ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા દબાણ કરતાં હતાં સાસરિયાં પ્રેગ્નન્ટ હિન્દુ મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો

12 June, 2025 10:32 AM IST  |  Sangli | Gujarati Mid-day Correspondent

આ કેસમાં પોલીસે મહિલાના પતિ અને સાસુ-સસરાની ધરપકડ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

સાંગલી જિલ્લામાં રહેતી ૨૮ વર્ષની પરિણીતાને તેનાં સાસરિયાં વારંવાર ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું દબાણ કરતાં હતાં તેમ જ દહેજ માટે હેરાન કરતાં હતાં, જેનાથી કંટાળીને તેણે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ મહિલા ૪ મહિનાની ગર્ભવતી હતી. આ કેસમાં પોલીસે મહિલાના પતિ અને સાસુ-સસરાની ધરપકડ કરી છે.

ઋજુતા રાજગે નામની આ મહિલાના પિતાએ પોલીસ-ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘ઋજુતાને તેનાં સાસરિયાં શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હતાં અને તેમનું ઘર બનાવવા માટે પિતાના ઘરેથી પૈસા લાવવાનું દબાણ કરતાં હતાં. તેઓ હિન્દુ ઢાંગર જ્ઞાતિના હોવા છતાં ઋજુતાને તેઓ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનું કહેતાં હતાં. તેને ચર્ચમાં જવાની, બાઇબલ વાંચવાની અને ચર્ચમાં થતી પ્રાર્થનાઓ બોલવાની ફરજ પાડવામાં આવતી હતી. જો એમ ન કરે તો તેને માર મારવામાં આવતો.’ 

ભારતીય ન્યાય સંહિતા હેઠળ આપઘાત કરવા ઉશ્કેરવાના ગુના તેમ જ અન્ય ગુનાઓ હેઠળ પોલીસે ઋજુતાના પતિ સુકુમાર, સાસુ અલકા રાજગે અને સસરા સુરેશ રાજગેની ધરપકડ કરી છે.

mumbai news mumbai sangli maharashtra news maharashtra suicide