✕

સંજય રાઉતે પત્ર લખ્યો તુકારામ મુંઢેને, કર્યા ચોંકાવનારા આક્ષેપો

29 September, 2026 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમારા અધિકારીઓ જબરા ભ્રષ્ટ છે લાખો રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે: મોટી-મોટી ફાર્મા કંપનીઓ BJPને ડોનેશન આપે છે એટલે એમના પર રેઇડ નથી પડતી એવો પણ આક્ષેપ

સંજય રાઉતે FDA કમિશનર તુકારામ મુંઢેને લખેલો પત્ર.

શિવસેના (UBT)ના નેતા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે સોમવારે મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)ના અધિકારીઓ પર ખંડણી ઉઘરાવવાનો અને હોટેલો તથા ક્વિક કૉમર્સ વ્યવસાયોનાં લાઇસન્સ રદ કરવાની ધમકી આપવાનો આરોપ મૂક્યો હતો તેમ જ તેમની સામે સ્વતંત્ર તપાસ કરવાની માગણી કરી હતી. આ બાબતે તેમણે FDAના કમિશનર તુકારામ મુંઢેને પત્ર લખીને ફરિયાદ કરી છે.

તુકારામ મુંઢે FDAના કમિશનર બન્યા એ પછી ભ્રષ્ટાચાર વધી ગયો છે એમ જણાવીને સંજય રાઉતે આક્ષેપ કર્યો હતો કે ‘મારી પાસે વિડિયો પુરાવા છે. તુકારામ મુંઢેની પાછળ જે ફોજ છે એ લૂંટ ચલાવે છે એના પર ધ્યાન આપવું જોઈએ. લાઇસન્સ કૅન્સલ કરવાની ધમકી આપીને પૈસા પડાવવામાં આવે છે. મારી પાસે અનેક પુરાવા છે. મોટી-મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર રેઇડ પાડવાનું કામ FDAનું છે, પણ એ બધી ભારતીય જનતા પાર્ટી (BJP)ને ડોનેશન આપે છે. એમની લૉબી છે. જો એમની સામે કોઈ કાર્યવાહી થશે તો તરત જ તુકારામ મુંઢેની બદલી થઈ જશે. પાર્ટી-ફન્ડમાં ફાર્મા કંપનીઓએ કરોડો રૂપિયાનું ડોનેશન આપ્યું છે એટલે એમના પર કાર્યવાહી થતી નથી, પરંતુ નાની રેસ્ટોરાં અને હોટેલ પર લાઇસન્સ કૅન્સલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. FDAના નીચેના લેવલના ઑફિસરો દ્વારા ભ્રષ્ટાચાર થાય છે એના પુરાવા છે.’ 


બાંદરાનું હેડક્વૉર્ટર અને થાણેની ઑફિસ ખંડણીના અડ્ડા બની ગયાં છે 

સંજય રાઉતે આક્ષેપ કર્યો છે કે FDAની કડક કાર્યવાહીને કારણે બાંદરાનું હેડક્વૉર્ટર અને થાણેની ઑફિસ ખંડણીના અડ્ડા બની ગયાં છે જ્યાં અધિકારીઓ ફરજિયાત કાનૂની નોટિસ આપવાની પ્રક્રિયાને બાજુ પર મૂકીને ગભરાયેલા વેપારીઓ પાસેથી લાખો રૂપિયા પડાવે છે. તેમણે લખ્યું છે કે નાગપુર, પુણે, સોલાપુર, વર્ધા અને છત્રપતિ સંભાજીનગરના અનેક વેપારીઓએ મારો સંપર્ક કરીને ક્લોઝિંગ નોટિસ દ્વારા મગાતી કથિત ખંડણી વિશે માહિતી આપી હતી. સંજય રાઉતે આક્ષેપ કરતાં કહ્યું હતું કે કેટલાક અધિકારીઓ FDAના ઇન્સ્પેક્શન અને દરોડાના આક્રમક અભિયાનનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે.


ડેઝિગ્નેટેડ ઑફિસરો લાઇસન્સ રીસ્ટોર કરવા ૧૭થી ૧૮ લાખ રૂપિયા પડાવતા હોવાનો દાવો


સંજય રાઉતે વધુમાં લખ્યું છે કે ડેઝિગ્નેટેડ ઑફિસરો, અસિસ્ટન્ટ કમિશનરો અને ફૂડ સેફ્ટી ઑફિસરો કથિત રીતે હોટેલો અને ક્વિક કૉમર્સ વ્યવસાયોને તેમનાં લાઇસન્સ રદ કરવાની ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે અને મોટા પાયે ખંડણી ઉઘરાવી રહ્યા છે.
વિવિધ કિસ્સાઓનો ઉલ્લેખ કરાને સંજય રાઉતે દાવો કર્યો હતો કે ‘થાણેમાં બે ડેઝિગ્નેટેડ ઑફિસરોએ એક ક્વિક કૉમર્સ કંપની પાસેથી રદ થયેલું લાઇસન્સ રીસ્ટોર કરવા માટે ૧૭થી ૧૮ લાખ રૂપિયા પડાવ્યા હતા. અન્ય એક કિસ્સામાં ઉંદર વિશેની સોશ્યલ મીડિયાની પોસ્ટના આધારે એક હોટેલનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. જોકે અધિકારીઓને તપાસ દરમ્યાન વાસ્તવમાં કોઈ ઉંદર મળ્યો નહોતો. મોટા ભાગના દરોડા ગ્રાહકોની ફરિયાદોના આધારે શરૂ કરવામાં આવે છે અને આવી ફરિયાદો સાચી છે કે બનાવટી એની કોઈ સ્વતંત્ર ચકાસણી કરવામાં આવતી નથી.’

