બોરીવલી નૅશનલ પાર્ક આખરે સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો

17 December, 2020 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોરીવલી નૅશનલ પાર્ક આખરે સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો

ફાઈલ તસવીર

મિશન બિગીન અગેઇન હેઠળ કોરોનાની મહામારીના કારણે જાહેર ફરવાના બંધ કરાયેલાં સ્થળોને હવે તબક્કાવાર ખોલવામાં આવી રહ્યાં છે. મુંબઈગરાના માનીતા બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્કને મંગળવારથી સહેલાણીઓ માટે સાડાઆઠ મહિના બંધ રહ્યા બાદ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સહેલાણીઓને સવારે ૮.૩૦થી સાંજે ૬ વાગ્યા દરમ્યાન પાર્કમાં ફરવા મળી શકશે. જોકે હાલ થોડી શરતો પણ રાખવામાં આવી છે જેમ કે કોઈ પણ ખાનગી વાહનને અંદર લઈ જવાની હાલ પરવાનગી અપાઈ નથી. ખાનગી વાહનો માટે મેઇન ગેટથી અંદર પે અૅન્ડ પાર્કની સુવિધા રાખવામાં આવી છે. જોકે દરેક સહેલાણીએ માસ્ક પહેરવો ફરજિયાત રહેશે. એ ઉપરાંત થર્મલ ગનથી ટેમ્પરેચર પણ ચેક કરાશે. હાલ વાઘ-સિંહ સફારી અને બોટિંગ પણ બંધ રાખવામાં આવ્યું છે. 

રોજ જોગિંગ અને કસરત કરવા માગતા લોકો માટે ૧૫ ઑક્ટોબરથી સંજય ગાંધી નૅશનલ પાર્ક ખુલ્લો મુકાયો હતો. એ પછી સામાન્ય સહેલાણીઓ માટે પણ એ ખુલ્લો મૂકવાની વિચારણા ચાલી રહી હતી, પણ દિવાળી પછી કદાચ સેકન્ડ વેવ આવવાની શક્યતા હતી એથી થોડી રાહ જોવાઈ હતી પણ હવે એ ખતરો ન જણાઈ રહ્યો હોવાથી નૅશનલ પાર્ક સહેલાણીઓ માટે ખુલ્લો કરાયો છે.

 ઉલ્લેખનીય છે કે ઉત્તર મુંબઈમાં સંજય ગાંધી નૅશનલ પાર્ક અેકમાત્ર અેવું સ્થળ છે જ્યાં લોકો કુદરતી વાતાવરણની મજા માણી શકે છે. માર્ચ મહિનામાં કોરોનાને લીધે લૉકડાઉન કરાયા બાદથી અહીં મૉર્નિંગ વૉક કરનારાઓથી માંડીને મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. જો કે મિશન બિગીન અગેઈનના ભાગરૂપે મૉર્નિંગ વૉક કરનારાઓને છેલ્લાં કેટલાંક સમયથી  છૂટ અપાઈ હતી. હવે જ્યારે મુંબઈમાં કોરોનાનું જોખમ થોડું ઓછું થયું હોવાથી સામાન્ય લોકોને પણ પ્રવેશ આપવાની મંજૂરી અપાઈ છે.

mumbai mumbai news sanjay gandhi national park borivali