નૉર્થ મુંબઈના કૉન્ગ્રેસી ઉમેદવાર સંજય નિરુપમ માટે મુખ્ય પ્રધાન આવ્યા મેદાનમાં

21 April, 2014 06:44 AM IST  | 

નૉર્થ મુંબઈના કૉન્ગ્રેસી ઉમેદવાર સંજય નિરુપમ માટે મુખ્ય પ્રધાન આવ્યા મેદાનમાં


પૃથ્વીરાજ ચવાણે લોકોને સંબોધતાં અને સંજય નિરુપમને ફરીથી ચૂંટી કાઢવાનું આહ્વાન કરતાં કહ્યું હતું કે ‘લોકોના પ્રશ્નો ઉકેલનારા, લોકો સાથે સતત સંપર્કમાં રહેનારા સંજય નિરુપમ જેવા અનુભવી સંસદસભ્યને લોકસભામાં પહોંચાડશો તો આપણા તમામનો અવાજ તેઓ સંસદમાં ઉઠાવશે એમાં કોઈ શંકા નથી. નૉર્થ મુંબઈ મતદારસંઘના નાગરિકોએ કોઈ પણ જાતના પ્રલોભનનો શિકાર ન બનતાં નૉર્થ મુંબઈના સવાર઼્ગી વિકાસ માટે દોડધામ કરનારા સંસદસભ્ય સંજય નિરુપમને પ્રચંડ મતોથી વિજયી બનાવીને ફરીથી લોકસભામાં મોકલો.’

વિકાસની બાબતમાં ગુજરાત કરતાં મહારાષ્ટ્ર આગળ છે અને વિકાસના દાવા બાબતે ખુલ્લી ચર્ચા કરવા નરેન્દ્ર મોદીને આહ્વાન કરતાં પૃથ્વીરાજ ચવાણે વધુમાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસની સરકાર હતી ત્યારે જ ગુજરાતનો વિકાસ થયો હતો. હવે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં જ વિકાસ થયો છે એવું જણાવવામાં આવે છે. ગુજરાતનો વિકાસ માર્કેટિંગની ટેક્નિકથી કરવામાં આવ્યો છે એમ છતાં વિકાસની સરખામણી કરવામાં આવે તો મહારાષ્ટ્ર ગુજરાત કરતાં આગળ છે. મહારાષ્ટ્ર તથા ગુજરાત એક જ સમયે સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યાં એમ છતાં મહારાષ્ટ્ર વિકાસમાં ગુજરાત કરતાં આગળ જ રહ્યું છે. છેલ્લાં ૧૦ વર્ષમાં કૉન્ગ્રેસે દેશની પ્રગતિ કરી. પાંચ વર્ષમાં ભારતીયો માટે સારી યોજનાઓ શરૂ કરવામાં આવી અને હજી વધુ યોજનાઓ શરૂ કરવામાં આવશે. વિકાસના મુદ્દા પર ચર્ચા કરવી હોય તો નરેન્દ્ર મોદીએ તેમની સાથે ચર્ચા કરવી જોઈએ.’

આ જાહેર સભામાં વિધાનસભ્ય રમેશસિંહ ઠાકુર, મુંબઈ કૉન્ગ્રેસના જિલ્લા અધ્યક્ષ ઍડ્વોકેટ અશોક સુત્રાળે, જિલ્લા પ્રતિનિધિ ભૂષણ પાટીલ, કૉર્પોરેટર અજંતા યાદવ, કૉર્પોરેટર યોગેશ ભોઈર, બ્લૉક અધ્યક્ષ રાજપતિ યાદવ, રશ્મિ મેસ્ત્રી, ડૉ. કિશોર સિંહ, ભરત પારેખ, યોગેશ દુબે તથા કૉન્ગ્રેસ-NCP અલાયન્સના વૉર્ડ અધ્યક્ષ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.