ગમે તે ભોગે સ્કૂલની નોકરી મેળવવા દબાણ કરતા પતિના પ્રેશરને લીધે પત્નીએ આપઘાત કર્યો?

17 December, 2014 03:32 AM IST  | 

ગમે તે ભોગે સ્કૂલની નોકરી મેળવવા દબાણ કરતા પતિના પ્રેશરને લીધે પત્નીએ આપઘાત કર્યો?





પ્રીતિ ખુમાણ ઠાકુર

સ્કૂલમાં જૉબ-ઇન્ટરવ્યુમાં કોઈ પણ ભોગે પાસ થવા માટે પત્ની પર દબાણ કરતા પતિની પત્નીના સુસાઇડ-કેસમાં ધરપકડ કરવામાં આવી છે. નાલાસોપારાની પ્રખ્યાત સ્કૂલમાં જૉબ-ઇન્ટરવ્યુ પાસ કરવા માટે પતિ ફોર્સ કરતો હોવાથી પત્ની ભારે ડિપ્રેશનમાં રહેતી હતી. જોકે એ વિશે કોઈ સુસાઇડ-નોટ નથી મળી, પણ મહિલાના પિતાએ કરેલી ફરિયાદના આધારે પતિની પોલીસે ધરપકડ કરી છે.

અંધેરીમાં એક કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે જૉબ કરતો ૨૯ વર્ષનો સુશીલ શિંદે ૨૫ વર્ષની પત્ની પ્રતિમા સાથે વસઈ (ઈસ્ટ)માં આધેશ્વર સિદ્વિ અપાર્ટમેન્ટમાં ભાડે રહેવા આવ્યો હતો. સુશીલની અંધેરી (વેસ્ટ)ના વીરા દેસાઈ રોડ પર ટ્રાન્સફર થતાં તેઓ વસઈ આવ્યાં હતાં. સુશીલનાં લગ્ન પ્રતિમા સાથે આ વર્ષે પાંચમી ફેબ્રુઆરીએ નાગપુરમાં થયાં હતાં. સુશીલ પહેલાં નવી દિલ્હીમાં કામ કરતો હતો, પણ ત્યાંથી તેની ટ્રાન્સફર અંધેરીમાં થઈ હતી.

આખી ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપતાં નાલાસોપારા પોલીસ-સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ઇરફાન લદાફે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રતિમા પુણેની યુનિવર્સિટીથી કમ્પ્યુટર એન્જિનિયર હતી અને જૉબ શોધી રહી હતી. તેનો પતિ સારું કમાતો હોવાથી તે અત્યારે હાઉસવાઇફ હતી. સુશીલે અમને સ્ટેટમેન્ટ આપ્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે સોમવારે પ્રતિમા નાલાસોપારા (વેસ્ટ)માં આવેલી એક પ્રખ્યાત સ્કૂલમાં ઇન્ટરવ્યુ આપવા ગઈ હતી. જોકે સુશીલ એ સ્કૂલમાં કોઈ પણ ભોગે ઇન્ટરવ્યુમાં પાસ થઈ જૉબ મેળવવા માટે પત્નીને ફોર્સ કરતો હતો. દરમ્યાન દબાણ અનુભવી રહેલી પ્રતિમાએ જ્યારે સુશીલ કોઈક કામસર બહાર ગયો ત્યારે ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. સુશીલ જ્યારે ઘરે પાછો આવ્યો ત્યારે તેણે પ્રતિમાને પંખા પર ગળે ફાંસો ખાઈને લટકેલી હાલતમાં જોઈ હતી. તેણે તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈ ડેડ-બૉડીને તાબામાં લઈ પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપી હતી. આ સંદર્ભે અમે સુશીલની ધરપકડ કરીને ગઈ કાલે ર્કોટમાં હાજર કરતાં તેને ૧૮ ડિસેમ્બર સુધીની પોલીસ-કસ્ટડીનો આદેશ અપાયો છે. આમ છતાં અમે પ્રતિમા જે સ્કૂલમાં ગઈ હતી ત્યાં અને સાથે તેના મોબાઇલની કૉલ-ડીટેલ મેળવવાના છીએ અને પાડોશીઓની પૂછપરછ કરવાના છીએ જેથી અમને આ કેસ વિશે વધુ માહિતી મળી શકે.’