જો ખંડણીનો ફોન આવે તો બેધડકપણે પોલીસનો સંપર્ક કરો : કમિશ્નર

18 December, 2012 03:26 AM IST  | 

જો ખંડણીનો ફોન આવે તો બેધડકપણે પોલીસનો સંપર્ક કરો : કમિશ્નર



જો કોઈ વ્યક્તિનો તમને ધમકીભર્યો ફોન આવે અને તમારી પાસે તે વ્યક્તિ ખંડણી માગીને તમને જાનથી મારી નાખવાની ધમકી આપે તો હવે તમે ગભરાશો નહીં, કારણ કે મુંબઈના પોલીસ-કમિશનર ડૉક્ટર સત્યપાલ સિંહે આવા કેસને ઘણી ગંભીરતાથી લઈને મદદ કરવાનું આશ્વાસન ગઈ કાલે વેપારીઓને આપ્યું હતું. વેપારીઓને આપેલા આશ્વાસનને પગલે ગઈ કાલે મુંબઈ પોલીસ મુખ્યાલયમાં સત્યપાલ સિંહને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સાઉથ મુંબઈના ગાર્મેન્ટ મર્ચન્ટ અસોસિએશનના પ્રેસિડન્ટ ઇકબાલ મેનનને બે અઠવાડિયાં પહેલાં પાયધુની વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષના શફી અકવીનો ૫૦ લાખ રૂપિયાની ખંડણી માટે ધમકીભર્યો ફોન આવ્યો હતો એથી પોલીસ-કમિશનર અને ઍડિશનલ કમિશનરનો સંપર્ક કરવામાં આવતાં ગયા અઠવાડિયે તેની ધરપકડ કરવામાં આવી હતી. આથી વેપારીઓ ઘણા ખુશ થયા હતા અને કમિશનરનું સન્માન કરવાનો પ્રોગ્રામ ગઈ કાલે સાંજે તેમણે નક્કી કર્યો હતો.

મુંબઈના પોલીસ-કમિશનર ડૉ. સત્યપાલ સિંહે ગઈ કાલે ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતી વખતે કહ્યું હતું કે ‘હું તમારા માધ્યમ દ્વારા વેપારીઓને અને લોકોને એક મેસેજ આપવા ઇચ્છું છું કે જો તમને કોઈનો પણ ધમકીભર્યો ફોન આવે અને તમારી પાસે તે વ્યક્તિ ખંડણી માગે તો તરત જ પોલીસની હેલ્પલાઇન પર ફોન કરવો અને કાં તો મારી ઑફિસમાં આવીને મને મળી જવું. આવા કેસને અમે ઘણી ગંભીરતાથી લઈએ છીએ. અમે તમને જરૂર મદદ કરીશું. આવી ધમકી જો તમને કોઈ આપે તો તરત તમારે નજીકના પોલીસ-સ્ટેશનમાં પહોંચી જવાનું અને પોલીસની મદદ લેવાની. ઘણા વેપારીઓ ભયના માર્યા ફરિયાદ કરવા પોલીસ-સ્ટેશન આવતા જ નથી. હવે તેમણે ગભરાવાની જરૂર નથી, કારણ કે પોલીસ તમારી સાથે છે. હાલમાં હું ઘણી સ્કૂલ-કૉલેજોમાં પણ જઈને લેક્ચર આપી રહ્યો છું. જો કોઈ વેપારી મને તેમણે આયોજિત કરેલા પ્રોગ્રામમાં લેક્ચરર તરીકે બોલાવશે તો એ માટે હું આવવા તૈયાર છું.’

ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહે કહ્યું હતું કે ‘પહેલી વાર અમને મુંબઈના પોલીસ-કમિશનરે મદદ કરી છે અને આરોપીને શોધી કાઢી અમારી હિંમત વધારી છે. કમિશનરનો મેસેજ હવે અમે અમારા દરેક વેપારીઓ સુધી પહોંચાડીશું અને દરેક વેપારીઓને જાગ્રત કરીશું. કમિશનરે અમારી ઘણી મદદ કરી છે. જોકે અગાઉ કોઈ પણ કમિશનર વેપારીઓને તો મળતા નહોતા, પણ હવે અમે કમિશનરના આશ્વાસનથી સંતુષ્ટ છીએ.’

ડૉક્ટર સત્યપાલ સિંહ અને સાઉથના ઍડિશનલ પોલીસ-કમિશનર ક્રિષ્ના પ્રકાશનું સન્માન કરવા ગઈ કાલે ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહ તથા તેમના મેમ્બરો અને અન્ય વેપારીઓ જાધવજી ગાલા, ઇકબાલ મેમણ, મહેશ બખાઈ, અજય મોદી અને રાજેન્દ્ર ભાલેરિયા તથા અન્ય અસોસિએશનોના મેમ્બરો ગઈ કાલે મુંબઈ પોલીસ મુખ્યાલયમાં પહોંચી ગયા હતા.