કોરોના રોકવા કલ્યાણ-ડોમ્બિવલી પાલિકા દ્વારા જબરદસ્ત સૅનિટાઇઝેશન અભિયાન

27 July, 2020 01:25 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

કોરોના રોકવા કલ્યાણ-ડોમ્બિવલી પાલિકા દ્વારા જબરદસ્ત સૅનિટાઇઝેશન અભિયાન

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના કેસમાં વધારો થતાં કલ્યાણ-ડોમ્બિવલી મહાનગર પાલિકા (કેડીએમસી)એ પાલિકા હદમાં આવતા મોટા ભાગના વિસ્તારોના રસ્તા સૅનિટાઇઝ કરવાનું અભિયાન રવિવારે હાથ ધર્યું હતું.
કેડીએમસી દ્વારા કોરોનાનો ફેલાવો થાય નહીં એ માટે બધા જ રસ્તા, કેન્ટેઇનમેન્ટ ઝોન, સ્લમ વિસ્તારો, કૉમ્પ્લેક્સમાં સૅનિટાઇઝરનો છંટકાવ અને ફૉગિંગ કરાતું જ હતું, પણ રવિવારે બધી જ યંત્રણાઓને એકસાથે લાવી આ અભિયાન હાથ ધરાયું હતું. કલ્યાણવાસીઓ અને ડોમ્બિવલીના રહેવાસીઓને એથી રવિવારે રસ્તાઓ ખાલી રાખવા આગોતરી જાણ પણ કરાઈ હતી અને જ્યારે સૅનિટાઇઝરનો છંટકાવ થતો હોય ત્યારે ઘરમાં રહેવા અપીલ કરાઈ હતી.
ગઈ કાલના પહેલા તબક્કામાં કલ્યાણ-વેસ્ટના 2-બી અને 3–સી વિસ્તારમાં સવારના ૭થી બપોરેના બે અને ડોમ્બિવલી-ઈસ્ટના ઈ, એફ, જી અને આઇ વૉર્ડમાં બપોરના બે વાગ્યાથી સાંજ સુધી આ અભિયાન હાથ ધરાયું હતું. સવારના ૭ વાગ્યે કેડીએમસીનાં મેયર વિનિતા રાણે, મ્યુનિસિપલ કમિશનર ડૉ. વિજય સૂર્યવંશી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં આ અભિયાન શરૂ કરાયું હતું.
ફાયરબ્રિગેડનાં ૭ ફાયર એન્જિનમાં સોડિયમ હાઇડ્રોક્લોરાઇડ ભરી એનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડના ૩૫ કર્મચારીઓ એ કામમાં સામેલ થયા હતા, જ્યારે કેડીએમસીના સોલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટનાં ૩૧ સિટી ગાર્ડ જેટ મશીન, ૪ જીપ માઉન્ટેડ ફૉગિંગ મશીન તેમ જ નાની અને સાંકડી ગલીઓમાં પાંચ હેન્ડ પંપ મશીન અને ૩૫ બેન્ડ ફૉગિંગ મશીનથી ધુમાડો કરાયો હતો. વૉર્ડના બધા જ આરોગ્ય ઑફિસરો અને ૧૦૦ જેટલા કર્મચારીઓ અને બીએમસીના અન્ય કર્મચારીઓની મદદથી આ વિસ્તારોમાં આ અભિયાન ચલાવાયું હતું.

mumbai mumbai news kalyan dombivli coronavirus covid19