સેકન્ડ ઇનિંગ્સ

27 December, 2020 08:39 AM IST  |  Mumbai | Diwakar Sharma, Shirish Vaktania

સેકન્ડ ઇનિંગ્સ

૧૦ વર્ષ પહેલાં પતિના અવસાન થયા બાદ એકલતા અનુભવી રહેલાં ૬૫ વર્ષનાં જ્યોત્સ્ના વોરાની ઓળખાણ ‘અનુબંધ ફાઉન્ડેશન’ના માધ્યમથી લૉકડાઉનમાં ૬૮ વર્ષના હરીશ પટેલ સાથે થયા બાદ તેઓ ફરી પ્રેમમાં પડ્યાં હતાં.

કાંદિવલીમાં રહેતાં ૬૫ વર્ષનાં જ્યોત્સ્ના વોરા છેલ્લાં લગભગ ૧૦ વર્ષથી એકલાં છે. પતિને ગુમાવ્યા પછી ફક્ત દીવાલ પર લટકાવેલી તેમની અને દૂર રહેતાં સંતાનોની તસવીર જોઈને સંતોષ માને છે. તેમની બે દીકરીઓ પરણીને સાસરે ગઈ છે અને દીકરો દુબઈ રહે છે. ગયા માર્ચ મહિનામાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન જાહેર કરાયા પછી જ્યોત્સ્નાબહેન એકાંતવાસી બની ગયાં હતાં.
જ્યોત્સ્નાબહેને કહ્યું કે ‘મેં અગાઉ ક્યારેય આવું એકાંત સહન કર્યું નહોતું. હું આખો દિવસ રડતી રહેતી હતી. મને લાગ્યું કે આ સ્થિતિનો અંત આવવો જોઈએ. મને અમદાવાદની ‘અનુબંધ ફાઉન્ડેશન’ નામની સંસ્થા વિશે જાણકારી મળી. મેં તેમને ફોન કરીને કહ્યું કે મારે ફરી પરણવું છે. તેમણે થોડાં અઠવાડિયાંમાં મને ત્રણ પ્રોફાઇલ્સ બતાવી. એ પ્રોફાઇલ્સ જોતાં-જોતાં હરીશ પટેલનો પરિચય થયો અને અમે બાકીનું જીવન સાથે વિતાવવાનો નિર્ણય લીધો. એ નિર્ણયની જાણ અમે અમારાં સંતાનોને કરી. કોરોનાના રોગચાળામાં ગયા મે મહિનામાં સુરત રહેતા ૬૮ વર્ષના હરીશ પટેલનાં પત્ની અવસાન પામ્યાં હતાં. અમારાં સંતાનોએ અમને આશીર્વાદ આપ્યા અને મર્યાદિત મહેમાનોની હાજરીમાં રિસેપ્શન પણ રાખ્યું હતું. અમે હનીમૂન માટે સ્ટૅચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે ગયાં હતાં.’
‘અનુબંધ ફાઉન્ડેશન’ મૅરેજ બ્યુરોના સ્થાપક નટવરભાઈ પટેલે જણાવ્યું કે ‘જ્યોત્સ્ના વોરા અને હરીશ પટેલને તેમની એકલતાની પીડાનો સુખદ અંત પ્રાપ્ત થયો હશે, પરંતુ દુનિયામાં લાખો વૃદ્ધો જીવનસાથી ગુમાવ્યા પછીનાં વર્ષોમાં એકલતા અને ડિપ્રેશન સહન કરે છે. કોરોનાના રોગચાળાના લૉકડાઉનમાં એ પીડા અસહ્ય બની છે. રોગચાળો શરૂ થયા પછી બ્રિટન, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને નેધરલૅન્ડ્સમાં કરવામાં આવેલા અભ્યાસમાં વૃદ્ધો એકલતા અને માનસિક અસ્વસ્થતાના અતિરેકથી પીડાતા હોવાનું નોંધાયું છે. યુરોપિયન કમિશને જણાવ્યું હતું કે લૉકડાઉન પૂર્વે યુરોપમાં પ્રૌઢ અને વૃદ્ધ વર્ગોના ત્રણ કરોડ લોકો એકલતાથી પીડિત હોવાનું અને સાડાસાત કરોડ લોકો મિત્રો અને પરિવારને મહિને એક વખત મળ્યા હતા. લૉકડાઉનમાં લોકોને ઘરમાં પુરાઈ રહેવાની ફરજ પડી છે. રોગચાળામાં કેટલાક સિનિયર સિટિઝન્સે તેમના જીવનસાથી ગુમાવ્યા છે. કેટલાક પહેલેથી વિધવા કે વિધુર અવસ્થામાં હતા તેમની અસ્વસ્થતા વધી ગઈ હતી. બધાને એકલા મરવાની ઇચ્છા હોતી નથી એથી તેઓ નવા જીવનસાથી સાથે જીવે છે એ બહુ સુંદર બાબત છે. અમે ૨૦૦૧ના ભુજના ધરતીકંપ પછી આ સંસ્થા ‘અનુબંધ ફાઉન્ડેશન’ શરૂ કરી હતી. લૉકડાઉન પછી અનેક વૃદ્ધો અને તેમનાં સંતાનોએ અમારો સંપર્ક સાધ્યો હતો. અમને સમગ્ર ભારતમાંથી પુનર્લગ્ન માટે ૨૦૦ બાયોડેટા પ્રાપ્ત થયા છે.’

જ્યોત્સ્ના વોરા અને હરીશ પટેલને તેમની એકલતાની પીડાનો સુખદ અંત પ્રાપ્ત થયો હશે, પરંતુ દુનિયામાં લાખો વૃદ્ધો જીવનસાથી ગુમાવ્યા પછીનાં વર્ષોમાં એકલતા અને ડિપ્રેશન સહન કરે છે.
- નટવરભાઈ પટેલ, અનુબંધ ફાઉન્ડેશનના સ્થાપક

shirish vaktania diwakar sharma mumbai mumbai news