16 June, 2024 08:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર સરકારે સરકારી સ્કૂલોમાં ભણતા ૪૮ લાખ વિદ્યાર્થીઓ માટે એક રાજ્ય, એક યુનિફૉર્મની યોજના બનાવી હતી એ ફેલ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ૧૫ જૂનથી સ્કૂલો તો શરૂ થઈ ગઈ છે, પણ સરકાર યુનિફૉર્મ તો શું એ સીવવા માટે કપડું પણ પહોંચાડી નથી શકી. આથી વિદ્યાર્થીઓએ યુનિફૉર્મ વગર જ સ્કૂલમાં જવું પડ્યું છે. અગાઉ સરકાર સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓના યુનિફૉર્મ ખરીદવા માટે શિક્ષણ સમિતિને કૅશ રૂપિયા આપતી હતી, પણ બાદમાં સરકારે રૂપિયા આપવાને બદલે વિદ્યાર્થીઓને યુનિફૉર્મ પૂરા પાડવાની જવાબદારી લીધી હતી. સરકારે એક કંપનીને યુનિફૉર્મ સપ્લાય કરવાનો કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો. આ કંપની શિક્ષણ સમિતિને એક યુનિફૉર્મ અને એક કપડું પૂરાં પાડવાની હતી. જોકે સ્કૂલો શરૂ થઈ ગઈ હોવા છતાં યુનિફૉર્મ કે કપડું પહોંચાડવામાં નથી આવ્યાં. આ વિશે મહારાષ્ટ્ર વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ આરોપ કર્યો છે કે ટકાવારીના ચક્કરમાં યુનિફૉર્મની યોજના ટલ્લે ચડી ગઈ છે. ૧૦૦ રૂપિયામાં યુનિફૉર્મ સીવવાની બચત ગટે ના પાડી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આથી લાખો વિદ્યાર્થીઓને એક મહિના સુધી યુનિફૉર્મ મળવાની શક્યતા નથી.