પ્રેમિકાના પિતાની હત્યા માટે હેલિકૉપ્ટર બૉમ્બ બનાવ્યો, પણ પ્લાન ઊંધો પડ્યો

05 November, 2011 07:48 PM IST  | 

પ્રેમિકાના પિતાની હત્યા માટે હેલિકૉપ્ટર બૉમ્બ બનાવ્યો, પણ પ્લાન ઊંધો પડ્યો



(વિનય દળવી)

મુંબઈ, તા. ૫

હકીકતમાં સૂરજની ગર્લફ્રેન્ડના પિતા તેને જમાઈ તરીકે સ્વીકારવા તૈયાર ન હોવાથી તેણે આ બ્લાસ્ટનું પ્લાનિંગ કર્યું હતું. આ મુદ્દે વાત કરતાં અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર મનીષ આમલેએ કહ્યું હતું કે આરોપી સૂરજ શેટ્ટીએ ‘બૉડીગાર્ડ’ અને ‘થ્રી ઇડિયટ્સ’ જેવી ફિલ્મોમાંથી પ્રેરણા લઈને હેલિકૉપ્ટર બૉમ્બ બનાવવાનું કાવતરું કર્યું હતું. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) સ્ક્વૉડના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર નીતિન પાટીલે કહ્યું હતું કે ‘આ પ્રેમી જોડીનું પાંચ વર્ષથી પ્રેમપ્રકરણ ચાલતું હતું, પણ છોકરીનાં માતા-પિતા એનો વિરોધ કરી રહ્યાં હતાં. સૂરજ છોકરીના પિતાને પાઠ ભણાવવા માગતો હતો એટલે તેણે પહેલાં મેકૅનિકનું કામ કરતા દત્તારામ સાળવીની મદદથી છોકરીના પિતાની કારમાં બૉમ્બ ગોઠવવાનું નક્કી કર્યું હતું.’

સૂરજ શેટ્ટી ચેમ્બુરના તિલકનગરમાં રહેતો હતો અને ઘાટકોપરમાં તેની માલિકીનો બાર હતો. અહીં જ દત્તારામ સાળવીનો પાનનો ગલ્લો હતો અને આ રીતે તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

ગુરુવારે સાંજે પોણાસાત વાગ્યે વાકોલા પોલીસને કાલિના પાસે ઍર ઇન્ડિયા કૉલોનીની નજીક વિસ્ફોટ થયો હોવાના સમાચાર મળ્યા હતા. તપાસ કરતાં આ વિસ્ફોટ ૩૦ વર્ષના શારીરિક રીતે અક્ષમ દત્તારામ સાળવીની વ્હીલચૅરમાં થયો હોવાની માહિતી મળી હતી. આ વિસ્ફોટને કારણે દત્તારામના હાથ અને પગ પર ઘણી ઈજા થઈ હતી. તપાસ પછી ખબર પડી હતી કે આ વિસ્ફોટકો દત્તારામે જ સૂરજની મદદ કરવા માગ્યા હતા અને આની મદદથી સૂરજ તેની સાથે દીકરીનાં લગ્ન કરવા માટે તૈયાર ન થનારાં ગર્લફ્રેન્ડનાં માતા-પિતાની હત્યા કરવા માગતો હતો. જોકે આ બૉમ્બના ટેસ્ટિંગ વખતે દત્તારામથી ભૂલથી રિમોટ કન્ટ્રોલ દબાઈ જતાં એ તેની વ્હીલચૅરમાં જ ફાટી ગયો હતો.