સમીર વાનખેડેને ક્રૂઝ કેસની તપાસમાંથી નહીં હટાવાય

28 October, 2021 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સંવેદનશીલ બાબત હોવાથી તપાસમાં શું મળ્યું એ નહીં કહી શકાય. અમે આ કેસમાં વિટનેસને પણ બોલાવ્યા છે અને તેમનું સ્ટેટમેન્ટ પણ નોંધવાના છીએ.

સમીર વાનખેડેને ક્રૂઝ કેસની તપાસમાંથી નહીં હટાવાય

એનસીબીના ઝોનલ ડિરેક્ટર અને ક્રૂઝ પર રેઇડ કરનાર સમીર વાનખેડેએ આર્યન ખાનને છોડવા શાહરુખ ખાન પાસે ૨૫ કરોડ રૂપિયાની લાંચ માગી હોવાના આ જ કેસના વિટનેસ પ્રભાકર સાઇલે કરેલા આક્ષેપના સંદર્ભે એનસીબીની દિલ્હીથી આવેલી પાંચ સદસ્યોની ટીમે આજે સમીર વાનખેડેનું સ્ટેટમેન્ટ નોંધ્યું હતું. ત્યાર બાદ સમિતિના વડા જ્ઞાનેશ્વર સિંહે કહ્યું હતું કે ‘અમે તપાસ ચાલુ કરી છે અને કેટલાક ડૉક્યુમેન્ટ્સ પણ કલેક્ટ કર્યા છે. અમે સમીર વાનખેડનું સ્ટેટમેન્ટ પણ નોંધ્યું છે. જોકે આ સંવેદનશીલ બાબત હોવાથી તપાસમાં શું મળ્યું એ નહીં કહી શકાય. અમે આ કેસમાં વિટનેસને પણ બોલાવ્યા છે અને તેમનું સ્ટેટમેન્ટ પણ નોંધવાના છીએ. આ કેસમાં હાલ તપાસ સમીર વાનખેડે કરી રહ્યા છે અને તે જ તપાસ આગળ વધારશે.’ 
દરમિયાન ગઈ કાલે મુંબઈ પોલીસે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં લાંચનો આક્ષેપ કરનાર પ્રભાકર સાઇલે કરેલી ઍપ્લિકેશનના સંદર્ભે તેને બોલાવીને તેનું સ્ટેટમેન્ટ નોંધ્યું હતું જેમાં આઠ કલાકનો સમય લાગ્યો હતો. પ્રભાકર સાઇલ મંગળવારે સાંજે આઝાદ મેદાન ગયો હતો ત્યાર બાદ તેનું સ્ટેટમેન્ટ લેવાનું ચાલુ કરાયું હતું જે બુધવારે પરોઢિયે ત્રણ વાગ્યા સુધી ચાલ્યું હતું. ત્યાર બાદ તેને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું. મંગળવારે પ્રભાકર સાઇલના વકીલે કહ્યું હતું કે ક્રૂઝ પરની રેઇડ વખતે તેના અસીલનો મિસયુઝ કરાયો હતો.  

Mumbai mumbai news aryan khan