અંધશ્રદ્ધા, અપરાધ અને આળસ છોડો : પોલીસ-કમિશનર ડૉ. સત્યપાલ સિંહ

21 December, 2012 07:31 AM IST  | 

અંધશ્રદ્ધા, અપરાધ અને આળસ છોડો : પોલીસ-કમિશનર ડૉ. સત્યપાલ સિંહ



મલાડ (વેસ્ટ)ની ખેતાન ઇન્ટરનૅશનલ સ્કૂલમાં મંગળવારે સાંજે મુંબઈપોલીસના નૉર્થ રીજન દ્વારા યોજાયેલી ‘મિશન મૃત્યુંજય’ની એક બેઠકને મુંબઈના પોલીસ-કમિશનર ડૉ. સત્યપાલ સિંહે સંબોધી હતી. આ બેઠકમાં અનેક મહેમાનો, સ્કૂલના સ્ટુડન્ટ્સ, પ્રિન્સિપાલ અને બીજા અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેલા ડૉ. સત્યપાલ સિંહે સ્ટુડન્ટ્સને કહ્યું હતું કે ‘મિશન મૃત્યુંજય એ ભગવાન શિવની ત્રીજી આંખ જેવો કૉન્સેપ્ટ છે. આજના યંગ સ્ટુડન્ટ્સે અંધશ્રદ્ધા, અપરાધ અને આળસ ત્યજવાં જોઈએ. આ રાષ્ટ્રહિતમાં છે. અપરાધો ઓછા કરવા અને આતંકવાદ સામેની લડાઈમાં પોલીસ અને જનતા એકસાથે આવે એ જરૂરી છે.’

નૉર્થ રીજનના ઍડિશનલ પોલીસ-કમિશનર સુનીલ પારસકરે યોજેલી આ બેઠકનું સંચાલન ઍડિશનલ પોલીસ-કમિશનર વિશ્વાસ નાંગરે-પાટીલે ઝોન નવના ડીસીપી મહેશ પાટીલ અને ઝોન ૧૨ના ડીસીપી પ્રવીણ પાટીલના સહકારમાં કર્યું હતું. ખેતાન ઇન્ટરનૅશનલ સ્કૂલના મૅનેજિંગ ટ્રસ્ટી ડૉ. શ્યામ અગરવાલ, કપોળ બૅન્કના ચૅરમૅન (એમિરેટસ) કે. ડી. વોરા અને ડિરેક્ટર ભાવેશ કોઠારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કપોળ બૅન્કના ડિરેક્ટર અશોક ગાંધીએ શરૂઆતમાં આ કાર્યક્રમની પૂર્વભૂમિકા બાંધી હતી.

આવાં અનેક મિશન માટે અનેક સ્કૂલો અને કૉલેજોમાં કાર્યક્રમો યોજનારા પ્રોફેસર ડી. પી. મહેતાએ પણ આ મિશન વિશે માહિતી આપી હતી. તેમણે એવો મત વ્યક્ત કર્યો હતો કે આવા મિશનની સફળતા માટે લોકો જ પોલીસનાં આંખ અને કાનની ગરજ સારે છે.

ડીસીપી = ડેપ્યુટી પોલીસ-કમિશનર