૩૨૫ કરોડથી વધુનું ફ્રૉડ કરનાર અભય ગાંધી પકડાઈ ગયો

03 November, 2012 09:40 PM IST  | 

૩૨૫ કરોડથી વધુનું ફ્રૉડ કરનાર અભય ગાંધી પકડાઈ ગયો



માત્ર ૨૮ વર્ષની ઉંમરે પોતાની વાક્છટા તેમ જ વૈભવી લાઇફસ્ટાઇલથી લોકોને આંજી નાખનારા અને એક કા તીનની લાલચ આપીને તેમ જ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનના નામે અંદાજે ૩૨૫ કરોડ રૂપિયાથી વધુની રકમનું ફુલેકું ફેરવીને વિદેશ નાસી ગયેલા અમદાવાદના અભય શ્રેણિક ગાંધીની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હતી. પૈસા ખલાસ થઈ જતાં પાછો ફરી રહ્યો હોવાની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થતાં ગઈ કાલે વહેલી પરોઢે ૪.૫૦ વાગ્યે અમદાવાદ ઍરપોર્ટ પરથી  તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ-ઇન્સ્પેક્ટર એસ. એલ. ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને એક કા તીનની લાલચ દેખાડી અંદાજે ૩૨૫ કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવ્યા ઉપરાંત સંખ્યાબંધ આર્થિક ગુના આચરીને વિદેશ નાસી ગયેલો અભય ગાંધી બૅન્ગકૉકથી મુંબઈ થઈને અમદાવાદ આવી રહ્યો હોવાની અમને બાતમી મળી હતી. તે મુંબઈથી બાય પ્લેન અમદાવાદ આવવાનો હતો એ બાબત પાકી થતાં અમદાવાદ ઍરપોર્ટ પર વૉચ ગોઠવી હતી. ગઈ કાલે સવારે ૪.૫૦ વાગ્યે ફ્લાઇટમાં મુંબઈથી અમદાવાદ આવ્યો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતો અભય ગાંધી પોલીસથી બચવા એપ્રિલ ૨૦૧૨માં ચેન્નઈ ગયો હતો. ત્યાંથી શ્રીલંકાના કોલંબો અને ત્યાંથી કેન્યા થઈ બૅન્ગકૉક અને કોન્ગો જેવા દેશો જ્યાં નાણાં ખર્ચીને વીઝા લઈ શકાય છે એવા દેશોમાં લોકોના પૈસે તેણે લીલાલહેર કરી હતી.