પેશન્ટ્સની લાઇફ સાથે આવી રમત!

04 June, 2023 08:20 AM IST  |  Mumbai | Mehul Jethva

મુલુંડની બીએમસીની હૉસ્પિટલમાં બોગસ ડૉક્ટરોના કૌભાંડમાં હવે એવી વાત બહાર આવી છે કે બીએમસી દરેક એમડી કક્ષાના ડૉક્ટર માટે મહિને ૧.૭૦ લાખ રૂપિયાની સૅલેરી ટ્રસ્ટને આપતી હતી, પણ બોગસ ડૉક્ટર રાખીને તેમને મહિને ૩૦ હજાર રૂપિયાનો જ પગાર ચૂકવાતો હતો

આરોપી મહિલાને ગઈ કાલે કોર્ટમાં હાજર કરવામાં આવી હતી.

મુલુંડમાં (Mulund) મહાનગરપાલિકા સંચાલિત એમ. ટી. અગ્રવાલ હૉસ્પિટલના આઇસીયુ વૉર્ડમાં ડૉક્ટર ઉપલબ્ધ કરતી સંસ્થામાં ડૉક્ટરોની નિમણૂક કરતી એક મહિલાની ગઈ કાલે પોલીસે ધરપકડ કરી હતી. આ સંસ્થા તરફથી મુલુંડ સાથે વિક્રોલી અને વધુ એક પાલિકાની હૉસ્પિટલમાં ડૉક્ટરો ઉપલબ્ધ કરવામાં આવતા હતા એમાં કયા ડૉક્ટરને ક્યાં મોકલવો એનો નિર્ણય આરોપી મહિલા લેતી હોવાનો તેના પર આરોપ મૂકવામાં આવ્યો હતો. મહિલા આરોપી પાસેથી પોલીસ વધુ માહિતી કાઢીને બીજા બોગસ ડૉક્ટરોની ધરપકડ કરે એવી શક્યતા છે.

મુલુંડ-વેસ્ટમાં પાંચ રસ્તા નજીક પાલિકા સંચાલિત એમ. ટી. અગ્રવાલ હૉસ્પિટલના આઇસીયુના ૧૦ બેડ પર ઍડ્મિટ થતા દરદીઓના ઇલાજ માટે પાલિકા દ્વારા આઉટસોર્સિંગ કરી ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવતી હોય છે. એના માટે પાલિકાએ જીવન જ્યોત ચૅરિટેબલ ટ્રસ્ટને કૉન્ટ્રૅક્ટ આપ્યો છે. આ સંસ્થા સામે મે મહિનાની શરૂઆતમાં હત્યા સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે તપાસ કરીને પોલીસે એક બોગસ ડૉક્ટરની ધરપકડ કરી હતી. તેની પોલીસ-કસ્ટડી મળતાં વધુ તપાસ કરવામાં આવી હતી. તેની પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે ગઈ કાલે જીવન જ્યોત ચૅરિટેબલ ટ્રસ્ટમાં ડૉક્ટરો નીમવાનુ કામ કરતી ૩૪ વર્ષની સુરેખા ચૌહાણની ધરપકડ કરી હતી. આરોપી મહિલા જીવન જ્યોત ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવતા ડૉક્ટરોની માહિતી રાખતી હતી. એમડી કે એમબીબીએસ ન હોવા છતાં તેમને આઇસીયુ વૉર્ડમાં ઇલાજ માટે મોકલતી હોવાનો આરોપ તેની સામે કરવામાં આવ્યો છે.
મુલુંડ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બોગસ ડૉક્ટરની ધરપકડ કર્યા પછી એ સંસ્થા અંગેની વધુ માહિતીઓ તેની પાસેથી લેવામાં આવી હતી. એમાં તેની નિમણૂક કરનાર એચઆર મહિલાની માહિતી અમને મળી હતી. એના આધારે ખારમાં રહેતી સુરેખાની ધરપકડ ગઈ કાલે કરવામાં આવી હતી. પાલિકા પાસેથી સંસ્થા એક ડૉક્ટરનો ચાર્જ મહિનાનો આશરે ૧.૭૦ લાખ રૂપિયા લેતી હતી. એની સામે અહીં આવતા ડૉક્ટરને ૩૦,૦૦૦થી ૪૫,૦૦૦ રૂપિયા પગાર આપવામાં આવતો હતો. પ્રાથમિક તપાસમાં ધરપકડ કરેલા ડૉક્ટરને ૩૦,૦૦૦ રૂપિયા પગાર આપવામાં આવતો હોવાની માહિતી મળી છે. આ ઉપરાત સંસ્થાના બોર્ડ પર જે લોકો છે તેમને પણ સ્ટેટમેન્ટ માટે બોલાવામાં આવી રહ્યા છે. તેમને આ અંગેની માહિતી હતી કે નહીં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.’

મુલુંડ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર ભૂષણ ડાયમાએ ‘મિડ-ડેને’ કહ્યું હતું કે ‘સંસ્થામાં ડૉક્ટરોની નિમણૂક કરતી મહિલાની અમે ધરપકડ કરી છે. તેને ગઈ કાલે મુલુંડ કોર્ટમાં હાજર કરતાં સાતમી જૂન સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે. આગળ વધુ તપાસ આ કેસમાં કરવામાં આવી રહી છે.’

ફરિયાદી ગોલ્ડી શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે મારા ભાઈની છઠ્ઠી પુણ્યતિથિ છે. આજના દિવસે મારા ભાઈનું મૃત્યુ એમ. ટી. અગ્રવાલ હૉસ્પિટલમાં થયું હતું. એ પછી મેં મારી રીતે તપાસ કરી હતી. એમાં આ બોગસ ડૉક્ટરોનું સ્કૅન્ડલ બહાર આવ્યું હતું. મારા ભાઈને તો હું ન બચાવી શક્યો, પણ બીજા લોકોનાં મૃત્યુ આવા બોગસ ડૉક્ટરોને કારણે નહીં થાય એવી શક્યતા છે.’

Mumbai mumbai news mehul jethva mulund brihanmumbai municipal corporation Crime News mumbai crime news