ક્લોઝિંગ નોટિસના રેટમાં પણ વધારો થયો હોવાનો દાવો

તુકારામ મુંઢે બાંદરા, થાણે અને અન્ય વિભાગોમાં ચાલતાં ક્લોઝિંગ નોટિસ રેટ-કાર્ડ્સ તેમ જ રદ થયેલા લાઇસન્સને રીસ્ટોર કરવાના કેસોની તાત્કાલિક સ્વતંત્ર તપાસ શરૂ કરે એમ જણાવીને સંજય રાઉતે કહ્યું હતું કે તુકારામ મુંઢે FDAના કમિશનર બન્યા એ પહેલાં ક્લોઝિંગ નોટિસ માટેનો સામાન્ય ભાવ ૧૦,૦૦૦થી ૧૨,૦૦૦ રૂપિયા હતો, પરંતુ આ IAS અધિકારીએ ભયનું વાતાવરણ ઊભું કર્યા પછી એ વધીને ૭૫,૦૦૦થી બે લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે.
સંજય રાઉતે કાયદાકીય રીતે નોટિસ-હિયરિંગ-સસ્પેન્શનની પ્રક્રિયાને અવગણતા અધિકારીઓ સામે તાત્કાલિક શિસ્તભંગનાં પગલાં લેવાની પણ માગણી કરી હતી. FDAએ દરેક લાઇસન્સ સ્થગિત કરવાની અને ત્યાર બાદ એને રીસ્ટોર કરવાની કાર્યવાહી માટેનાં કારણો, તારીખો અને સુનાવણીની સમરી જાહેર કરવી જોઈએ એવી માગણી તેમણે કરી હતી. 


તુકારામ મુંઢેએ પોતાના ડિપાર્ટમેન્ટની સફાઈ કરવી જરૂરી


તમે (તુકારામ મુંઢે) કહો છો કે વ્યવસ્થામાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ જો તમારા પોતાના અધિકારીઓ પર જ કોઈ નિયંત્રણ ન હોય તો આ સુધારો અધૂરો ગણાય એમ જણાવીને સંજય રાઉતે વધુમાં લખ્યું હતું કે ‘ઉદ્યોગસાહસિકોના એક મોટા વર્ગ દ્વારા વપરાતી ભાષા મુજબ FDAના અધિકારીઓ હવે માત્ર પૈસાની માગણી જ નથી કરી રહ્યા, જેને ખુલ્લી લૂંટ કહી શકાય એવી પ્રવૃત્તિમાં સામેલ છે. તમે આ બાબતને અવગણી શકો નહીં એટલે પહેલાં તમારા ડિપાર્ટમેન્ટની સફાઈ કરો એ જરૂરી છે.’

તુકારામ મુંઢેએ જોવું જોઈએ કે તેમનું લશ્કર ક્યાં લડી રહ્યું છે

સંજય રાઉતે સોશ્યલ મીડિયામાં વધુમાં કહ્યું હતું કે ‘તુકારામ મુંઢે પર મારો કોઈ જ આક્ષેપ નથી, પણ જ્યારે આપણો ઘોડો પૂરઝડપે દોડીને આગળ નીકળી જતો હોય ત્યારે થોડું થોભીને પાછું પણ જોવું જોઈએ કે આપણું લશ્કર ક્યાં લડી રહ્યું છે, એ સૈન્ય અને એના સૂબા કેવી લૂંટ ચલાવી રહ્યા છે. તમે હાલ પ્રસિદ્ધિમાં છો અને તમે કરેલી કાર્યવાહીને કારણે જનતાને પણ ફાયદો થયો છે. લોકોને હોટેલમાં પીવાનું સ્વચ્છ પાણી મળી રહ્યું છે, કિચન સ્વચ્છ થયાં છે, ભેળસેળવાળા દૂધ અને પનીર પર કન્ટ્રોલ આવ્યો છે. ઘણીબધી જગ્યાએ જે ખોટું થઈ રહ્યું હતું એ અટકી ગયું છે. એ માટે તુકારામ મુંઢેને અભિનંદન આપવાં જ જોઈએ.’

mumbai news mumbai sanjay raut food and drug administration tukaram mundhe maharashtra government maharashtra news maharashtra