પસંદગી કરી લો તમારા વીક-એન્ડ હોમની

01 September, 2012 10:15 AM IST  | 

પસંદગી કરી લો તમારા વીક-એન્ડ હોમની

 

 

લોનાવલા

લોનાવલાની ગણતરી મુંબઈગરાના ફેવરિટ ફરવાના સ્થળ તરીકે થાય છે. અહીંની લીલોતરી તેમ જ પિશ્ચમ ઘાટની સુંદરતા, પાણીનાં ઝરણાં તેમ જ નૈસર્ગિક વાતાવરણ લોકોને પોતાની તરફ આકર્ષે છે જેને કારણે અનેક ભારતીય તેમ જ વિદેશી રોકાણકારોએ અહીં વીક-એન્ડ હોેમમાં રોકાણ કર્યું છે. અહીં રોકાણ કરવા માટે દરેક પ્રકારના બજેટમાં બંગલા તેમ જ વિલાના વિકલ્પ ઉપલબ્ધ છે.

કર્જત

હાલમાં એમએમઆરડીએએ પોતાના પ્લાનમાં કર્જતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીની સુવિધામાં વધારો કરવાનું બીડું ઝડપ્યું છે. વળી કર્જતને ગ્રીન રેસિડેન્શિયલ ઝોન જાહેર કરવામાં આવ્યો હોવાને કારણે આ વિસ્તાર હાલમાં સંપૂર્ણપણે પ્રદૂષણમુક્ત છે. કર્જત માથેરાનથી સાવ નજી, મુંબઈથી માત્ર ૮૬ કિલોમીટરના અંતરે તેમ જ પુણેથી ૧૧૦ કિલોમીટરના અંતરે આવેલું હોવાને કારણે પણ વીક-એન્ડ હોમના સારા વિકલ્પ તરીકે લોકપ્રિય છે. હાલમાં કર્જતને સાંકળતા માથેરાનની પહાડીઓથી નેરલ વાયા ભીમશંકર પહાડથી ચાકન સુધીના નવા નૅશનલ હાઇવેના બાંધકામનું કામ ચાલી રહ્યું છે. આ સિવાય કર્જતથી મુરબાડ વાયા કશેલેને પહોળો કરીને ચાર લેન હાઇવે બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે.

પરિવહનની દૃષ્ટિએ જોઈએ તો પ્રસ્તાવિત શિવરીથી ન્હાવા શિવા વચ્ચેની પ્રસ્તાવિત ટ્રાન્સ-હાર્બર લિન્કને કારણે કર્જત સુધી પહોંચવાના અંતરમાં વીસ કિલોમીટરનો ઘટાડો થઈ શકશે. આ સિવાય મુંબઈ-પુણે એક્સપ્રેસ-વેને વાયા પામ બીચથી સાયન સુધી લંબાવવાના પ્રસ્તાવિત આયોજનને કારણે પણ કર્જત જવા માટેના પ્રવાસના સમયને ઘટાડી શકાશે.

મુરબાડ

વીક-એન્ડ હોમ માટેના વિકલ્પોમાં છેલ્લા કેટલાક સમયથી મુરબાડ બહુ લોકપ્રિય બની રહ્યું છે. થાણેથી પચાસ કિલોમીટર દૂર આવેલું મુરબાડ આમ તો ખેતી પર નભતો વિસ્તાર છે. આ વિસ્તાર પુણે-તળેગાંવ રોડ તથા કર્જત સાથે સારી રીતે જોડાયેલો છે. અહીં તમને ફાર્મહાઉસના પ્લૉટ તેમ જ બંગલો ખરીદવાના વિકલ્પ મળે છે. મુરબાડની પ્રૉપર્ટી માર્કેટ વિશે વાત કરતાં મધુસૂદન ગ્રુપના મૅનેજિંગ ડિરેક્ટર આદિત્ય જજોડિયા કહે છે, ‘મુરબાડ-કર્જત હાઇવે પર મધુસૂદન હેરિટેજ અને મધુસૂદન વૅલી એમ અમારા બે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. અહીંનો સૌથી મોટો ફાયદો મુરબાડ-કર્જત સ્ટેટ હાઇવેની સુવિધા છે અને આ હાઇવેને પહોળો કરવા માટે સરકારી મંજૂરી પણ મળી ગઈ છે.’

મુરબાડમાં ઘણા ઇન્ડસ્ટ્રિયલ અને મૅન્યુફૅક્ચરિંગ યુનિટ છે અને અહીં જમીનની કિંમત અંદાજે એક ચોરસ ફૂટના ૧૫૦ રૂપિયા છે.

ગુહાગર

ગુહાગર મુંબઈથી ચાર કલાકના અંતરે આવેલું છે, પણ અહીંથી અરબી સમુદ્રની સુંદરતાને સહેલાઈથી માણી શકાય છે. અહીં વીક-એન્ડ હોમ ભરપૂર શાંતિ અને આરામ આપે છે. ચિપલૂણની અત્યંત નજીક આવેલા આ વિસ્તારની ગ્રામ્ય શૈલીને કારણે અહીં રહેતી વખતે કુદરતની સમીપ રહેવાનો અનોખો અનુભવ થાય છે.

જવ્હાર

મુંબઈથી ૧૨૨ કિલોમીટરના અંતરે આવેલા જવ્હારને એમટીડીસી દ્વારા હિલ-સ્ટેશન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. બીજા હિલ-સ્ટેશનની સરખામણીમાં આ વિસ્તારમાં હજી ખાસ વિકાસ નથી થયો અને એમાં જ એની સુંદરતા સમાયેલી છે. આ વિસ્તાર વિશે પોતાનો મત વ્યક્ત કરતાં ગ્રીન એકર્સ ઇન્ફ્રાબિલ્ડ પ્રાઇવેટ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર મનોહર ઐયર કહે છે, ‘જવાહરમાં અમારો પ્રોજેક્ટ ગ્રીન એકર્સ સિટી ચાલી રહ્યો છે. અમે અમારા પ્રોજેક્ટની સાથે-સાથે આ જગ્યાનો પણ પ્રચાર કરી રહ્યા છીએ. અમારા પ્રોજેક્ટને કારણે રોજગારીની વધારે તકોનું સર્જન થશે અને વર્લ્ડ ક્લાસ હેલ્થ ફૅસિલિટી તેમ જ ઉચ્ચ ગુણવત્તાના શિક્ષણની તક મળશે. આ વિસ્તારનો ખાસ વિકાસ નથી થયો અને અમે ઇચ્છીએ છીએ કે અમારા પ્રોજેક્ટને કારણે સ્થાનિક લોકોને પણ ફાયદો થશે.’