રણવીર સિંહના આ ફોટોશૂટની આગમાં રાજકારણીએ હોમ્યું ઘી

24 July, 2022 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમાજવાદી પાર્ટીના નેતાએ પૂછ્યું કે જો નગ્નતા આર્ટ છે તો પછી હિજાબ સાથે ભેદભાવ શા માટે?

રણવીર સિંહ


મુંબઈ : અભિનેતા રણવીર સિંહે હાલમાં જ એક મૅગેઝિન માટે કરેલા નગ્ન ફોટોશૂટને લઈને ઇન્ટરનેટ પર દેકારો મચી ગયો છે અને તેની આ હિંમત માટે તેને બિરદાવવામાં તેમ જ અમુક લોકો દ્વારા એની નિંદા પણ કરવામાં આવી રહી છે ત્યારે એમાં હવે સમાજવાદી પક્ષના અબુ આઝમીએ ઝુકાવ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે ‘જો નગ્નતા આર્ટ અને ફ્રીડમ કહેવાતી હોય તો જો કોઈ છોકરી તેની સંસ્કૃતિને અનુસરીને હિજાબ પહેરીને તેનું શરીર ઢાંકવા માગતી હોય તો એને ભેદભાવભર્યું કે પછી સ્વતંત્રતાને ઘોંટનારું કેમ ગણ‌ાવાય છે? આપણને કેવો સમાજ જોઈએ છે? જો નગ્ન ફોટો જાહેર કરવા એ ફ્રીડમ છે તો હિજાબ કેમ નહીં?’ 
ગયા વર્ષે કર્ણાટકમાં કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ (બુરખો) પહેરીને કૉલેજમાં ગઈ હતી જેનો વિરોધ થયો હતો. એ મામલો ચર્ચાના ચકડોળે ચડ્યો હતો અને કાયદાકીય લડત પણ ચલાવાઈ હતી. રણવીર સિંહના નગ્ન ફોટોશૂટ બદલ પશ્ચિમ બંગાળની અભિનેત્રી અને પૉલિટિશ્યન મીમી ચક્રવર્તીએ સ્ત્રી–પુરુષ સમાનતાનો મુદ્દો છંછેડીને ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘રણવીરના આ ફોટોશૂટને તમે વધાવી રહ્યા છો અને ફાયરનું ઇમોજી દર્શાવો છે. જો કોઈ અભિનેત્રીએ આવું કર્યું હોત તો પણ તમે તેને બિરદાવત કે પછી તેને બહુ ગંદી રીતે વખોડી નાખી હોત અને તેનું ઘર પણ ફૂંકી માર્યું હોત, તેના વિરોધમાં મોરચા કાઢ્યા હોત? તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હોત.’   
મીમી ચક્રવર્તીએ વધુમાં કહ્યું હતું કે ‘આપણે સમાનતાની વાતો કરીએ છીએ, પણ ક્યાં છે એ સમાનતા? એ તમારો દૃષ્ટિકોણ હોય છે જે તેને બદલી નાખે છે અથવા પૂરેપૂરો ખતમ કરી નાખે છે. આ કેસમાં આપણે આપણો દૃષ્ટિકોણ સહેજ મોટો કરીએ, કારણ કે તેણે આ (કસરતી) શરીર કમાવા ઘણુંબધું ગુમાવવું પડ્યું છે, ઘણી વસ્તુ (મીઠું, સાકર, કાર્બ)નો ત્યાગ કરવો પડ્યો છે.’ 
તેની ટ્વીટનો જવાબ આપતાં એક નેટઝિને લખ્યું હતું કે ‘ભૂતકાળમાં મિલિંદ સોમણ અને મધુ સપ્રેએ નગ્ન ફોટોશૂટ કર્યું હતું ત્યારે પણ અનેક લોકોનાં ભવાં વંકાયાં હતાં અને ઊહાપોહ મચ્યો હતો. જોકે મોટા ભાગના લોકોએ એ મુદ્દાને બહુ હળવાશથી લીધો હતો.’  

ranveer singh mumbai news samajwadi party