મેઘવાળ જ્ઞાતિની પંચાયતનો વિચિત્ર ફતવો

12 December, 2012 03:21 AM IST  | 

મેઘવાળ જ્ઞાતિની પંચાયતનો વિચિત્ર ફતવો



વરુણ સિંહ

મુંબઈ, તા. ૧૨

મેઘવાળ સમાજની એક મહિલાએ પતિના મૃત્યુ બાદ બીજાં લગ્ન કરવાની શરત તરીકે પોતાની ત્રણ વર્ષની દીકરી સાથેના પોતાના સંબંધનું બલિદાન આપીને તેને પોતાના દિવંગત પતિના ઘરવાળાઓનો સોંપી દેવી પડશે એવો શૉકિંગ ચુકાદો મુંબઈમાં તેમના સમાજની પંચાયતે આપ્યો હોવાની માહિતી મળી છે. આ કિસ્સાની વિગતો મુજબ મુંબઈમાં મેઘવાળ સમાજની લગભગ ૧૪ લાખની વસતિ છે અને એમાં માત્ર તુલસીવાડી વિસ્તારમાં જ આ સમાજની લગભગ દસ હજાર વ્યક્તિઓ રહે છે. આ સમાજની સંજના ચૌહાણના પોતાના જ સમાજના ભરત મારુ સાથે ૨૦૦૯માં લગ્ન થયાં હતાં અને લગ્ન પછી સંજનાએ ૧૯ ડિસેમ્બરે દીકરીને જન્મ આપ્યો હતો, પણ ૩૧ ડિસેમ્બરે ટ્યુબરક્યુલોસિસના કારણે તેના પતિનું અવસાન થયું હતું.

બાવીસ વર્ષની સંજના ચૌહાણના પતિનું ૨૦૦૯માં અવસાન થઈ ગયું હતું અને ત્યારે તેની દીકરી કુમકુમ (નામ બદલ્યું છે)ની વય માત્ર તેર દિવસની જ હતી. પતિના મૃત્યુ પછી સંજનાએ તાડદેવના તુલસીવાડી વિસ્તારમાં તેની માતા સાથે જ રહેવાનું પસંદ કર્યું હતું. હવે સંજનાએ પતિના અવસાનનાં ત્રણ વર્ષ પછી જીવનમાં આગળ વધવા માટે તેના જ વિસ્તારમાં રહેતી અન્ય વ્યક્તિ સાથે પુન: લગ્ન કરી લીધાં છે ત્યારે તેમના સમાજની પંચાયત ‘તુલસીવાડી મેઘવાળ સમાજ’એ ૧૯ ડિસેમ્બરે ત્રણ વર્ષ પૂરાં કરનારી તેની દીકરીને પહેલાં તેના સદ્ગત પતિના પરિવારજનોને સોંપવાનો અને પછી તેને મરજી ફાવે એમ કરવાનો આદેશ આપ્યો છે. હકીકતમાં સંજનાએ પહેલી ડિસેમ્બરે જ્યારે પંચાયતમાં પોતાના મૃત પતિના પરિવારથી ડિવૉર્સ લેવા માટે અરજી કરી ત્યારથી જ આ વિવાદની શરૂઆત થઈ ગઈ હતી.

સંજનાની વ્યથા

પોતાની વ્યથા જણાવતાં સંજના કહે છે કે ‘આટલાં વર્ષો સુધી હું, મારી માતા અને મારી દીકરી ભારે મુશ્કેલીમાં સમય પસાર કરી રહ્યાં હતાં ત્યારે કોઈ પંચાયત કે પછી મારા મૃત પતિના પરિવારજનો મારી કે પછી મારી દીકરીની સંભાળ રાખવા આગળ નહોતાં આવ્યાં અને હું મારી દીકરીનું એકલા હાથે ભરણપોષણ કરી શકું છું કે નહીં એ જાણવાની દરકાર નહોતી કરી. હવે જ્યારે મારી દીકરીને પિતા મળી ગયા છે ત્યારે પંચાયતે મને મારી દીકરી તેનાં દાદા-દાદીને સોંપી દેવાનો આદેશ આપ્યો છે અને જો હું આવું ન કરું તો મારો અને મારા પરિવારનો નાતમાંથી બહિષ્કાર કરવાની ધમકી પણ આપી છે. મારા બીજા પતિએ મારી દીકરીની જવાબદારી સ્વીકારી છે અને પાલક પિતા તરીકે તે આખું જીવન તેની જરૂરિયાતો પૂરી કરવા માટે તૈયાર છે ત્યારે હું મારી દીકરીને મારાથી દૂર કરવા નથી માગતી.’

