સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડનું કાલે પહેલું ગર્ડર થશે લૉન્ચ

01 December, 2012 06:34 AM IST  | 

સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડનું કાલે પહેલું ગર્ડર થશે લૉન્ચ




લગભગ એક દાયકા પહેલાં સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ (એસસીએલઆર)નો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા પછી એના પર કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ ૬.૪૫ કિલોમીટર લાંબા ડબલ-ડેકર ફ્લાયઓવરના બજેટમાં અનેક વાર વધારો કરવામાં આવ્યો છે અને પ્લાનમાં પણ વારંવાર ફેરબદલ કરવામાં આવ્યો છે. આખરે હવે આ ફ્લાયઓવર કુર્લાની રેલવેલાઇનને ક્રૉસ કરશે, કારણ કે રેલવે અને રોડ ઑથોરિટી સત્તાવાર રીતે ટૂંક સમયમાં પહેલું ગર્ડર લૉન્ચ કરવાનાં છે.

આવતી કાલે સેન્ટ્રલ રેલવે અને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન હાર્બર લાઇન પર કુર્લા અને ટિળકનગર રેલવે-સ્ટેશન વચ્ચેના રેલવે-ટ્રૅક પર મહિનાઓ સુધી રાજ્ય સરકાર અને રેલવે વચ્ચે મતમતાંતર થયા બાદ એલસીએલઆરનું પહેલું ગર્ડર બેસાડવાનાં છે. મળતી માહિતી પ્રમાણે શરૂઆતમાં રેલવે-ટ્રૅક પર સિમેન્ટનું ગર્ડર બેસાડવાનું આયોજન હતું, પણ પછીથી સુરક્ષા બમણી થઈ જાય એ હેતુથી સ્ટીલનાં ગર્ડર બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે આને કારણે આખા પ્રોજેક્ટની કિંમત ૨૦૦૩માં આપેલા ૧૧૫ કરોડ રૂપિયાના બજેટથી વધીને અત્યાર સુધી ૫૫૦ કરોડ રૂપિયા જેટલી થઈ ગઈ છે.