પુણે ગ્રામીણમાં સ્કૂલ શરૂ ​: ૩૦ ટકા સ્ટુડન્ટ્સ જ આવ્યા

24 November, 2020 11:12 AM IST  |  Pune | Agencies

પુણે ગ્રામીણમાં સ્કૂલ શરૂ ​: ૩૦ ટકા સ્ટુડન્ટ્સ જ આવ્યા

પ્રતીકાત્મક તસવીર

માર્ચમાં કોરોના વાઇરસની મહામારીના પ્રસાર પછી પહેલી વખત પુણે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ગઈ કાલથી નવમાથી બારમા ધોરણ સુધીના વર્ગના ક્લાસિસ શરૂ થઈ ચૂક્યા છે. અધિકારીઓએ ક્લાસિસમાં 30 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હોવાનો દાવો કર્યો હતો.
પુણે અને પિંપરી-ચિંચવડના વિસ્તારની શૈક્ષણિક સંસ્થાઓ અનુક્રમે 13 ડિસેમ્બર અને 30 નવેમ્બર સુધી બંધ રહેશે.
જિલ્લા પરિષદ શિક્ષણ અધિકારી ગણપત મોરોએ કહ્યું હતું કે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં 1200 સ્કૂલ અને કૉલેજ છે અને લગભગ 30-35 સ્કૂલ-કૉલેજ ગઈ કાલથી શરૂ થનાર હતી. તેમણે કહ્યું હતું કે કેટલીક સ્કૂલની તેમણે મુલાકાત લીધી હતી, પરંતુ એમાં અંદાજે 30 ટકા જેટલી હાજરી હતી. વાલીઓ સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે તેઓ પોતાનાં બાળકોની સુરક્ષા માટે ચિંતિત છે. જોકે તમામ સ્કૂલ અને કૉલેજ કોવિડ-19ના પ્રોટોકૉલનું પાલન કરે છે. શિક્ષકો તેમ જ સ્ટાફનું પણ ટેસ્ટિંગ કરવામાં આવે છે.
શનિવાર સુધીમાં 4700 શિક્ષકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી માત્ર 13 શિક્ષકોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા. જોકે તેઓ કોવિડ-19નાં લક્ષણો ધરાવતા નથી. સ્કૂલમાં આવનારા તમામ સ્ટુડન્ટ્સનું સ્ક્રીનિંગ કરી તેમનું ઑક્સિજન લેવલ પણ ચેક કરવામાં આવ્યું હતું. ક્લાસરૂમ સૅનિટાઇઝ કરાયા હતા તેમ જ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરી બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ઉરુલીકાંચનમાં સ્કૂલ ચલાવતા મહાત્મા સર્વોદય સંઘ ટ્રસ્ટના સેક્રેટરી સોપાન કાંચને જણાવ્યું હતું.

pune mumbai mumbai news