ગર્લફ્રેન્ડની નજરો સામે જ ગુજરાતી યુવાન બન્યો કાળનો કોળિયો

30 December, 2014 03:27 AM IST  | 

ગર્લફ્રેન્ડની નજરો સામે જ ગુજરાતી યુવાન બન્યો કાળનો કોળિયો




રોહિત પરીખ

માઇન્ડ ફ્રેશ કરવા મોડી રાતના બાઇક પર મરીન ડ્રાઇવ ફરવા ગયેલાં બે મિત્રો સવારે તેમના ઘરે પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે ઘાટકોપર (વેસ્ટ)ની પાઇપલાઇન પાસે એક ટ્રક સાથે અકસ્માત થતાં ૨૩ વર્ષના સંજય મકવાણાનું ગઈ કાલે સવારે ૫.૩૦ વાગ્યે મૃત્યુ થયું હતું. સંજયના મૃત્યુથી મકવાણાપરિવારે તેમનો આધાર અને બે નાની બહેનોએ તેમનો એકનો એક ભાઈ ખોઈ દેતાં મકવાણાપરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

ઘાટકોપરમાં રહેતી અને નજીકની કૉલેજમાં ભણતી ૧૮ વર્ષની ભાવના પટેલ અને સાકીનાકામાં રહેતો સંજય મકવાણા છ મહિનાથી મિત્રો હતાં. ભાવનાના પિતા મૃત્યુ પામ્યા છે અને સંજયના પિતા બીમાર રહે છે. ભાવનાની મમ્મી બહારનાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. શનિવારે રાતના અગિયાર વાગ્યે બન્ને મિત્રો સંજયની બાઇક પર મરીન ડ્રાઇવ ફરવા ગયાં હતાં. વહેલી સવારે ફરીને પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે ઘાટકોપર (વેસ્ટ)માં માણેકલાલ એસ્ટેટ પાસેની પાઇપલાઇન પાસે એક ટ્રક તેમની બાઇક સાથે અથડાતાં ભાવના ઊછળીને નજીકના ઝાડ સાથે અથડાઈ હતી અને તેને કપાળ પર મામૂલી ઈજા થઈ હતી, જ્યારે સંજય ટ્રકના ટાયર નીચે આવી ગયો હતો અને ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયો હતો. આ બનાવની માહિતી આપતાં કામા લેનમાં રહેતી ભાવના પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ફરવા જતાં પહેલાં સંજયના પપ્પાને દવા આપવા તેના ઘરે ગયાં હતાં. ત્યાર પછી અમે ફરવા ગયાં હતાં. પાછાં આવતી વખતે ટ્રક કેવી રીતે અમને અથડાઈ એની મને ખબર નથી, પણ હું ઊછળીને નજીકના ઝાડ પાસે જઈને પડી હતી; જ્યારે સંજય ટ્રકના ટાયર નીચે આવી ગયો હતો. એ સમયે મને મદદ કરવાવાળું ત્યાં કોઈ નહોતું. હું ટ્રક પાછળ લેવા માટે બૂમ પાડતી રહી, પણ ડ્રાઇવર ટ્રક પાછળ લેવામાંં સફળ થયો નહોતો. આથી ક્લીનર અને ડ્રાઇવર ત્યાંથી ભાગી ગયા હતા. હું ચિલ્લાવતી રહી હતી. આખરે થોડી વાર પછી જૉગિંગ કરવા નીકળેલા એક ભાઈ અને રિક્ષા-ડ્રાઇવરે આવીને સંજયને બહાર ખેંચી કાઢ્યો હતો. સંજયના શરીરમાંથી ખૂબ જ લોહી નીકળતું હતું. હું અને રિક્ષા-ડ્રાઇવર તેને લોહીલુહાણ હાલતમાં જ રાજાવાડી હૉસ્પિટલ લઈ ગયા. ત્યાં ડૉક્ટરે સંજયને તપાસીને ડેડ જાહેર કર્યો હતો. સંજયનો હાથ ફાટી ગયો હતો. માથામાં, ખભા પર અને ગાલ પર ખૂબ જ માર લાગ્યો હતો. ગાલ અને ખભા પર ખાડો પડી ગયો હતો. ત્યાર પછી મેં સંજયનાં મમ્મીને આખી ઘટનાની જાણ કરી હતી.’

સાકીનાકાના નાઇન્ટી ફીટ રોડની ચાલમાં રહેતા સંજય મકવાણાના પિતા TB પેશન્ટ છે.  સંજયની નાની બહેન સંજનાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સંજય ઇવેન્ટ્સનું કામ કરતો હતો. અમારા ઘરની બધી જ જવાબદારી પપ્પા બીમાર રહેતા હોવાથી તેના પર હતી. અમે બે બહેનોનો તે એકનો એક ભાઈ હતો. ઘરમાં તે મોટો હતો. તેના જવાથી અમારા પરિવારનો આધાર જતો રહ્યો છે.’

ઘાટકોપર પોલીસે રવિવારે સવારે ટ્રકનો કબજો લઈને ડ્રાઇવર અને ક્લીનરની તપાસ કરી હતી. ગઈ કાલે ડ્રાઇવર અજય મૌર્ય પોલીસને શરણે થયો હતો.