પંચાયતનો ચુકાદો


પંચાયતના સેક્રેટરી મહેન્દ્ર રાભડિયાએ સ્વીકાર્યું છે કે સંજનાએ પંચાયતનો સંપર્ક કર્યો હતો અને પંચાયતે તેની બાળકીને તેનાં દાદા-દાદીને સોંપી દેવાનો આદેશ આપ્યો છે. પંચાયતના આદેશ પાછળનું કારણ આપતાં તેઓ જણાવે છે કે ‘માતાએ પુન: લગ્ન કયાર઼્ છે, જેના કારણે તેણે પોતાના મૃત પતિના પરિવારથી તલાક લેવા માટે પંચાયતમાં અરજી કરી હતી. અમે તેને જણાવ્યું છે કે તે બાળકીને તેનાં દાદા-દાદીને સોંપીને ફરીથી લગ્નજીવન માણી શકે છે. પિતાના અવસાન પછી બાળકી પર પિતાના પરિવારનો હક છે અને બાળકીનો પણ પિતાની મિલકતમાં હક છે. શક્ય છે કે તેના પાલક પિતા તેની યોગ્ય રીતે સંભાળ ન પણ લે.’

જોકે પંચાયતના આ નિર્ણયને કોઈ કાયદાકીય ટેકો નથી મળતો. આ પ્રકારના કેસના ઉકેલ કરવા માટે પ્રખ્યાત ઍડ્વોકેટ મનીષા તુલપુલેનો આ કેસના ઉકેલ માટે પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓ કહે છે કે ‘કાયદા પ્રમાણે જ્યાં સુધી માતા જીવિત હોય ત્યાં સુધી બાળક પર તેનો જ હક હોય છે. કયા આધાર પર પંચાયત માતાને તેના બાળકને બીજા કોઈને સોંપવાનો આદેશ કરી શકે? જો દાદા-દાદી બાળકની કસ્ટડી ઇચ્છતાં હોય તો તેમણે ન્યાય માટે કોર્ટનો સંપર્ક કરવો જોઈએ, પંચાયતનો નહીં. જો સંજના કોર્ટનો સંપર્ક કરશે તો ચોક્કસ ન્યાય મળશે.’

શું છે આ પરિવાર સાથેના ડિવૉર્સ?

મહેન્દ્ર રાભડિયાએ આપેલી માહિતી પ્રમાણે ‘મેઘવાળ સમુદાય વર્ષોથી એક ખાસ પ્રણાલીનું પાલન કરી રહ્યો છે, જે પ્રમાણે જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેની વિધવાએ પુન: લગ્ન કરવા માટે પહેલાં મૃત પતિના પરિવાર પાસેથી પરવાનગી લેવી પડે. આ પરવાનગી મૌખિક પણ હોઈ શકે છે. અમે સંજનાના કિસ્સામાં એનો યોગ્ય ઉકેલ લાવવાનો બહુ પ્રયાસ કર્યો અને એના ભાગરૂપે જ તેની દીકરીને તેનાં દાદા-દાદીને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.’

આ નિર્ણયથી અપસેટ સંજના કહે છે કે ‘મને મૃત પતિના પરિવારની સંપત્તિમાંથી કંઈ નથી જોઈતું. હું એ પરિવાર સાથેના તમામ સંબંધ તોડી નાખવા માગું છું અને એટલે જ મેં પંચાયતનો સંપર્ક કર્યો હતો. જોકે તેના નિર્ણયને કારણે મારા જીવનની તમામ ખુશી ઝૂંટવાઈ ગઈ છે. મને કોઈ પૈસો કે ભરણપોષણ નથી જોઈતું, પણ મારી દીકરી પાછી જોઈએ છે. મને ખબર પડી કે તેઓ ૧૯ ડિસેમ્બરે મારી દીકરી ત્રણ વર્ષની થઈ જશે પછી તેને પાછી લઈ જવાનું આયોજન કરી રહ્યા છે.’

કે. જે. સોમૈયા = કરમશી જેઠાલાલ સૌમેયા