કાકીનાં અસ્થિ વિસર્જન કરવા ગયેલા ગુજરાતી ટીનેજરનું ડૂબી જવાથી મૃત્યુ

29 November, 2012 05:50 AM IST  | 

કાકીનાં અસ્થિ વિસર્જન કરવા ગયેલા ગુજરાતી ટીનેજરનું ડૂબી જવાથી મૃત્યુ



કાકીનાં અસ્થિનું વિસર્જન કરવા કુટુંબપરિવાર સાથે બાણગંગા ગયેલા સાંતાક્રુઝના ટીનેજર ધનશ્યામ સોલંકીનું ગઈ કાલે સવારે સાડાનવ વાગ્યે ડૂબી જતાં મૃત્યુ થયું હતું. તેને બહાર કાઢીને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પણ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મૂળ બનાસકાંઠાના સામડી ગામના હરિજન જ્ઞાતિના અને હાલ સાંતાક્રુઝ (વેસ્ટ)ના જુહુ તારા રોડ પર આવેલી માંગલવાડીમાં રહેતા ૧૯ વર્ષના ધનશ્યામ સોલંકીનાં સગાં કાકીનું  ૪ મે, ૨૦૧૨ના નિધન થયું હતું. ગઈ કાલે કાર્તિકી પૂર્ણિમા હોવાના લીધે તેમના અસ્થિવિસર્જન માટે તેમના કુટુંબના ૪૦ જણ બસ કરીને બાણગંગા ગયા હતા. ધનશ્યામ કઈ રીતે ડૂબ્યો એ વિશે માહિતી આપતાં તેના પપ્પા તુલસી સોલંકીએ કહ્યું હતું કે ‘અમે લોકો અસ્થિવિસર્જન કરી રહ્યા હતા ત્યારે કેટલાક છોકરાઓ પાણીમાં નાહવા પડ્યા હતા. મોટા ભાગના પગથિયાં પાસે જ હતા, પણ અમને જાણ થાય એ પહેલાં તો ધનશ્યામ થોડે દૂર નીકળી ગયો હતો. તેને તરતાં આવડતું નહોતું અને તે ડૂબવા માંડ્યો હતો. અમે તેને જોઈને બૂમાબૂમ કરી મૂકી હતી, પણ એ વખતે તરતાં આવડે અને તેને બચાવે એવી કોઈ સ્થાનિક વ્યક્તિ ત્યાં હાજર નહોતી. આખરે થોડી વાર બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેને બહાર કાઢ્યો હતો. તેને નજીકની સેન્ટ એલિઝાબેથ હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. અમારી નજર સામે દીકરો ડૂબી ગયો અને અમે તેને ન બચાવી શક્યા.’

વિલે પાર્લે‍ની કૉલેજમાં ફસ્ર્ટ યર બીકૉમમાં ભણતા ધનશ્યામના પરિવારમાં તેના પપ્પા તુલસીભાઈ, મમ્મી પારુબહેન, મોટા ભાઈ કાનજીભાઈ અને પાંચ બહેનોનો સમાવેશ થાય છે. આજે તેમના વતનથી લોકો તેની અંતિમયાત્રામાં આવવાના હોવાથી તેના મૃતદેહને મોર્ગમાં સાચવવામાં આવ્યો છે. આજે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.