02 January, 2026 04:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય રાઉત ફાઇલ તસવીર
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે એક મોટું નિવેદન આપ્યું છે જેનાથી હવે વિવાદ ઊભો થયો છે. રાઉતે કહ્યું છે કે “મુંબઈમાં ‘જય શ્રી રામ’ના નારા સ્વીકારવામાં આવશે નહીં, અહીં ફક્ત ‘જય મહારાષ્ટ્ર’ જ સ્વીકારવામાં આવશે.” સંજય રાઉતે 15 જાન્યુઆરી 2026 ના રાજ રોજ મુંબઈમાં યોજાનારી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી (BMC Elections) માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ અને અન્ય અગ્રણી નેતાઓને સ્ટાર પ્રચારક તરીકે નિયુક્ત કરવાના ભાજપના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું મોદીને આ ચૂંટણીમાં ભાગ લેવાની જરૂર છે.
સંજય રાઉતે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પ્રચાર કરવા અસમર્થ છે. રાઉતે આરોપ લગાવ્યો હતો કે યોગી આદિત્યનાથ અને અન્ય રાજ્યના મુખ્ય પ્રધાનોને લાવીને વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાઉતે કહ્યું હતું કે જો કોઈ દાવો કરે છે કે મુંબઈમાં ફક્ત ‘જય શ્રી રામ’ જ સ્વીકારવામાં આવશે, તો તે સાચું નથી, મુંબઈમાં ફક્ત ‘જય મહારાષ્ટ્ર’ જ સ્વીકારવામાં આવશે. સંજય રાઉતનું આ નિવેદન BMC ચૂંટણી પહેલા આવ્યું છે, જેથી તેના પર હવે મહાયુતિના પક્ષો શું પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહેશે.
સંજય રાઉતે મરાઠી મેયરનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે ભાજપનો ઉદ્દેશ્ય મુંબઈમાં કોઈપણ ‘મરાઠી માણુસ’ને મેયર બનતા અટકાવવાનો છે. તેમણે દાવો કર્યો કે ભાજપ મુંબઈની ઓળખનો નાશ કરવાનું કાવતરું કરી રહી છે. રાઉતે કહ્યું કે MNS અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો સંયુક્ત મૅનિફેસ્ટો કાલે બહાર પાડવામાં આવશે. આ સાથે, દરેક જગ્યાએ સંયુક્ત રૅલીઓ પણ યોજાશે. આદિત્ય ઠાકરે અને અમિત ઠાકરે આના પર કામ કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી અને નાસિકમાં સંયુક્ત જાહેર રેલીઓ કરશે.
રાઉતે આરોપ લગાવ્યો કે કેટલાક બહારના લોકો મુંબઈને વેચવાનો અને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ લડાઈ ‘મુંબઈને બચાવવા’ માટે છે. સંજય રાઉતે એમ પણ કહ્યું કે પહેલા શિવસેના ભાજપને બેઠકો આપતી હતી, પરંતુ હવે શિંદે જૂથને ભાજપ સમક્ષ બેઠકો માટે ‘ભીખ’ માગવી પડી રહી છે. BMC ચૂંટણી માટે મતદાન 15 જાન્યુઆરી, 2026 ના રોજ થશે અને પરિણામો 16 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં મ્યુનિસિપલ ઇલેક્શન્સમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને મહાયુતિની ભવ્ય સફળતા પછી શિવસેના (UBT)ના પ્રવક્તા સંજય રાઉતે BJPની આકરી ટીકા કરી હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે ‘દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારે મળીને આ ઇલેક્શન્સમાં કુલ ૧૫ હજાર કરોડ રૂપિયા ઉડાવી દીધા હતા. તેમણે મતદારોમાં પૈસા વહેંચ્યા હતા અને પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા.’ સંજય રાઉતે એવા પણ સંકેત આપ્યા હતા કે ઠાકરે બંધુઓના ગઠબંધનની ગમે ત્યારે જાહેરાત કરવામાં આવી શકે છે.