સાયન-કોલીવાડ ડબલ મર્ડર કેસ : જબ્બર ડ્રામા કેસમાં ગે યુવાન નીકળ્યો કાતિલ

22 October, 2011 03:24 PM IST  | 

સાયન-કોલીવાડ ડબલ મર્ડર કેસ : જબ્બર ડ્રામા કેસમાં ગે યુવાન નીકળ્યો કાતિલ

 

વિનય દળવી

મુંબઈ, તા. ૨૨



હત્યારો સાડી પહેરીને બહાર નીકળ્યો એટલે પોલીસ માનતી રહી કે કાતિલ કોઈ મહિલા છે

 

એને કારણે બિલ્ડિંગના રહેવાસીઓએ છેલ્લે કોઈ મહિલા એ ઘરમાંથી નીકળતી જોઈ હોવાની માહિતી પોલીસને આપી હતી. આથી એ મર્ડર કોઈ મહિલા દ્વારા કરવામાં આવ્યું હોવાનું પોલીસ માની રહી હતી. એને કારણે તે ગે યુવાનની પૂછપરછ કરવામાં આવી હોવા છતાં તેના પર શક ન જતાં તેને છોડી દેવામાં આવ્યો હતો.

દીકરી-જમાઈ સાથે રહેતાં હતાં

સાયન-કોલીવાડાની ઇન્દિરાનગર સોસાયટીમાં રહેતી શીતલે ૩ જૂને પોલીસને ફોન કરીને કહ્યું હતું કે મારી મમ્મી રંજના નવલકર દરવાજો નહોતી ખોલી રહી એટલે મેં પાડોશીઓની મદદથી દરવાજો તોડીને જોયું તો અંદર મારી ૫૫ વર્ષની મમ્મી રંજના નવલકર અને ત્રણ વર્ષની દીકરી વૈષ્ણવીનાં મૃતદેહ પડ્યા હતા. આ માહિતીના આધારે પોલીસે તપાસ કરી હતી. ઘરમાંથી ૩.૬૦ લાખ રૂપિયાનાં ઘરેણાં અને ૪૦૦૦ રૂપિયા મિસિંગ હતાં. રંજના નવલકરનો પતિ અને દીકરો બન્ને પોલીસમાં નોકરી કરતા હતા; પણ બન્નેનાં અકસ્માતમાં મૃત્યુ થતાં રંજના નવલકર તેમની દીકરી શીતલ, જમાઈ સંતોષ અને પૌત્રી વૈશાલી સાથે રહેતાં હતાં.

ડબલ મર્ડરની આ કમકમાટીભરી ઘટનાની વધુ વિગત આપતાં જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) હિમાંશુ રૉયે કહ્યું હતું કે ‘બન્નેની બહુ જ કરપીણ હત્યા કરવામાં આવી હતી. તેમનાં ગળાં ચીરી નાખવામાં આવ્યાં હતાં અને આખો રૂમ લોહીથી ખરડાઈ ગયો હતો.’

ત્રણ ટીમ બનાવી

પોલીસે મર્ડરના કેસની તપાસ કરવા ત્રણ ટીમ બનાવી હતી. બિલ્ડિંગમાં રહેતા ૨૫૦ જણની ફિંગરપ્રિન્ટ્સ પણ લેવામાં આવી હતી. બિલ્ડિંગના રહેવાસીઓને પોલીસ-સ્ટેશન બોલાવીને તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી. એમાં જાણવા મળ્યું હતું કે રંજના નવલકરને છેલ્લે કોઈ મહિલા મળી હતી. આથી આ ડબલ મર્ડર કોઈ મહિલા દ્વારા કરવામાં આવ્યું હોવાનું પોલીસ ધારી રહી હતી.

કામવાળી શંકાના ઘેરામાં

શંકાની સોય પહેલાં તેમની કામવાળી બાઈ પુષ્પા અને ક્રિમિનલ રેકૉર્ડ ધરાવતા તેના પતિ પર ગઈ હતી. જોકે પોલીસને એની તપાસ દરમ્યાન એવું કંઈ શંકાસ્પદ મળ્યું નહોતું. ત્યાર બાદ પોલીસે શીતલના પતિ સંતોષની પણ પૂછપરછ કરી હતી. 

