સાંતાક્રુઝ રેલવે કન્ટ્રોલ રૂમની સુરક્ષાના મામલે હજી પણ મીંડું

30 December, 2011 08:53 AM IST  | 

સાંતાક્રુઝ રેલવે કન્ટ્રોલ રૂમની સુરક્ષાના મામલે હજી પણ મીંડું

 

સાંતાક્રુઝ-ઈસ્ટમાં આવેલા રેલવે કન્ટ્રોલ રૂમની સુરક્ષાવ્યવસ્થામાં ઊણપ હોવાનો અહેવાલ મિડ-ડે LOCALમાં છપાયાને ૧૫ દિવસથી વધુ થઈ ગયા હોવા છતાં કન્ટ્રોલ રૂમની સુરક્ષા મામલે હજી પણ મીંડું જ છે.

મુંબઈગરાની લાઇફલાઇન ગણાતી ટ્રેનોનો સમય, કયા ટ્રૅક પરથી કઈ ટ્રેન પસાર થશે એની સાથે-સાથે લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોનું નિયંત્રણ કન્ટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવે છે. બહારની વ્યક્તિ કન્ટ્રોલ રૂમમાં દાખલ ન થાય એ માટે અહીં સુરક્ષાવ્યવસ્થા રાખવી અત્યંત જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે ૨ ડિસેમ્બરે સાંતાક્રુઝ રેલવે-સ્ટેશનના ઈસ્ટ કન્ટ્રોલ રૂમનું મુખ્ય પ્રવેશદ્વાર ખુલ્લું જોવા મળ્યું હતું. આના પરથી રેલવે સુરક્ષા બાબતે કેટલું ચિંતિત છે એ ખ્યાલમાં આવે છે. કન્ટ્રોલ રૂમની બહાર રેલવે-ક્વૉર્ટર્સ આવેલું છે. કન્ટ્રોલ રૂમના દરવાજા હંમેશાં ખુલ્લા રહેતા હોવાથી ત્યાં કેફી દ્રવ્યોના બંધાણીઓ બેસતા નજરે ચડે છે. આનાથી રહેવાસીઓની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે. રેલવે-પ્રશાસન હજી કન્ટ્રોલ રૂમની સુરક્ષા બાબતે કેટલા દિવસ બેફિકર રહે છે એ જોવાનું રહ્યું.