સેટ-ટૉપ બૉક્સની ડેડલાઇન ૩૧ ડિસેમ્બર સુધી વધારવા કલેક્ટરને આવેદનપત્ર

02 November, 2012 05:13 AM IST  | 

સેટ-ટૉપ બૉક્સની ડેડલાઇન ૩૧ ડિસેમ્બર સુધી વધારવા કલેક્ટરને આવેદનપત્ર



મુંબઈમાં ટીવી માટે સેટ-ટૉપ બૉક્સ બેસાડવાની અંતિમ મુદત ૩૧ ઑક્ટોબરના બદલે ૩૧ ડિસેમ્બર રાખવામાં આવે અને મનોરંજન ટૅક્સ ૪૫ના બદલે ૨૦ રૂપિયા લેવામાં આવે એવી માગણી સાથે આજે મુંબઈભરના કેબલ ઑપરેટરો બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી કલેક્ટરની ઑફિસ પર સવારે ૧૧ વાગ્યે મોરચો લઈ જશે અને તેમને એક આવેદનપત્ર આપશે. બૉમ્બે હાઈ ર્કોટે ૩૧ ઑક્ટોબર સુધીની મુદત વધારવાનો બુધવારે ઇનકાર કરી દેતાં મુંબઈના તમામ કેબલ ઑપરેટરોએ ગઈ કાલે બાંદરાના રંગશારદા ઑડિટોરિયમમાં એક બેઠકનું આયોજન કયુંર્ હતું, જેમાં ૧૦૦૦ જેટલા કેબલ ઑપરેટરોએ હાજરી આપી હતી.

સેટ-ટૉપ બૉક્સ બેસાડવાની મુદત લંબાવી આપવાના બૉમ્બે હાઈ ર્કોટના ઇનકાર પછી સેટ-ટૉપ બૉક્સ લાગ્યાં નથી એવા હજારો મુંબઈગરાઓનાં ટીવી ગઈ કાલથી બ્લૅકઆઉટ થઈ ગયાં છે. કેબલ ઑપરેટર્સ ઍન્ડ ડિસ્ટ્રિબ્યુટર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ અનિલ પરબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસેથી પ્રતિ કેબલ-કનેક્શન ૪૫ રૂપિયા મનોરંજન ટૅક્સ લેવામાં આવે છે જે ગુજરાતમાં માત્ર ૧૫ રૂપિયા છે. અમે માગણી કરીએ છીએ કે આ ટૅક્સ હવે ૨૦ રૂપિયા લેવામાં આવે. અગાઉ સરકાર એવું માનતી હતી કે કેબલ ઑપરેટરો ગ્રાહકોની વિગત ખોટી આપે છે અને એથી અમારી પાસે વધુ ટૅક્સ લેવામાં આવતો હતો, પણ હવે સેટ-ટૉપ બૉક્સ બેસાડવામાં આવતાં કેબલ-ગ્રાહકોની સંખ્યાની જાણ સરકારને થઈ જ જવાની છે; એથી આ ટૅક્સ ઓછો થાય એવી અમારી માગણી છે.’