મુંબઈમાં શિવસેનાના નેતાની નિર્મમ હત્યા

22 October, 2014 06:04 AM IST  | 

મુંબઈમાં શિવસેનાના નેતાની નિર્મમ હત્યા





રણજિત જાધવ અને શિરીષ વક્તાણિયા

મંગળવારે રાત્રે શિવસેનાના નેતા રમેશ જાધવનું પોતાના ઘરમાં જ મર્ડર થયાના પગલે મલાડ (ઈસ્ટ)માં દિવાળીના તહેવારોમાં ભારેલો અગ્નિ છે અને બુધવારે દિવસભર તનાવગ્રસ્ત શાંતિ છવાયેલી હતી. આખરે આ મર્ડર કેમ થયું? રમેશ જાધવના પાડોશમાં રહેતી એક મહિલા પર હુમલો થતાં આ શિવસૈનિક વચ્ચે પડતાં આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો.

આ મર્ડર-કેસમાં પોલીસે ગઈ કાલે એક જ પરિવારના ૧૭ વર્ષના એક ટીનેજર સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓનાં નામ ૪૫ વર્ષના ગુલ્લુ અલી મોહમ્મદ સાજિદા, પચીસ વર્ષના યુસુફ સાજિદા, પચીસ વર્ષના સોહેલ અન્સારી, ઇમરાન કાઝી અને ૧૭ વર્ષનો એક ટીનેજર છે. ૧૭ વર્ષના ટીનેજરે જુલાઈ મહિનામાં તેના એક ક્લાસમેટને માર માર્યો હતો અને સિનિયર સ્ટુડન્ટે તેને અટકાવ્યો તો તેણે તેના પર બ્લેડથી હુમલો કર્યો હતો.

મંગળવારે રાત્રે આ મર્ડરની વાતો ફેલાતાં મલાડ (ઇસ્ટ)માં કોમી તનાવ ફેલાયો હતો અને બન્ને જૂથો વચ્ચે ચકમક ઝરી હતી. કેટલાક અજાણ્યા લોકોએ આરોપીઓના ઘરમાં પણ તોડફોડ કરી હતી.

મંગળવારે રાત્રે શું બન્યું?

મલાડ (ઈસ્ટ)ના ટિપ્કો પ્લાઝા નજીકની ખોતડોંગરીની ચાલમાં આ ઘટના બની હતી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ રમેશ જાધવના એક પાડોશી પર હુમલો કર્યા બાદ આ મર્ડર થયું હતું. રમેશ જાધવના પાડોશમાં રહેતી દયા ત્રિવેદી પર આરોપીઓએ અટૅક કર્યો હતો. દયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સાંજે લગભગ સવાપાંચેક વાગ્યે દિવાળી નજીકમાં હોવાથી મારા પુત્ર પોતાની બાઇક ધોઈ રહ્યો હતો ને વૉશ આપ્યો હતો ત્યારે હુમલાખોર પરિવારની એક વ્યક્તિએ તેને પૂછ્યું હતું કે તું અમારી સામે ગુસ્સાથી શા માટે જોઈ રહ્યો છે? અચાનક આવી વાતથી ડરીને મારા પુત્રને મેં ધક્કો મારીને ઘરમાં ધકેલીને દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. અચાનક સોહેલ અને તેના પરિવારના સભ્યોએ ધારદાર હથિયારોથી મારા પર હુમલો કર્યો હતો. મારી જાતને બચાવવા મેં હાથ ઊંચો કર્યો હતો એનાથી મારા હાથ અને હથેળીમાં કાપા પડ્યા હતા.’

