આખરે પેરન્ટ્સની જીત

02 December, 2014 05:56 AM IST  | 

આખરે પેરન્ટ્સની જીત




ગોરેગામ-ઈસ્ટ અને વેસ્ટની ચાર સ્કૂલોની ફીમાં બેફામ વધારો થતાં રોષે ભરાયેલા પેરન્ટ્સે ૨૪ નવેમ્બરે દિંડોશી પોલીસ-સ્ટેશનની બહાર આંદોલન કર્યું હતું. એના પગલે એજ્યુકેશન મિનિસ્ટર વિનોદ તાવડેએ પેરન્ટ્સ સાથે મીટિંગનું આયોજન કર્યું હતું અને ગઈ કાલે એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને જે સ્કૂલો વિરુદ્ધ ફી-વધારા માટે ફરિયાદ નોંધાઈ છે એમના પર તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે જ્યાં સુધી ફાઇનલ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પણ સ્કૂલોમાં ફી-વધારો થશે નહી. ઉપરાંત જે સ્કૂલોમાં પ્રાઇમરી અને સેકન્ડરી સેક્શનમાં ફી-વધારો થયો છે એ પણ રદ કરવામાં આવે. એવો આદેશ પણ તેમણે બહાર પાડ્યો છે.

સ્કૂલના પેરન્ટ્સને આ લડતમાં સપોર્ટ કરી રહેલાં ઍડ્વોકેટ ડૉ. અવિતા કુલકર્ણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા સોમવારે પેરન્ટ્સના આંદોલન બાદ એજ્યુકેશન મિનિસ્ટર વિનોદ તાવડે સાથે થયેલી વાતચીતના નિર્ણયમાં ગઈ કાલે તેમણે એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોને યશોધામ હાઈ સ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કૂલ, GES ઇંગ્લિશ મિડિયમ હાઈ સ્કૂલ, MN ઇંગ્લિંશ હાઈ સ્કૂલ, થાણેની બિલાબૉન્ગ હાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ એમ જે સ્કૂલો વિરુદ્ધ પોલીસ-સ્ટેશનમાં પોલીસ ફરિયાદ થઈ છે એમના પર યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. એ સિવાય ફી રેગ્યુલેશન ઍક્ટ આવતા વર્ષથી નહીં પરંતુ ગઈ કાલથી જ એટલે કે ૧ ડિસેમ્બરથી જ લાગુ થશે એવી જાહેરાત પણ કરી હતી અને પૂરી તપાસ ન થઈ જાય ત્યાં સુધી કોઈ સ્કૂલોમાં ફી-વધારો થશે નહી એમ જણાવ્યું હતું. આ અમારી પેરન્ટ્સની જીત છે જેનાથી અમે ખૂબ જ ખુશ છીએ. શિક્ષણનું વ્યાપારીકરણ રોકવા માટે અને વિદ્યાર્થીઓ તેમ જ પેરન્ટ્સના હિત માટે હું હંમેશાં લડીશ.’