રાજ્યમાં વધુ 15થી 20 દિવસ શાળાઓ બંધ રહેશે: રાજેશ ટોપે

12 January, 2022 08:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજેશ ટોપેએ આજે ​​સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિશે માહિતી આપી હતી.

ફાઇલ તસવીર

ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેથી, ફેબ્રુઆરી સુધી રાજ્યમાં પ્રતિબંધો હટાવવામાં આવે તેવી શક્યતા નથી. કોરોનાને પ્રસારતો રોકવા માટે રસીકરણ અને પ્રતિબંધો જરૂરી છે. હાલમાં, કોરોના સંક્રમણ ઘટાડવું એ રાજ્યની પ્રાથમિકતા છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ શાળા ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. પરિણામે રાજ્યમાં શાળાઓ વધુ 15થી 20 દિવસ બંધ રહેશે, એમ આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

રાજેશ ટોપેએ આજે ​​સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કોરોના ક્ષીણ થઈ ગયો હોવાનું માની લેવું જોઈએ નહીં. મુંબઈ અને પુણેમાં કોરોના પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે. આજે રાજ્યમાં 46,000 કોરોના દર્દીઓ નોંધાયા છે. લગભગ 14 ટકા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જોકે, કોરોના વધી રહ્યો છે, પરંતુ તે આશ્વાસન આપનારી બાબત છે કે રાજ્યમાં કોરોના દર્દીઓના મૃત્યુની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જાન્યુઆરીમાં મૃત્યુ દર 0.3 ટકા હતો.

“રાજ્યમાં રસીકરણનો દર ઘટી રહ્યો છે તે ચિંતાનો વિષય છે. હાલમાં રાજ્યમાં દરરોજ સાડા છ લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે. પહેલા આ સંખ્યા 9થી 10 લાખ હતી. રસીકરણ ઝડપી બનાવવું જોઈએ. આ માટે કમિશનરે જિલ્લા કલેક્ટર સાથે મળીને લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ. રસીકરણનો દર ઘટી રહ્યો હોવાથી કડક પગલાં લેવા પડશે.” તેમણે ઉમેર્યું હતું.

mumbai news Mumbai coronavirus maharashtra