ પણ ઘટનાસ્થળે આવી અને મોડી સાંજે ડેડ-બૉડીને પોસ્ટમૉર્ટમ માટે લઈ જવાઈ હતી. અમે તો દેરાસર ગઈ એના વિચારમાં હતા, પણ અચાનક આવું બનશે એવું સપનેય વિચાર્યું નહોતું.`

શ્રી વિમલનાથ દેરાસરના ટ્રસ્ટી તરુણ વોરાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કમળાબહેન દરરોજ દેરાસરમાં દર્શને આવતાં હતાં. ગઈ કાલે તેઓ જલદી આવ્યાં અને અહીંથી ચાલ્યાં ગયાં હતાં, એ પછી ઘરે જતી વખતે તેઓ ગટરમાં પડી ગયાં હશે.`

mumbai mumbai news virar preeti khuman-thakur