કસ્ટડી દરમ્યાન ઈડીએ મને બારી કે વેન્ટિલેશન વિનાની રૂમમાં રાખ્યો હતો : સંજય રાઉતની કોર્ટને ફરિયાદ

05 August, 2022 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિમાન્ડના અંતે એજન્સીએ ગઈ કાલે વિશેષ કોર્ટમાં રજૂ કરતાં તેમની ઈડી કસ્ટડી ૮ ઑગસ્ટ સુધી લંબાવી હતી

સંજય રાઉત

મની લૉન્ડરિંગના કેસમાં ઈડી દ્વારા ધરપકડ કરાયેલા શિવસેનાના નેતા સંજય રાઉતે ગઈ કાલે સ્પેશ્યલ કોર્ટને જણાવ્યું હતું કે કસ્ટડી દરમ્યાન ઈડીએ તેમને બારી કે વેન્ટિલેશન વિનાની રૂમમાં રાખ્યા હતા.

પીએમએલએને સંબંધિત કેસની સુનાવણી માટે નિમાયેલા સ્પેશ્યલ કોર્ટના જજ એમ. જી. દેશપાંડેને સંજય રાઉતે ગઈ કાલે ઉપરોક્ત બાબત જણાવી હતી. દરમ્યાન કોર્ટે સંજય રાઉતની કસ્ટડી ૮ ઑગસ્ટ સુધી લંબાવી છે.

ઈડીએ ગોરેગામમાં આવેલી પત્રા ચાલના પુન:નિર્માણમાં કથિત નાણાકીય ગેરરીતિ તેમ જ એને સંબંધિત નાણાંની લેવડદેવડ તેમનાં પત્ની અને કથિત સહયોગીના નામે કરવા સંદર્ભે રવિવારે મધરાતે શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતની ધરપકડ કરી હતી.

સોમવારે કોર્ટે તેમને ૪ ઑગસ્ટ સુધી ઈડીની કસ્ટડીમાં રિમાન્ડનો આદેશ આપ્યો હતો. રિમાન્ડના અંતે એજન્સીએ ગઈ કાલે વિશેષ કોર્ટમાં રજૂ કરતાં તેમની ઈડી કસ્ટડી ૮ ઑગસ્ટ સુધી લંબાવી હતી.

વિશેષ સરકારી વકીલ હિતેન વેનેગાંવકરે ઈડી વતી કોર્ટને જણાવ્યું હતું કે સંજય રાઉતને એસી રૂમમાં રાખ્યા હોવાથી એમાં બારી નહોતી. રાઉતે કોર્ટને જણાવ્યું હતું કે રૂમમાં એસી હતું, પરંતુ તેમની તબિયતને લીધે તેઓ એનો ઉપયોગ કરી શક્યા નહોતા. ઈડીએ કોર્ટને સંજય રાઉતને વેન્ટિલેશન ધરાવતી રૂમમાં રાખવાની ખાતરી આપી હતી.  સોમવારે ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે રાઉત અને તેમના પરિવારને હાઉસિંગ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કથિત ગેરરીતિઓમાંથી એક કરોડ રૂપિયાથી વધુની કિંમતની ગુનાની આવક પ્રાપ્ત થઈ છે. સંજય રાઉત શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિકટતમ સહયોગી અને સેનાના મુખ્ય પ્રવક્તા હોવા ઉપરાંત શિવસેનાના મુખપત્ર ‘સામના’ના કાર્યકારી એડિટર પણ છે.

mumbai mumbai news directorate of enforcement shiv sena sanjay raut