સંજય નિરુપમે હવે ઉદ્ધવ ઠાકરેનાં પત્ની રશ્મિ ઠાકરેનું નામ ઉછાળ્યું

03 August, 2016 05:28 AM IST  | 

સંજય નિરુપમે હવે ઉદ્ધવ ઠાકરેનાં પત્ની રશ્મિ ઠાકરેનું નામ ઉછાળ્યું



મહારાષ્ટ્રના ગૃહનિર્માણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન રવીન્દ્ર વાયકરનાં પત્ની મનીષા અને શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેનાં પત્ની રશ્મિને નામે રાયગડ જિલ્લામાં ૯૦૦ કરોડ રૂપિયાની સાડાછ લાખ સ્ક્વેર ફુટ જમીનની ખરીદીની અને એ ખરીદીનાં નાણાં કેવી રીતે આવ્યાં એની તપાસ કરવાની માગણી કૉન્ગ્રેસના નેતા સંજય નિરુપમે કરી છે. ઉદ્ધવ ઠાકરે અને રવીન્દ્ર વાયકરની પત્નીઓને નામે જમીનપ્રાપ્તિના શંકાસ્પદ વ્યવહારનો ઢાંકપિછોડો કરવાનો આરોપ મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ સંજય નિરુપમે મૂક્યો છે.


આરોપોના સમર્થનમાં દસ્તાવેજો હોવાનો દાવો કરનારા સંજય નિરુપમે ગઈ કાલે પત્રકાર-પરિષદમાં જણાવ્યું હતું કે ‘કોંકણમાં રાયગડ જિલ્લાના મુરુડ તાલુકાના કોલાઈ ગામમાં રશ્મિ ઉદ્ધવ ઠાકરે અને મનીષા રવીન્દ્ર વાયકરના નામે ૧૧૦ એકર જમીનની ખરીદીના સાત-બારાના ઉતારા (માલિકીનો સરકારી રેકૉર્ડ) મારી પાસે છે. એ જમીન ખરીદવાનાં નાણાં ક્યાંથી આવ્યાં એની તપાસ જરૂરી છે. કોઈ પણ રાજકારણી બિઝનેસ કરે કે અંગત સંબંધો રાખે એની સામે મને કોઈ વાંધો નથી, પરંતુ અહીં કૉનફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટનો મુદ્દો બને છે.’