રાજ્યસભામાં શરદ પવાર અને વિધાનપરિષદમાં ઉદ્ધવ ઠાકરેને મહા વિકાસ આઘાડી મોકલે એવાં સમીકરણ છે : સંજય રાઉત

21 February, 2026 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યસભામાં શરદ પવાર અને વિધાનપરિષદમાં ઉદ્ધવ ઠાકરેને મહા વિકાસ આઘાડી મોકલે એવાં સમીકરણ છે : સંજય રાઉત

ફાઇલ તસવીર

મહા વિકાસ આઘાડીના ઉમેદવાર રાજ્યસભાની ૭ બેઠકમાંથી એક પર ચૂંટાઈ શકે છે. રાજ્યસભા માટે શરદ પવારનું નામ આગળ આવી રહ્યું છે એ જ સમયે વિધાનપરિષદ માટે ઉદ્ધવ ઠાકરેનું નામ ચર્ચાઈ રહ્યું છે. સંજય રાઉતે આજે યોજાયેલી પત્રકાર-પરિષદમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

ત્રણેય પક્ષો બેસીને નક્કી કરશે કે મહારાષ્ટ્રનાં હિત અને ઓળખ માટે કોણ નેતૃત્વ કરશે? અલબત્ત નિર્ણય સર્વાનુમતે લેવામાં આવશે એમ કહેતાં સંજય રાઉતે કહ્યું હતું કે ‘આદિત્ય ઠાકરેએ જે કહ્યું એ સાચું છે. શરદ પવાર દેશના મોટા નેતા છે. કૉન્ગ્રેસ અને શિવસેનાના નેતાઓ રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. ઘણી બાબતો શરદ પવાર અને તેમની પાર્ટી શું ભૂમિકા લે છે એના પર નિર્ભર કરે છે. ત્રણેય પક્ષોએ સાથે મળીને નિર્ણય લેવો પડશે.’

ઉદ્ધવ ઠાકરે માટે વિધાનપરિષદમાં જવું બિલકુલ મુશ્કેલ નથી એમ કહેતાં સંજય રાઉતે કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન છે. તેઓ શિવસેનાના પક્ષના વડા છે. તેમને કારણે વિધાનપરિષદ અને રાજ્યસભા સંબંધિત નિર્ણયો એકસાથે લેવામાં આવશે. શિવસેનાનું સંખ્યાબળ વધુમાં વધુ ૨૦ છે. ત્યાર બાદ કૉન્ગ્રેસ પાસે ૧૬, શરદ પવારના પક્ષ પાસે ૧૦ અને અન્ય ઘટક પક્ષો મળીને આપણું સંખ્યાબળ લગભગ ૫૦ થવાનું છે. જીતવા માટે આપણને ૩૭ મતોની જરૂર છે એટલે કે આપણી પાસે પૂરતી સંખ્યા છે. આપણે બધા ઇચ્છીએ છીએ કે ઉદ્ધવ ઠાકરે વિધાનપરિષદમાં જાય. આ સંદર્ભે આગામી નિર્ણય ટૂંક સમયમાં લેવાશે.’

sanjay raut shiv sena uddhav thackeray sharad pawar nationalist congress party maha vikas aghadi political news news mumbai mumbai news maharashtra news