16 October, 2025 08:31 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
સિનિયર સિટિઝનની આત્મહત્યાને કારણે પુણેની શિવાજીનગર ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ કોર્ટના પરિસરમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
૨૭ વર્ષ સુધી ન્યાય મેળવવા લડત લડનારા ૬૦ વર્ષના વડીલે છેવટે કોર્ટના બિલ્ડિંગમાંથી ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું હતું. ગઈ કાલે સવારે પુણે જિલ્લાની શિવાજીનગર ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ કોર્ટમાં લાંબા સમયથી કેસનો ઉકેલ આવે એની રાહ નામદેવ જાધવ જોઈ રહ્યા હતા. જોકે ગઈ કાલે અત્યંત હતાશ થઈને તેમણે કોર્ટના બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેમની પાસેથી સુસાઇડ-નોટ મળી આવી હતી. સુસાઇડ-નોટમાં નામદેવ જાધવે લાંબા સમયથી જમીન બાબતે ચાલતા કેસ-નંબરનો ઉલ્લેખ કર્યો હતો. ૧૯૯૮થી આ કેસમાં ન્યાય મેળવવાના તમામ પ્રયાસો નિરર્થક રહ્યા હોવાનું પણ તેમણે સુસાઇડ-નોટમાં જણાવ્યું હતું. શિવાજીનગર પોલીસે નામદેવ જાધવના પરિવારજનોની પૂછપરછ કરીને સુસાઇડ-નોટની ખરાઈ કરી રહી છે.