મારા પુત્રોને બદલે સંજય રાઉત તેના માલિકના પુત્રો શું કરે છે એનું ધ્યાન રાખે : નારાયણ રાણે

30 August, 2021 02:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવસેનાના મુખપત્રમાં અગ્રલેખમાં સતત ટીકા કરતાં સંજય રાઉત અમને બોલવા ઉશ્કેરી રહ્યા હોવાનું કેન્દ્રીય પ્રધાને કહ્યું

ફાઈલ તસવીર

જન આશીર્વાદ યાત્રામાં કેટલાંક સ્થળે બિલાડી આડી આવતાં અપશુકન થયું. હવે સામનાના અગ્રલેખો લખાઈ રહ્યા છે. પહેલાં પોતાના પુત્રો કેટલા પરાક્રમી છે તે જુઓ. સંજય રાઉતે પહેલાં માલિકના પુત્રો શું કરે છે જોવું જોઈએ. તે અમને બોલવા અને માહિતી કાઢવા માટે ઉશ્કેરી રહ્યા છે.

કોંકણમાં જન આશીર્વાદ યાત્રાના ગઈ કાલે છેલ્લા દિવસે નારાયણ રાણેએ સિંધુદુર્ગમાં પત્રકારો સાથેની વાતચીતમાં આવું કહ્યું હતું.

નારાયણ રાણેએ વધુમાં કહ્યું હતું કે સંજય રાઉતને લીધે શિવસેનાની અધોગતિ થઈ રહી છે. સામના અને શિવસેનાની છબી લોકોમાં જરાય સારી નથી. સામે આવે છે ત્યારે સારું સારું બોલે છે, પાછળથી ટીકા કરે છે. મારા પુત્રોની સરખામણી ન કરો. બન્ને હોંશિયાર અને સંસ્કારી છે. તમે મજબૂર કરશો તો હું મારા પ્રહાર છાપા દ્વારા કોણ ક્યાં બેસે છે, કોનો કયો કેસ છે એ જાહેર કરીશ.

કેન્દ્રીય પ્રધાને વધુમાં કહ્યું હતું કે અનિલ પરબ રાષ્ટ્રપતિની જેમ ધરપકડ કરવાનો આદેશ આપતા હતા. એ સમયે આંગળીને વેઢે ગણી શકાય એટલા જ શિવસૈનિકો હતા. મારી સામે બોલનારાઓને ઊંચું પદ મળે છે એનું ઉદાહરણ અહીંના સાંસદ છે. શિવસેનાને મોટી કરવામાં અમારો પણ સહયોગ છે. બાળાસાહેબને જોખમ હતું ત્યારે શરદ પવારે તેમને માતોશ્રી છોડવાનું કહ્યું હતું. એ સમયે બાળાસાહેબે મને આદેશ આપતાં હું મારી ટીમ લઈને માતોશ્રી પહોંચ્યો હતો. અનેક દિવસ ઊંઘ્યો નહોતો.

ઠાકરે પરિવારને ત્રાસ નહીં આપું

નારાયણ રાણેએ એક મરાઠી ન્યુઝ ચૅનલ સાથે કરેલી વાતચીતમાં ગઈ કાલે કહ્યું હતું કે તેમણે બાળાસાહેબ ઠાકરેને વચન આપ્યું હતું કે તે ઠાકરે પરિવારને ત્રાસ નહીં આપે. તેમણે આવું શા માટે કહ્યું હતું એ નહી કહી શકું. જોકે આજે જે થઈ રહ્યું છે એથી મારે બોલવું પડે છે. મને આવું કરવાની જરાય ઇચ્છા નથી. શિવસેનાએ આ બધું રોકવું જોઈએ. ઉદ્ધવ ઠાકરે સાથે વ્યક્તિગત રીતે મારા સંબંધ ખરાબ નથી. મારા કેસ બહાર કાઢવા હોય તો કાઢો. એ હત્યા કરવાનું કોણે કહ્યું હતું એની પણ તપાસ કરો. હું સમય આવ્યે એક-એક મામલો બહાર કાઢીશ. ઉદ્ધવ ઠાકરે સંજય રાઉતના માધ્યમથી બધું કરે છે. મારા કે મારા કુટુંબીજનો પર જો કોઈ બોલશે તો હું તેમને કેવી રીતે છોડું?

ઉદ્ધવ ઠાકરેએ ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશ જવું પડશે

નારાયણ રાણેએ ગઈ કાલે કહ્યું હતું કે બદનક્ષીના મામલામાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશ જવું પડશે. ‘ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ચપ્પલથી મારવા જોઈએ’ નિવેદન મામલે બદનક્ષીના કેસ દાખલ કરાઈ રહ્યા છે. આથી તેમને ઉત્તર પ્રદેશમાં જવાથી કેવો અનુભવ થશે એનો ખ્યાલ આવશે. તેઓ કેવા પ્રકારના મુખ્ય પ્રધાન છે? ઘરમાં બેસી રહીને માત્ર કાર્યક્રમોમાં જાય છે. તેમણે ઘરની બહાર નીકળવું જોઈએ. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથે એક કાર્યક્રમમાં ખડાઉ પહેરીને છત્રપતિ શિવાજી મહારાજના પૂતળાને હાર પહેરાવ્યો હતો એ વિશે ઉદ્ધવ ઠાકરેએ તેમની ટીકા કરીને તેમને ચપ્પલથી મારવાનું નિવેદન આપ્યું હતું, જેનો વિડિયો બીજેપીએ તાજેતરમાં વાઇરલ કર્યો હતો.

શિવસેના પતિની ધરપકડ કરશે એવું નહોતું વિચાર્યું : નીલમ રાણે

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેનાં પત્ની નીલમ રાણેએ કહ્યું હતું કે ‘મેં ક્યારેય નહોતું વિચાર્યું કે એક દિવસ શિવસેનાની આગેવાનીની સરકાર મારા પતિની ધરપકડ કરશે. તેમણે શિવસેનાને ૩૯ વર્ષ આપ્યા છે. તેઓ પોતાના એક ભૂતપૂર્વ નેતા સાથે આવું વર્તન કરી રહ્યા છે એટલે તેમને શું કહેવું જોઈએ એની સમજ નથી પડતી. આનાથી પણ મોટો આઘાત એ લાગ્યો છે કે અમારા મુંબઈના ઘરે અમારી વહુઓ અને તેમનાં બાળકો જ હતાં ત્યારે શિવસૈનિકોએ હુમલો કર્યો હતો. તેઓ આવું કેવી રીતે કરી શકે?’

mumbai mumbai news narayan rane shiv sena sanjay raut