નીતિન ગડકરી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગુપ્ત મુલાકાત

06 December, 2012 06:59 AM IST  | 

નીતિન ગડકરી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગુપ્ત મુલાકાત


(રવિકિરણ દેશમુખ)

મુંબઈ, તા. ૬



ગઈ કાલે નીતિન ગડકરી શહેરમાં હાજર હતા અને ઉદ્ધવ ઠાકરે સાથેની સત્તાવાર મીટિંગ સિવાય શહેરમાં તેમનું બીજું કોઈ આયોજન ન હોવાના કારણે તેઓ ઢળતી બપોરે નાગપુર જવા રવાના થઈ ગયા હતા. આ મુદ્દે બીજેપીના એક સિનિયર નેતાએ સ્પષ્ટતા કરી હતી કે બાળ ઠાકરેના અવસાન પછી તેમની ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત જ નથી થઈ અને એ અગાઉની બે મુલાકાત એકદમ અલપઝલપ હતી.

મળતી માહિતી પ્રમાણે આ મીટિંગનો એજન્ડા એફડીઆઈના મામલામાં એનડીએના વલણ વિશે ચર્ચા કરવાનો હતો, કારણ કે બીજેપી નથી ઇચ્છતી કે એનો મહત્વનો સાથીપક્ષ યુપીએને ટેકો આપે. શિવસેનાએ રાષ્ટ્રપતિની છેલ્લી બે ચૂંટણી વખતે પોતાનો ટેકો કૉન્ગ્રેસના ઉમેદવારને આપ્યો હતો.

નાગપુરમાં ૧૦ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલું રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ સંચાલિત સરકાર માટે બરાબર કસોટીકારક પુરવાર થશે. શિવસેનાએ આના માટે અત્યારથી જ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી દીધી છે. શિવસેનાએ આ દરખાસ્તમાં જે દસ મુદ્દાઓનો નિર્દેશ કર્યો છે એમાં રાજ્યના સિંચાઈ વિભાગમાં થયેલાં કૌભાંડોના આરોપો અને શ્વેતપત્રનો સમાવેશ થાય છે. શિવસેનાએ આ મુદ્દાનો સમાવેશ કરતાં પહેલાં પોતાના સાથીપક્ષ સાથે આ વાતની ચર્ચા પણ ન કરીને બીજેપીને ભારે આર્યમાં મૂકી દીધી હતી. ત્યાર પછી બીજેપીએ પત્રકારો સાથેની અલગ મુલાકાતમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને તેમના વિશ્વાસપાત્ર વૉટર રિસોર્સ મિનિસ્ટર સુનીલ તટકરે વિરુદ્ધ કેસ કરવાની ડિમાન્ડ કરી હતી.

આમ, હવે શિવસેના પોતાના સાથીદાર બીજેપીનો મત જાણ્યા વગર જે રીતે સ્વતંત્ર નર્ણિયો લઈ રહી છે એના કારણે જાણે તેમની વચ્ચે કોઈ તાલમેલ નથી એવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે અને નીતિન ગડકરી અને ઉદ્ધવ ઠાકરેની મીટિંગમાં આ મુદ્દાની પણ ચર્ચા કરવામાં આવી હોય એવી પૂરેપૂરી શક્યતા છે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી, એનડીએ = નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ,  એફડીઆઈ = ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ,  યુપીએ  = યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