સમીર વાનખેડે મહાર જાતિના છે, મુસ્લિમ નથી અને તેમણે ધર્મ પરિવર્તન પણ નથી કર્યું

14 August, 2022 08:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનસીબીના ભૂતપૂર્વ ડિરેક્ટર પર એનસીપીના નેતા નવાબ મલિકે કરેલા આરોપ કાસ્ટ સર્ટિફિકેટ વેરિફિકેશન કમિટીએ ફગાવી દીધા

સમીર વાનખેડે અને નવાબ મલિક


મુંબઈ : બૉલીવુડના અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યનની કૉર્ડેલિયા ક્રૂઝમાં ડ્રગ્સ સંબંધિત મામલામાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ ગયા વર્ષે ધરપકડ કરી હતી ત્યારે એનસીબીના મુંબઈના તત્કાલીન ડિરેક્ટર સમીર વાનખેડે ચર્ચામાં આવ્યા હતા. તેમણે શાહરુખ ખાનના પુત્ર પર હાથ નાખ્યા બાદ એનસીબીના નેતા અને એ સમયના કૅબિનેટ પ્રધાન નવાબ મલિકે સમીર વાનખેડે પર તપાસમાં મનમાની કરવાની સાથે તેઓ મુસ્લિમ છે અને ધર્મ પરિવર્તન કર્યું હોવાના અનેક આરોપ કર્યા હતા. જાત અને ધર્મ બાબતની ફરિયાદ પણ કરવામાં આવી હતી. જોકે કાસ્ટ સર્ટિફિકેટ વેરિફિકેશન કમિટીએ સમીર વાનખેડે મહાર જાતિના છે અને તેઓ મુસ્લિમ નથી તેમ જ તેમણે ધર્મ પરિવર્તન ન કર્યું હોવાનો ચુકાદો ગઈ કાલે આપ્યો હતો. આથી નવાબ મલિક સહિત ચાર લોકોએ સમીર વાનખેડે પર કરેલા ધર્મ બાબતના આરોપ ખોટા ઠર્યા છે.
આઇએએસ અધિકારી સમીર વાનખેડેએ શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કર્યા બાદ નવાબ મલિક સહિત મહાવિકાસ આઘાડી સરકારમાં પ્રધાન હતા એવા બે વિધાનસભ્ય સહિત કુલ ચાર લોકોએ જાતિ ચકાસણી સમિતિમાં ફરિયાદ કરી હતી કે સમીર વાનખેડે મહાર જાતિના નહીં પણ મુસ્લિમ છે અને તેમણે ધર્મ પરિવર્તન કર્યું હોવા છતાં ધર્મ છુપાવીને ખોટું સર્ટિફિકેટ બનાવીને પછાત જાતિના હોવાનું દર્શાવ્યું છે, જેને આધારે તેમણે સરકારી નોકરી પણ મેળવી છે. આવા આરોપ સહિત નવાબ મલિક દરરોજ સવારે પત્રકાર પરિષદ બોલાવીને સમીર વાનખેડે પર જાત-જાતના આરોપ મૂકતા હતા. 
આરોપ થયા બાદ આ મામલે જાતિ ચકાસણી સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી હતી. એમાં જણાવવામાં આવ્યું છે કે સમીર વાનખેડે મુસ્લિમ હોવાના કોઈ પુરાવા હાથ નથી લાગ્યા. એટલું જ નહીં, તેમણે હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હોવાના પણ કોઈ પુરાવા નથી મળ્યા. આથી સમિતિ તેમની સામેની ફરિયાદ ફગાવી દે છે.
ભ્રષ્ટાચારના મામલામાં જેલમાં બંધ નવાબ મલિકે એ સમયે આરોપ કર્યો હતો કે મુંબઈ જેવા શહેરમાં જન્મનો દાખલો ઑનલાઇનમાં સરળતાથી મળે છે. સમીર વાનખેડેની બહેનનું સર્ટિફિકેટ ઑનલાઇન જોઈ શકાય છે, પણ સમીર વાનખેડેનું સર્ટિફિકેટ દેખાતું નથી. સમીરના પિતા જ્ઞાનેશ્વર જન્મે દલિત છે. વાશિમમાં તેમણે જાતિનું પ્રમાણપત્ર મેળવ્યું છે. એને આધારે જ સમીરને સરકારી નોકરી મળી છે. માઝગાવમાં જ્ઞાનેશ્વર રહેતા હતા ત્યારે તેમણે ઝાયેદા ખાન સાથે લગ્ન કરેલાં. બાદમાં તેઓ દાઉદ ખાન બન્યા હતા. બે સંતાનનો જન્મ થયો હતો. આખું કુટુંબ મુસ્લિમોની જેમ રહેતું હતું. આથી સમીર વાનખેડે મુસ્લિમ છે અને તેમણે મહાર જાતિનું ખોટું સર્ટિફિકેટ બનાવીને દલિત યુવકની નોકરીનો અધિકાર છીનવ્યો છે. 

mumbai news nawab malik NCB