ગે યુવાનની પૂછપરછ

આમાં મહત્વની વાત એ હતી કે જેણે આ મર્ડર કયાર઼્ હતાં તે ૨૧ વર્ષના પાડોશી ગે યુવાન વિશાલ શ્રીવાસ્તવની પણ પોલીસે પૂછપરછ કરી હતી. જોકે તેણે પોલીસતપાસમાં એમ કહ્યું હતું કે તે ગે છે અને જે વખતે એ ઘટના બની ત્યારે એ તેના પાર્ટનરને મળવા છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન ગયો હતો. તેની ગે વર્તણૂકને કારણે તેના પર કોઈને શંકા નહોતી ગઈ. પોલીસની પાંચ ટીમ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી, પણ શંકા ન જતાં તેને છોડી દેવામાં આવ્યો હતો.

કાનપુરથી પકડ્યો

ચાર મહિનાથી કેસની તપાસ ચાલી રહી હતી. આખરે ક્રાઇમ બ્રાન્ચના યુનિટ બેના ઑફિસર ભાસ્કર કદમને તપાસમાં વિશાલ પર શંકા ગઈ હતી. વિશાલ તેનો મોબાઇલ ફોન દર પંદર દિવસે બદલી રહ્યો હતો. પોલીસને તેના ફ્રેન્ડ્સ પાસેથી જાણવા મળ્યું હતું કે તે કંઈ કમાતો નહોતો તો તેની પાસે મોબાઇલ ચેન્જ કરવાના પૈસા ક્યાંથી આવ્યા? આથી તરત જ તેના વિશે માહિતી કાઢવામાં આવતાં તે તેના ગામ કાનપુર પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આથી બે કૉન્સ્ટેબલ હૃદયનાથ મિશ્રા અને સુભાષ માળીની ટીમે કાનપુર જઈને તેને પકડી લીધો હતો.

પાર્ટી-કપડાંનો શોખ

તપાસમાં જાણવા મળ્યું હતું કે પાડોશી સંતોષની ફૅમિલી સાથે વિશાલના સારા સંબંધ હતા અને તે અવારનવાર તેમના ઘરે આવતો-જતો હતો. વિશાલ ગે હતો અને તેને એ માટે વિવિધ પાર્ટીઓમાં જવા અને બ્રૅન્ડેડ કપડાં લેવા પૈસા જોઈતા હતા. બેલાપુરની ભારતી વિદ્યાપીઠમાં મૅનેજમેન્ટનો અભ્યાસ કરતા વિશાલે એટલે રંજના નવલકરને જ લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. 

ગરોળીવાળું દૂધ પણ આપ્યું હતું

મર્ડરના આગલા દિવસે આરોપી વિશાલ શ્રીવાસ્તવે ગરોળી મારીને દૂધમાં ભેળવી દીધી હતી અને પછી એમાં કેસર નાખીને રંજના નવલકર અને વૈશાલીને પીવા આપ્યું હતું. જોકે બન્નેએ એ દૂધ નહોતું પીધું. બીજે દિવસે રંજના નવલકર સૂતી હતી ત્યારે તે ઘરમાં આવ્યો હતો અને રંજનાના માથામાં ડમ્બેલ માર્યું હતું. એ વખતે રંજનાએ બૂમ મારીને ત્રણ વર્ષની વૈષ્ણવીને નાસી જવા કહ્યું હતું. વૈષ્ણવીએ એમ ન કરતાં વિશાલને પુછ્યું હતું કે તેં મારી દાદીને કેમ માર્યું? વિશાલનો ઇરાદો વૈષ્ણવીને મારવાનો નહોતો એટલે તેણે એક કલાક સુધી વૈષ્ણવીને સમજાવ્યે રાખી હતી કે મેં દાદીને મારી નથી, ઍક્સિડન્ટમાં દાદીને વાગ્યું છે. જોકે વૈષ્ણવીએ સતત એ જ વાતનું રટણ કર્યે‍ રાખતાં આખરે તેણે વૈષ્ણવીને ખામોશ કરવા તેનું ગળું ચીરી નાખ્યું હતું. તેનાં કપડાં લોહીલુહાણ થઈ ગયાં હતાં એટલે આખરે તેણે રંજનાના ઘરમાંથી સાડી પહેરી લીધી હતી અને ત્યાંથી નાસી ગયો હતો. આમ લોકો તેને મહિલા માની બેઠા હતા, જેને કારણે તે આ પહેલાંની તપાસમાં બચી ગયો હતો.