ટિકિટિંગ ઍપ અને વૅન્ડિંગ મશીનની મંજૂરીની માગણી

29 October, 2020 10:06 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ટિકિટિંગ ઍપ અને વૅન્ડિંગ મશીનની મંજૂરીની માગણી

ઘાટકોપર સ્ટેશન પર ટિકિટબારી પરની ભીડનો ફાઇલ ફોટો

તમામ મહિલાઓને લોકલ ટ્રેનમાં પ્રવાસની પરવાનગી આપ્યા બાદથી શહેરનાં વિવિધ રેલવે સ્ટેશનો પર ટિકિટબારી પર લાંબી લાઇનો જોવા મળી રહી છે. ગિરદીના સમયમાં ટિકિટબારી પરની ભીડ ઓછી કરવા પરાંના રેલવે અધિકારીઓએ ગિરદીના સમયે આ સ્ટેશનો પરના મોબાઇલ ટિકિટિંગ ઍપ અને ટિકિટ વૅન્ડિંગ મશીન શરૂ કરવાની મંજૂરી રેલવે બોર્ડ પાસેથી માગી છે. જો મંજૂરી મળશે તો ટિકિટબારી પરનો લોડ લગભગ ૩૦ ટકા જેટલો હળવો થવાની શક્યતા છે.
૧૫ શ્રેણીના મુસાફરોને પ્રવાસની છૂટ આપવા છતાં રેલવેએ ટિકિટિંગ ઍપ અને વૅન્ડિંગ મશીન્સ બંધ રાખ્યાં હોવાની બાબતની નોંધ લીધી હતી. નામ ન આપવાની શરતે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે ‘વર્તમાન પરિસ્થિતિમાં એનો ઉપયોગ કરી શકાય એવી ગણતરી કરીને અમે ઍપ્લિકેશનને ફરી શરૂ કરી નહોતી. હવે જ્યારે બધી સ્ત્રીઓને કોઈ પણ પ્રતિબંધ વિના મુસાફરી કરવાની છૂટ મળી છે, ત્યારે ઍપ્લિકેશન અને ટિકિટ વૅન્ડિંગ મશીનો ફરીથી શરૂ કરવાની તક છે.’
મધ્ય અને પશ્ચિમ રેલવેમાં ટિકિટબારી પરની ભીડ વધતાં રેલવેએ વધુ બારીઓ ખોલવા ઉપરાંત કર્મચારીઓની શિફ્ટ પણ વધારી છે. મોબાઇલ ઍપ અને ટિકિટ વૅન્ડિંગ મશીન શરૂ કરાતાં મુસાફરો ટિકિટબારી પર ભીડ કરવાને બદલે આત્મનિર્ભર બનશે.
મધ્ય રેલવેના મુખ્ય પીઆરઓ શિવાજી સુતારે ઉપરોક્ત બાબતનું સમર્થન આપ્યું હતું. રાજ્ય સરકાર સાથે મળીને રેલવે ક્યુઆર કોડ જનરેટ કરવા પર કામ કરતાં તેમની તૈયારીના ભાગરૂપે નિયમિત યુટીએસ ઍપ્લિકેશનમાં કલર-કોડેડ ક્યુઆર ઈ-પાસ એકીકૃત કરવા પર પણ કામ કરી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યા મુજબ ટિકિટ વૅન્ડિંગ મશીનોમાં મુસાફરોને સ્ક્રીનને સ્પર્શ કરવો પડતો હતો, પરંતુ એ માટે હવે સમર્પિત વૅલિડેટરોને કામે લગાવી શકાય છે.

mumbai mumbai news mumbai local train ghatkopar rajendra aklekar