એમએમઆરડીએ ગ્રાઉન્ડ પર ૨૦૦૦ પોલીસનો બંદોબસ્ત

27 December, 2011 05:15 AM IST  | 

એમએમઆરડીએ ગ્રાઉન્ડ પર ૨૦૦૦ પોલીસનો બંદોબસ્ત



આજથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી) ગ્રાઉન્ડ પર અણ્ણા હઝારે ત્રણ દિવસ અનશન પર બેસવાના છે અને તેમને સાથ આપવા હજારોની સંખ્યામાં તેમના સમર્થકો જોડાવાના છે ત્યારે એ અનશન શાંતિથી અને કોઈ દુર્ઘટના વગર પતે એ માટે પોલીસની જવાબદારી બહુ જ વધી ગઈ છે. ગ્રાઉન્ડ અને એની આજુબાજુનો વિસ્તાર પોલીસછાવણીમાં ફેરવાઈ ગયો હોય એવું વાતાવરણ ઊભું થયું છે. 

પોલીસ કોઈ પણ જાતનું રિસ્ક લેવા માગતી ન હોવાથી મોટી સંખ્યામાં પોલીસ-ર્ફોસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ૨૫,૦૦૦ લોકોની કૅપેસિટીના એ ગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડની બહાર ૨૦૦૦ પોલીસ-કૉન્સ્ટેબલ સુરક્ષા-વ્યવસ્થા માટે તહેનાત કરવામાં આવ્યા છે. ૨૦૦ સબ-ઇન્સ્પેક્ટર અને ચાર ડેપ્યુટી પોલીસ-કમિશનર સુરક્ષા-વ્યવસ્થા પર સતત દેખરેખ રાખશે. સ્ટેટ રિઝવ્ર્ડ પોલીસની છ ટુકડી અને ઍન્ટિ-ટેરર ક્વિક રિસ્પૉન્સ ટીમની ત્રણ ટુકડી પણ ગોઠવવામાં આવી છે. બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડની બે ટીમ તેમની ડૉગ-સ્ક્વૉડ સાથે સમયાંતરે ગ્રાઉન્ડમાં ચેકિંગ કરતી રહેશે. સિક્યૉરિટી માટે પોલીસ દ્વારા ઑર્ગે‍નાઇઝરને કહેવામાં આવ્યું છે કે તેઓ સીસીટીવી (ક્લોઝ્ડ-સર્કિટ ટીવી)ની વ્યવસ્થા કરે, જેનું રાઉન્ડ ધ ક્લૉક મૉનિટરિંગ કરવામાં આવશે. આ પહેલાં આઝાદ મેદાનમાં અનશન પર બેસેલા અણ્ણાના સમર્થકોને રાત્રે મેદાન પર રહેવાની પરમિશન નહોતી. તેમને ડોંગરીમાં ઉતારો આપવામાં આવ્યો હતો. આ વખતે મેદાન પર જ અણ્ણાના સમર્થકો રહેવાના હોવાથી કોઈ અપ્રિય ઘટના ન બને એ માટે પોલીસ કોઈ જ ચાન્સ લેવા નથી માગતી.

બે દિવસ પહેલાં જ અણ્ણાની કોર ટીમના અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ‘જો ૨૭, ૨૮ અને ૨૯ ડિસેમ્બર દરમ્યાન કેન્દ્ર સરકાર અણ્ણા જે રીતનું જનલોકપાલ બિલ ચાહે છે એવું મજબૂત લોકપાલ બિલ સંસદમાં રજૂ કરીને એને મંજૂરી નહીં આપવામાં આવે તો ૩૦ ડિસેમ્બરથી દેશભરમાં જેલભરો આંદોલન શરૂ કરવામાં આવશે અને જો એ વખતે અફડાતફડી મચે અને કોઈ અપ્રિય ઘટના બનશે તો એની જવાબદારી સરકારની જ રહેશે. કેન્દ્ર સરકાર નબળું લોકપાલ બિલ લાવી અમને એનો વિરોધ કરવા રોડ પર ઊતરવા મજબૂર કરી રહી છે.’