અશોક ખરાતના મુદ્દે BJPના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે શું કહ્યું?

29 March, 2026 10:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન સુધીર મુનગંટીવારે શનિવારે સ્વઘોષિત ધર્મગુરુ અશોક ખરાત માટે મૃત્યુદંડની માગણી કરી હતી

સુધીર મુનગંટીવાર

ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન સુધીર મુનગંટીવારે શનિવારે સ્વઘોષિત ધર્મગુરુ અશોક ખરાત માટે મૃત્યુદંડની માગણી કરી હતી. પત્રકારો સાથે વાત કરતાં મુનગંટીવારે કહ્યું હતું કે ‘હું કાયદાનું પાલન કરતો નાગરિક છું, પરંતુ અશોક ખરાતનાં બર્બર કૃત્યો જોયા અને સાંભળ્યા પછી એવું લાગે છે કે તેને કોઈ કાનૂની રાહત મળવી જોઈએ નહીં. કોઈ કોર્ટ નહીં, કોઈ કાર્યવાહી નહીં. આવી વ્યક્તિને જાહેરમાં સજા થવી જોઈએ અને ફાંસી આપવી જોઈએ. તેણે છત્રપતિ શિવાજી મહારાજના વારસાનું અપમાન કર્યું છે અને મહિલાઓનું અપમાન કર્યું છે. આવાં કૃત્યો મહારાષ્ટ્ર અને એનાં મૂલ્યોનું અપમાન છે.’ કડક કાર્યવાહીથી અન્ય સ્વઘોષિત ધર્મગુરુઓને સંદેશ જશે એમ જણાવીને સુધીર મુનગંટીવારે વધુમાં કહ્યું હતું કે ધર્મને બદનામ કરતી આવી ઘટનાઓ સ્કૂલોમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર, સાવિત્રીબાઈ ફુલે અને શાહુ મહારાજ સહિતના સુધારકોના ઉપદેશો છતાં બનતી રહે છે.

ભોંદુબાબા અશોક ખરાત સાથે સંબંધ હોવાના આરોપ વિશે શિવસેનાના દીપક કેસરકરે કહ્યું...- હું પણ માત્ર એક વાર એકનાથ શિંદે સાથે અશોક ખરાતના શ્રી ઈશાન્યેશ્વર મંદિરમાં ગયો હતો

સેંકડો મહિલાઓનું જાતીય શોષણ કરવા બદલ ભોંદુબાબા અશોક ખરાત સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કેસમાં ભૂતપૂર્વ પ્રધાન દીપક કેસરકરનો ખરાત સાથેનો ફોટો સામે આવ્યો હતો. ત્યાર બાદ શિવસેના (UBT) જૂથ વતી કેસરકર સામે આરોપો મૂકવામાં આવ્યા હતા. સુષ્મા અંધારેએ આરોપ લગાવ્યો હતો કે દીપક કેસરકર અશોક ખરાતના ભાગીદાર હતા. હવે દીપક કેસરકરે આ બધા આરોપો પર પ્રતિક્રિયા આપી છે. જો મને ખબર હોત કે અશોક ખરાત અઘોરી પૂજા કરી રહ્યા છે તો હું ક્યારેય તેમની પાસે ન ગયો હોત, હું સાંઈભક્ત છું એમ જણાવતાં ભૂતપૂર્વ પ્રધાન અને શિવસેનાના વિધાનસભ્ય દીપક કેસરકરે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘આ કેસમાં સંજય રાઉતના જૂથ દ્વારા મારી બદનામી કરવામાં આવી રહી છે. હું અશોક ખરાતના કોઈ પણ કાર્યમાં સામેલ નથી, મેં કોઈ મહિલાનો તેમની સાથે પરિચય કરાવ્યો નથી.’ શ્રી ઈશાન્યેશ્વર મંદિર શિર્ડીથી ૧૦ કિલોમીટર દૂર છે, હું એક વખત એકનાથ શિંદે સાથે ત્યાં ગયો હતો એમ જણાવતાં દીપક કેસરકરે કહ્યું હતું કે ‘શ્રદ્ધા એક અલગ ભાગ છે અને મેલી વિદ્યા એક અલગ ભાગ છે. મેં કોઈ પણ પ્રકારની અઘોરીવિધિમાં ભાગ લીધો નથી. અશોક ખરાતે જ્યોતિષના તેમના જ્ઞાનનો દુરુપયોગ કર્યો છે અને ઘણી સ્ત્રીઓને છેતરી છે એટલે તેમને સજા થવી જોઈએ.’

અશોક ખરાત સામે વધુ બે કેસ

સ્વયંઘોષિત ગૉડમૅન અશોક ખરાત સામે વધુ બે કેસ નોંધાયા છે. નાશિકના સરકારવાડા પોલીસ-સ્ટેશનમાં ખરાત સામે કુલ ૧૦ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યા છે. એમાં જાતીય હુમલો અથવા શારીરિક શોષણ માટે ૮ અને છેતરપિંડીના બે કેસનો સમાવેશ થાય છે. તેની સામે તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને ફોન પર ફરિયાદો મળી છે. પોલીસનું કહેવું છે કે મોટા ભાગની ફોન કરીને ફરિયાદ કરનારી મહિલાઓ છે, પણ તેઓ લેખિતમાં ફરિયાદ કરવાનું ટાળી રહી છે. પોલીસને અશોક ખરાત હવાલા રૅકેટમાં પણ સામેલ હોવાની શંકા છે. 

mumbai news mumbai ashok kharat case maharashtra news maharashtra bhartiya janta party bjp bharatiya janata party