29 May, 2025 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવસેનાના નેતા સંજય નિરુપમે સોશ્યલ મીડિયામાં આ કાર્ટૂન મૂક્યું હતું.
સોમવારે ભારે વરસાદને કારણે દક્ષિણ મુંબઈમાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી એ વિશે આદિત્ય ઠાકરેએ શિવસેનાપ્રમુખ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ટીકા કરીને તેમને ભ્રષ્ટનાથ કહ્યા હતા. ચોમાસા માટે રાજ્ય સરકારે અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ કોઈ તૈયારી નથી કરી અને મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એવો આરોપ આદિત્ય ઠાકરેએ કર્યો હતો. આ વિશે શિવસેનાના વરિષ્ઠ નેતા અને મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય સંજય નિરુપમે ગઈ કાલે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ કરીને આદિત્ય ઠાકરેને સવાલ કર્યો હતો અને પોસ્ટમાં એક પોસ્ટર કાર્ટૂન મૂક્યું હતું જેમાં આદિત્ય ઠાકરેને ભ્રષ્ટાદિત્ય ચીતરવામાં આવ્યા છે. સંજય નિરુપમે પોસ્ટમાં લખ્યું હતું કે ‘મીઠી નદીની સફાઈના કૌભાંડમાં આદિત્ય ઠાકરેની ભૂમિકા શું હતી? ૨૦ વર્ષથી મીઠી નદી સાફ કરવામાં આવી રહી છે, પણ હજી સુધી સાફ નથી થઈ શકી. અત્યાર સુધી મીઠી નદીને સાફ કરવા માટેના કૉન્ટ્રૅક્ટ માતોશ્રીની પરવાનગીથી આપવામાં આવ્યા છે.’