મહિલા પર હુમલો થતો જોઈને રમેશ જાધવ તેમની સામે આવ્યા અને એ ફૅમિલીને દિવાળીના આગલા દિવસોમાં ઝઘડો નહીં કરવાનો અનુરોધ કર્યો હતો. એ પછી સામસામી ઘણી દલીલો થઈ અને દયાબહેન ઘરમાં ગયાં હતાં. એ પછી પેલા આખા પરિવારે બળજબરીથી રમેશ જાધવના ઘરમાં ઘૂસીને તેમને ધારદાર શસ્ત્રોથી માર્યા હતા અને એ પછી તે બધા નાસી ગયા હતા. દયા ત્રિવેદીએ કહ્યું હતું કે તેમણે મારા ઘરમાં પણ ઘૂસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મેં મારા ઘરનું બારણું બંધ કરી દીધું હતું.

દયાબહેને વધુમાં કહ્યું હતું કે આ પરિવાર અમારા વિસ્તારમાં લોકોને ધમકીઓ આપતો હતો. દયાબહેનની વાતને આગળ વધારતાં અન્ય એક સ્થાનિક નાગરિકે જણાવ્યું હતું કે ‘એ બાબતની ઘણી ફરિયાદો દિંડોશી પોલીસમાં કરવામાં આવી છે, પરંતુ પોલીસે કોઈ ફરિયાદને ગંભીરતાથી નહોતી લીધી. એથી આ કરુણતા અમારે જોવી પડી.’

આરોપી કુટુંબ વિશે પોલીસે જણાવ્યું હતું કે ‘આ ફૅમિલી ઇન્ડોર ગેમ્સ ક્લબ્સ અને પાર્લર્સ ચલાવવા ઉપરાંત તેમના બધાનાં ક્રિમિનલ બૅકગ્રાઉન્ડ છે.

રમેશ જાધવ એ વિસ્તારમાં શિવસેનાના ગટપ્રમુખ હતા. તેમના પરિવારમાં પત્ની, બે વર્ષની દીકરી અને માતાનો સમાવેશ છે. તેમની પત્ની તીવ્ર આઘાતની સ્થિતિમાં હોવાથી કોઈની સાથે વાત નથી કરી શકતી. આ ફૅમિલી એ ચાલીમાં છેલ્લાં ૭૦ વર્ષોથી રહે છે. એ ચાલીનું નામ બબન જાધવ ચાલ છે.

મલાડમાં તંગદિલી

હત્યાના સમાચાર ફેલાતાં જ શિવસૈનિકો હત્યાના વિરોધમાં ઊમટી પડ્યા હતા. મંગળવારે રાત્રે લગભગ ૫૦૦ શિવસૈનિકો દિંડોશી પોલીસ-સ્ટેશન સામે ભેગા થયા હતા. ગુસ્સે ભરાયેલા પ્રદર્શકોએ આજુબાજુની કાર અને ટ્રકોની વિન્ડોનો ભુક્કો બોલાવી દીધો હતો અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે જૅમ કરવાનો પ્રયાસ કયોર્ હતો, પરંતુ પોલીસ  સમયસર ત્યાં પહોંચી જતાં મામલો થાળે પડ્યો હતો.

પોલીસ-કમિશનર રાકેશ મારિયાએ દિંડોશીની મુલાકાત લઈને ઘટનામાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવાનું વચન આપ્યા બાદ અને પરિસ્થિતિ કાબૂમાં આવતાં તેઓ વહેલી સવારે છ વાગ્યે પાછા શહેરમાં જઈ શક્યા હતા.

ગઈ કાલે આ વિસ્તારની દુકાનો બંધ રહી હતી અને રાજકીય નેતાઓ, વિધાનસભ્યો સહિત સેંકડો લોકોએ રમેશ જાધવની અંતિમક્રિયામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે પોલીસનો ભારે બંદોબસ્ત હતો. સ્ટેશન નજીકની કેટલીક દુકાનો ખૂલી હતી, પરંતુ ખોતડોંગરી વિસ્તારની તમામ દુકાનો બંધ રહી હતી.

