આ ગુજરાતી ગર્લ છે મહારાષ્ટ્રની ફાસ્ટેસ્ટ સ્કેટર

30 November, 2014 05:20 AM IST  | 

આ ગુજરાતી ગર્લ છે મહારાષ્ટ્રની ફાસ્ટેસ્ટ સ્કેટર




સપના દેસાઈ

મહારાષ્ટ્ર સ્ટેટ રોલર સ્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા યોજાયેલી પચીસમી મહારાષ્ટ્ર સ્ટેટ સ્પીડ રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં ૧૦ વર્ષની સનાયા વખારિયા ૮થી ૧૦ વર્ષના એજ-ગ્રુપમાં ગોલ્ડ મેડલ મેળવીને મહારાષ્ટ્રની ફાસ્ટેસ્ટ સ્કેટર બની ગઈ છે એટલું જ નહીં, નૅશનલ લેવલની ચૅમ્પિયનશિપમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામેલી સનાયા તેના એજ-ગ્રુપની મુંબઈની એકમાત્ર સ્પર્ધક છે.

૨૭થી ૨૯ નવેમ્બર સુધી ત્રણ દિવસ વિરારમાં યોજાયેલી પચીસમી મહારાષ્ટ્ર સ્ટેટ સ્પીડ રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી સનાયા આવતા વર્ષે ૨૧ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરી દરમ્યાન નૅશનલ લેવલ પર થનારી સ્પીડ રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે. તેની સાથેના બીજા સ્પર્ધકો નાશિક અને પુણે વગેરેના છે.

સાયનમાં રહેતી અને બાંદરાની આર્ય વિદ્યામંદિર સ્કૂલમાં ફિફ્થ સ્ટાન્ડર્ડમાં ભણતી સનાયાના પપ્પા સંજય વખારિયાએ કહ્યું હતું કે ‘આ ચૅમ્પિયનશિપમાં ટાઇમ ટ્રાયલ નામની કૅટેગરી હતી જેમાં સ્પર્ધકોએ ગ્રુપમાં નહીં પણ ઇન્ડિવિજ્યુઅલી સ્કેટિંગ કરવાનું હોય છે અને એમાં જે સૌથી ફાસ્ટ ઓછા સમયમાં સ્કેટિંગ કરે તે જીતી જાય છે અને આ કૅટેગરીમાં સનાયા ગોલ્ડ મેડલ જીતીને તેના એજ-ગ્રુપમાં મહારાષ્ટ્રની સૌથી ફાસ્ટેસ્ટ સ્કેટર બની ગઈ છે. એ સિવાય ૫૦૦ મીટર અને ૧૦૦૦ મીટરની સ્પર્ધામાં તેણે ભાગ લીધો હતો જેમાં તે બ્રૉન્ઝ અને સિલ્વર મેડલ જીતી હતી.’

આ અગાઉ પણ અનેક ચૅમ્પિયનશિપ જીતી ચૂકેલી સનાયાના પપ્પાએ કહ્યું હતું કે ‘સનાયા સ્ટેટ લેવલની ચૅમ્પિયનશિપ અગાઉ પણ જીતી ચૂકી છે, પણ ત્યારે તે સાત વર્ષની હતી અને નૅશનલ લેવલ પર ભાગ લેવા માટે આઠ વર્ષથી ઉપરની ઉંમર હોવી જોઈએ એટલે તે ભાગ નહોતી લઈ શકી.’