સીલ્ડ બિલ્ડિંગોની સંખ્યા ડબલ

29 June, 2020 08:03 AM IST  |  Mumbai Desk | Prajakta Kasale

સીલ્ડ બિલ્ડિંગોની સંખ્યા ડબલ

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના રોગચાળા પર નિયંત્રણ સતત મુશ્કેલ બની રહ્યું છે. દક્ષિણ મુંબઈના અલ્ટામાઉન્ટ રોડથી દહિસર અને મુલુંડ સુધી પૉઝિટિવ કેસ મળવાનો સિલસિલો ઓછા-વત્તા પ્રમાણમાં ચાલુ રહે છે. કોઈ વિસ્તારમાં કેસની સંખ્યામાં ક્યારેક થોડો ઘટાડો થાય, પણ પૉઝિટિવ કેસનો સિલસિલો થંભી જતો નથી. એક બાજુ હાઉસિંગ સોસાયટીઓમાં ઘરનોકરો અને ડ્રાઇવર્સને બોલાવી શકાય કે નહીં એની અવઢવમાં છે અને બીજી બાજુ મહાનગરપાલિકા સ્વચ્છતા જાળવવા અને ફિઝિકલ ડિસ્ટન્સિંગનો આગ્રહ વારંવાર કરે છે. સીલ કરેલાં બિલ્ડિંગ્સની સંખ્યા ૨૩ મેએ ૨૫૩૩ હતી એ ૨૮ જૂને ૫૬૪૬ પર પહોંચી છે. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સમાં ક્લસ્ટર કેસમાં વધારો મુંબઈ મહાનગરપાલિકા સામે પડકારરૂપ બન્યો છે.
આ મહિનાના આરંભમાં હાઉસિંગ સોસાયટીઝમાં કેસમાં વૃદ્ધિ અને ઝૂંપડપટ્ટીમાં કેસની સંખ્યામાં ઘટાડાના સમાચારો ચર્ચાતા હતા. દક્ષિણ મુંબઈના વૈભવી વિસ્તારો ધરાવતા પાલિકાના ‘ડી’ વૉર્ડમાં ૨૦૩ બિલ્ડિંગ્સ સીલ કરવા પડતાં પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ૨૧ જૂને બ્રીચ કૅન્ડીના સાગર દર્શન અને નેપિયન સી રોડના ટેહની હાઇટ્સ બિલ્ડિંગમાં એક અઠવાડિયામાં ૩૨ કેસ નોંધાયાના સમાચારો પ્રસાર માધ્યમોમાં ચમક્યા હતા. પેડર રોડના એવરેસ્ટ બિલ્ડિંગમાં રહેવાસીઓ અને નોકરો મળીને ૩૦ જણ કોરોના પૉઝિટિવ છે. નેપિયન સી રોડના સિલ્વર આર્ક અપાર્ટમેન્ટ, અલ્ટામાઉન્ટ રોડના મહેર અપાર્ટમેન્ટ અને વૉર્ડન રોડના તિરુપતિ અપાર્ટમેન્ટમાં કોરોના ઇન્ફેક્શન ફેલાયું છે. બાંદરા, દાદર અને માહિમના રહેણાક વિસ્તારોમાં પૉઝિટિવ કેસ વધી રહ્યા છે.
મહાનગરપાલિકાના ‘ડી’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર પ્રશાંત ગાયકવાડે જણાવ્યું હતું કે ‘અમારા વૉર્ડનાં રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સમાં કેસ વધી રહ્યા છે. તે લોકોની સર્વસામાન્ય સમસ્યા એ છે કે એ બધા ઘરનોકરો અને ડ્રાઇવરો બોલાવતા રહે છે. એક જણની ટેસ્ટ પૉઝિટિવ આવે તો તમામ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ્સને આઇસોલેટ કરીને ટેસ્ટ કરાવવામાં આવે છે.’

મુંબઈનાં બિલ્ડિંગોમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે અને આમાં કૉમન વાત એ છે કે આ બિલ્ડિંગોમાં હાઉસ-હેલ્પર અને ડ્રાઇવરોને આવવાની પરમિશન અપાઈ છે. - પ્રશાંત ગાયકવાડ, ‘ડી’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર

mumbai mumbai news prajakta kasale