મુંબઈ: કચ્છી ટીનેજરને સેલ્ફી લેવાનું ભારે પડ્યું

16 April, 2019 08:17 AM IST  |  | સમીઉલ્લાહ ખાન/જયેશ શાહ

મુંબઈ: કચ્છી ટીનેજરને સેલ્ફી લેવાનું ભારે પડ્યું

ખુશાલ ભેદા

રામમંદિર રેલવે સ્ટેશન પાસેના એક મેદાનમાં મિત્રો સાથે ક્રિક્રેટ રમીને પાછો ફરી રહ્યો હતો ત્યારે જોગેશ્વરી રેલવે યાર્ડમાં ઊભેલી ટ્રેનના છાપરા પર ચડીને સેલ્ફી લેવાની કોશિશ કરતાં એક કચ્છી ટીનેજર ખરાબ રીતે દાઝી ગયો છે.

મલાડના માલવણી વિસ્તારમાં રહેતો ૧૪ વર્ષનો ટીનેજર હેવી કરન્ટવાળા ઇલેક્ટિÿÿક વાયરના સંપર્કમાં આવતાં તેને ૮૦ ટકા બર્ન-ઇન્જરી સાથે અત્યંત ગંભીર હાલતમાં કસ્તુરબા હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો છે.

મૂળ કચ્છના મુંદ્રા તાલુકાના મોટી ખાખર ગામના અને હાલ મલાડ (વેસ્ટ)ના માલવણીમાં રહેતા કચ્છી વીસા ઓસવાળ મનીષ ટોકરશી ભેદાનો નવમા ધોરણમાં ભણતો દીકરો ખુશાલ મિત્રો સાથે ગઈ કાલે ક્રિક્રેટ રમવા ગયો અને દુર્ઘટના બની એ વિશે મનીષ ભેદાના પરિવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને બપોરે ૩.૧૫ વાગ્યે જોગેશ્વરી યાર્ડમાંથી ફોન આવ્યો કે તમારા દીકરા સાથે દુર્ઘટના સર્જાઈ છે. અમે તરત ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થઈ કે રમતાં-રમતાં તે ત્યાં ઊભેલી ટ્રેનની છત પર ચડીને સેલ્ફી લેવા ગયો ત્યારે અચાનક ઓવરહેડ વાયરના સંપર્કમાં આવતાં દાઝી ગયો હતો. તેને વિદ્યુત પ્રવાહના સંપર્કમાં આવેલો જોઈને ડરના માર્યા તેના મિત્રો ઘટનાસ્થળેથી નાસી ગયા હતા. ખુશાલ ૮૦ ટકા દાઝી ગયા બાદ અચાનક વાયરથી છૂટો પડીને તે નીચે પટકાયો હતો અને તેને માથામાં ઈજા પહોંચી હતી. મનીષભાઈના પરિવારમાં એક મોટી દીકરી અને એક દીકરો ખુશાલ છે. અમે દરેક યુવાનોને અપીલ કરીએ છીએ કે આ રીતે કોઈ પણ ટ્રેનની છત પર ચડવું એ જાનનું જોખમ છે. રમત-રમતમાં પણ આવું કૃત્ય કરવું નહીં.’

આ પણ વાંચો : નવી મુંબઈના દાણાબંદરનો વેપારી ક્યાં ગાયબ થઈ ગયો?

બનાવની જાણ થતાં ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે ખુશાલ ૭૦થી ૮૦ ટકા દાઝી ગયો છે. ખુશાલની ગંભીર હાલત જોતાં તેને નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ પરિવારજનો તેને ગોરેગામની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી તેને કિંગ એડ્વર્ડ મેમોરિયલ (KEM) હૉસ્પિટલ લઈ જવાની ભલામણ કરવામાં આવી હતી. હાલમાં ખુશાલ ચિંચપોકલીની કસ્તુરબા હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

mumbai mumbai news malad