સાંતાક્રુઝ-વેસ્ટમાં મળેલી ડેડબૉડી ગુજરાતી કે રાજસ્થાની મહિલાની?

31 August, 2012 08:12 AM IST  | 

સાંતાક્રુઝ-વેસ્ટમાં મળેલી ડેડબૉડી ગુજરાતી કે રાજસ્થાની મહિલાની?

સાંતાક્રુઝ-વેસ્ટમાં ૩૦થી ૩૫ વર્ષની એક મહિલાનું ગળું કાપીને હત્યા કરાયેલી નગ્ન લાશ મળી આવી હતી. તેના શરીર પર માત્ર એક ટૅટૂ મળતાં તે ગુજરાતી કાં તો રાજસ્થાની હોઈ શકે એવું પોલીસનું માનવું છે.

આ ઘટના વિશે વધુ જાણકારી આપતાં સાંતાક્રુઝના સિનિયર ઇન્સ્પેક્ટર અરુણ ચવાણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સૌથી પહેલાં તો આ હત્યા અન્ય કોઈ ઠેકાણે કરીને બૉડી અહીંના નાળામાં નાખી દેવામાં આવી છે. નાળામાં પાણી ઓછું હોવાથી તે કિનારા પર તરીને આવી ગઈ એટલે અમને તેના શરીર પરનાં નિશાનો ક્લીઅર દેખાઈ રહ્યાં છે. જો તે નાળાના પાણીમાં જ વહી જાત તો તેને ઓળખવામાં ઘણી તકલીફ થાત. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પરથી તો માત્ર એટલી જ ખબર પડી છે કે તેની ગળું કાપીને હત્યા થઈ છે અને તેના શરીર પર ઈજાનાં નિશાનો છે. ડાબે હાથે કોણીની વિરુદ્ધ સાઇડ પર એક મોરનું ચિત્ર બનેલું છે જે અમને ઇન્ડિકેટ કરે છે કે તે નૉર્થ ઇન્ડિયન હોવી જોઈએ અને મોરનું ચિત્ર ખાસ કરીને ગુજરાતી અને રાજસ્થાની લોકો દોરાવતા હોય છે. એટલે તે આદિવાસી કોમની, પણ ગુજરાતી અથવા રાજસ્થાની હોઈ શકે છે. બાકી તો એ નાળા પાસે નજીકમાં કોઈ સીસીટીવી કૅમેરા લગાવેલા નથી જેથી અમને કોઈ જાણ થતી નથી. જેણે પણ આ હત્યા કરી છે તેણે બહુ સિસ્ટમેટિકલી અને આજુબાજુનું બધું ધ્યાનમાં રાખીને કરી છે. રિલીફ રોડ રાતના સમયે એકદમ સૂમસામ થઈ જાય છે અને રાહેજા કૉલેજના નાળા પાસે આ લાશ ફેંકવામાં આવી હતી જ્યાં રાતના સમયે ક્રાઉડ હોતું નથી. એથી આવી જગ્યા પર લાશ ફેંકીને હત્યારાએ કોઈ સુરાગ રાખ્યો નથી. અમે સ્ત્રીનો સ્કેચ બનાવીને બધાં પોલીસ-સ્ટેશનમાં મોકલવાનું શરૂ કરી દીધું છે. વાશી, થાણે, મુંબઈના બધા જ વિસ્તારોમાં આ સ્કેચ મોકલીને તપાસ ચાલી રહી છે, પણ આવી વ્યક્તિ મિસિંગ હોવાની કોઈએ કમ્પ્લેન પણ નથી લખાવી કે તેનો કોઈ પત્તો મળી શકે. હવે આ મોરના ટૅટૂ પર અને તેના ચહેરાના સ્કેચ પરથી મહિલાને ઓળખવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.’

અમારી એક અપીલ છે કે જો તમે આ વ્યક્તિને જાણતા હો તો અમને તમે સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં ફોન કરી શકો છો. તમારું નામ સીક્રેટ રાખવામાં આવશે અને તમને એનાથી કોઈ તકલીફ નહીં થાય એ અમારી ગૅરન્ટી છે.

સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશન

મોબાઇલ નંબર : ૯૮૨૧૨૩૯૧૪૨

ફોન નંબર : ૦૨૨-૨૬૪૯૩૧૩૯

પોલીસ-નિરીક્ષક : ૯૮૭૦૧૦૩૭૩૨

ડિટેક્શન ઑફિસર ચવાણ : ૯૮૭૦૨૦૧૩૮૨

ડિટેક્શન ઑફિસર વરુડે : ૯૮૨૧૯૬૫૮૦૮