રમેશ જાધવને શ્રદ્ધાંજલિ આપવા સ્થાનિક રહેવાસીઓએ દિવાળી ન ઊજવવાનો નિર્ણય લીધો છે. તેમણે ડેકોરેશનની લાઇટો અને કંડીલ ઉતારી લીધાં છે. વિસ્તારમાં હત્યાનો વિરોધ કરતાં પોસ્ટરો ઠેર-ઠેર નજરે પડે છે.

તમામ પાંચે આરોપીઓની મીરા રોડથી ધરપકડ કરવામાં આવી હતી. દિંડોશીપોલીસે જણાવ્યું હતું કે ‘તમામ પાંચેય આરોપીઓ પર હુમલા અને અકસ્માતોના ગુનાઓ નોંધાયેલા છે. ગઈ કાલે આરોપીઓને બાંદરાની હૉલિડે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને ૨૬ ઑક્ટોબર સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.’

પાંચની ધરપકડ

મંગળવારે રાતે મલાડમાં શિવસેનાના સ્થાનિક નેતા રમેશ જાધવના મર્ડર-કેસમાં ૧૭ વર્ષના ટીનેજર સહિત પાંચ જણની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. મંગળવારે રાતે એક મહિલા સહિતના જૂથ પર અન્ય જૂથને હુમલો કરતાં રોકવા વચ્ચે પડનારા રમેશ જાધવ પર હુમલાખોરોએ ધારદાર શસ્ત્રો વડે પ્રહારો કરતાં તેમનું મૃત્યુ થયું હતું. આરોપીઓએ મહિલાને મારઝૂડ કરતાં બન્ને જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. જાધવે એ હુમલો રોકવા માટે વચ્ચે પડતાં તેમના પર ધારદાર હથિયારોના પ્રહારો કરવામાં આવ્યા હતા.

દિંડોશી પોલીસે કહ્યું હતું કે ‘રમેશ જાધવ ખોતડોંગરી વિસ્તારમાં ઇમિટેશન જ્વેલરીનો બિઝનેસ કરતા હતા. હુમલો કરીને તેઓ નાસી ગયા પછી ઘાયલ રમેશ જાધવને સુધરાઈની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ મૃત્યુ પામ્યા હતા.’

આ ઘટનામાં પકડાયેલી વ્યક્તિઓ વિશે મુંબઈ પોલીસના નૉર્થ રીજનના ઍડિશનલ કમિશનર કિશોર જાધવે કહ્યું હતું કે ‘૧૭ વર્ષના ટીનેજર સહિત તમામ આરોપીઓ એ જ વિસ્તારના રહેવાસી છે. તેઓ જ્યાં છુપાયા હતા એ ઠેકાણેથી તેમને શોધીને તેમની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના બાબતે ઍડિશનલ કમિશનર કિશોર જાધવે કહ્યું હતું કે ‘આ મર્ડર થયા પછી શહેરના પોલીસ-કમિશનર રાકેશ મારિયાએ ઘટનાસ્થળની મુલાકાત લઈને જાતે તપાસ-કાર્યવાહીની સમીક્ષા કરી હતી. ઘટના બન્યા પછી કેટલીક પોલીસ-ટીમો રચવામાં આવી હતી. મુંબઈ અને થાણેનાં જુદાં-જુદાં ઠેકાણેથી તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. પૂછપરછ અને વધુ તપાસ ચાલી રહી છે.’

એક આરોપી સગીર વયનો

રમેશ જાધવની હત્યામાં ધરપકડ થયેલા લોકોમાં એક આરોપી સગીર વયનો છે. તે મલાડની ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ભણે છે. આ ટીનજરે જુલાઈ મહિનામાં તેના સિનિયર સ્ટુડન્ટ પર બ્લેડથી હુમલો કયોર્ હતો. જ્યારે સિનિયર સ્ટુડન્ટે તેને ક્લાસના એક અન્ય વિદ્યાર્થીને મારતાં રોક્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ કિશોર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સ્કૂલની નજીકના રહેવાસીઓએ ફરિયાદ કરી હતી કે આ ટીનેજર નિયમિતપણે યુવતીઓની છેડતી કરતો હતો.